અવિરત ચાલતી હિજરતોને રોકવા માણાવદરમાં GIDC સ્થાપવા સાંસદ સમક્ષ રજૂઆત

માણાવદરના સ્થાનિક પત્રકારો હિતેષ પંડયા, જીજ્ઞેશ પટેલ, વી.જે.મહેતા અને જગદીશભાઇ રાણપરીયા વગેરેએ માણાવદર ની મુલાકાતે આવેલા સંસદ સભ્ય રમેશભાઈ ધડુક સમક્ષ લેખિત સ્વરૂપે માણાવદરમાં જી.આઇ.ડી.સી. ની સ્થાપના કરવા રજૂઆતો કરી છે. પ્રવર્તમાન સમયમાં આખા ગુજરાતમાં માણાવદર જ એક એવું શહેર છેકે જ્યા આજીવિકા રળવા માટેનો કોઇ સ્ત્રોત (સાધન) નથી રોજગાર ન મળવાને કારણે બે દાયકામાં આ શહેરમાંથી લગભગ 30 હજાર જેટલા નગરવાસીઓએ અન્ય શહેરો કે પ્રાંતોમાં હિજરત કરી છે. અને હજું હિજરતો ચાલું છે.
આવી હિજરતોને રોકવા પત્રકારોએ સાંસદ સમક્ષ અહીં નાના મોટા ઉદ્યોગો થાય તેવી માગણી ઉઠાવી છે અને બંધ પડેલા કારખાનાઓ કે જે સરકારે ભાડાપટ્ટે આપેલા તેની ઉપર જી.આઇ.ડી.સી.ની રચના કરવા લેખિત સ્વરૂપે જણાવ્યું છે. નબળી નેતાગીરીને કારણે આ શહેર સર્વાંગી વિકાસથી વંચિત રહયું હોવાના વેધક સવાલો પત્રકારોએ ઉઠાવ્યા હતા અને જી.આઇ.ડી.સી.ની સ્થાપના સિવાય રોજ થઇ રહેલી હિજરતો અટકાવવા માટેનો કોઇ બીજો રસ્તો નથી તેમ જણાવ્યું છે.
1995 માં આ શહેરની વસતિ 55 હજારની હતી જે આજે 25 થી 30 હજાર જેટલી જ રહી ગઇ છે વસતિ વધે છે પરંતુ રોજગારને અભાવે લોકો બહારગામ સ્થળાંતર કરી રહયા છે અવિરત ચાલી રહેલી હિજરતોને અટકાવવા આ શહેરમાં નવા રોજગાર ધંધા શરૂ થાય તેવા પ્રયાસો કરવા પત્રકારોએ જણાવ્યું છે
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)