જામનગરમાં નાસ્તાની લારીએ ધમાલ, તેલ ઢોળાતા યુવક દાઝ્યો
- વેપારી યુવાન સાથે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો કરી બે શખ્સે ઝાપટ ઝીંકી માર માર્યાની ફરિયાદ નોંધાઇ
જામનગરમાં જી.જી.હોસ્પીટલ રોડ પર જયુસની દુકાન બાજુમાં મોડી રાત્રે નાસ્તાની લારીએ ધસી આવેલા બે શખ્સોએ લારીધારક યુવાન સાથે ઝઘડો કરી અન્ય એકને ઝાપટ મારી તેલની કડાઇ ઉંધી વાળી દેતા યુવાન દાઝી જતા સારવાર અર્થે ખસેડાયો હતો. જેમાં પોલીસે એક અજ્ઞાત સહિતની બેલડી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
શહેરના બેડેશ્વર વિસ્તારમાં સંજય ઓઇલમીલ રોડ પર મંદિરની બાજુમાં રહેતા અને જી.જી.હોસ્પીટલ રોડ પર નાસ્તાની લારી રાખી વ્યવસાય કરતા સાગરભાઇ પ્રવિણભાઇ પોપટ નામના યુવાન શુક્વારે રાત્રે નાસ્તાનુ વેચાણ કરી રહયો હતો. જે વેળાએ બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા જેણે ગરમ નાસ્તા માટે ધમાલ કરી હતી અને તેલની ગરમ કડાઇ ઉંધી વાળી દેતા લારીધારક સાગરભાઇ પેટના ભાગે દાઝી ગયા હતા. જેથી સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવની ભોગગ્રસ્ત સાગરભાઇ પોપટની ફરીયાદ પરથી સીટી બી પોલીસે કાનો મેર અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)