મોરબીમાં પેસેન્જરને લૂંટતા રીક્ષા ગેંગના 4 શખ્સો ઝડપાયા : 1 ફરાર

- ભોગ બનનાર આધેડના સંબંધી યુવાને જ લૂંટ માટેની ટિપ્સ અન્ય આરોપીઓને આપી હતી
મોરબી : થોડા દિવસો પહેલા પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેને લૂંટી લેવાનો બનાવ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ બનાવમાં મોરબી ડી. સ્ટાફે ચાર આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે. જેને ઝડપી પાડવાની તજવીજ એ. ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા રિલીફનગરમાં રહેતા રાજેશભાઈ રતિલાલ સોમૈયા નામના આધેડ તેમના મોટાભાઈ સાથે મોરબી શહેરના નહેરુગેટ પાસેથી રિક્ષામાં બેસીને નટરાજ ફાટક તરફ જઈ રહ્યા હતા ત્યારે નટરાજ ફાટકે રીક્ષા રોકવાના બદલે હરીપળ તરફ ભગાવી મૂકી હતી. મુસાફરના સ્વાંગમાં અગાઉથી જ એ રિક્ષામાં બેઠેલા બે શખ્સોએ હરીપર કેરાળાના પાટીયા પાસે જઈ બંને ભાઈઓને છરીની અણીએ લૂંટી લીધા હતા. આ લૂંટમાં 4500 રૂપિયા રોકડા અને સેમસંગ કંપનીનો એક મોબાઇલ મળીને કુલ 5500 રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવવામાં આવી હતી. મોરબી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ થતાં પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
શહેરના સીસીટીવી કેમેરા અને વિવિધ સ્તરની તપાસ દરમિયાન આ લૂંટમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ભાવિન કાનજીભાઇ મકવાણા રહે. શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ, ધર્મેશ હિતેશભાઈ બારોટ રહે. ઘૂંટુરોડ, દેવપાર્ક, દક્ષ અનિલભાઈ સોમૈયા રહે. ગાયત્રીનગર અને કુલદીપસિંહ નિર્મલસિંહ જાડેજા રહે. રણછોડનગરને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ચાર શખ્સો પૈકી દક્ષ સોમૈયા ભોગ બનનાર આધેડનો સંબંધી છે. જેણે આ લૂંટને અંજામ આપવા માટેની ટિપ્સ આપી હતી. આ ગુનામાં પ્રતીક ચાવડા નામનો શખ્સ હજુ ફરાર હોય તેને ઝડપી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ગુનાનો ભેદ ઉકેલવામાં ડી. સ્ટાફના પી.એસ.આઇ એન. એચ. ચુડાસમા તથા રાઇટર કિશોરભાઈ મિયાત્રા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.