જૂનાગઢ પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દરમિયાન મધુરમ વિસ્તારમાં રહેતા અરજદાર દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી, પોતાની 13 વર્ષની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોઈ, તપાસ કરતા મળી નહીં હોવાનું જણાવતા, સી ડિવિઝન પીએસઆઇ કે.એસ.ડાંગર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એસ. ડાંગર, હે.કો. મેહુલભાઈ, ભગવાનજીભાઈ, નારણભાઇ, ચેતનસિંહ, વિગેરે સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, ગુમ થયેલ 13 વર્ષીય બાળકી એક સગીર છોકરા સાથે રીક્ષામા બેસતા નજરે પડેલ હતા. જે આધારે રિક્ષા ચાલક અને રિક્ષા શોધી કાઢતા, રીક્ષા ચાલક બસ સ્ટેન્ડ મુકવા ગયેલાનું જણાવેલ હતું. જે આધારે મોડી રાત્રિ સુધી તપાસ કરતા, 13 વર્ષીય છોકરી તથા 15 વર્ષનો છોકરો ભવનાથ વિસ્તારમાંથી મળી આવેલ હતા.
બંનેની પૂછપરછ કરવામાં આવતા, બંને એકબીજા સાથે સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામના કારણે એકબીજાના સંપર્કમા આવેલા હતા અને પ્રેમ સંબંધ હોઈ, દિવાળીનો તહેવાર હોઈ, ઇન્સ્ટાગ્રામમા મેસેજ કરી, ઘરેથી કોઈને કહ્યા વગર ફરવા નીકળી ગયેલાની કબૂલાત કરતા, પોલીસ તથા બંને સગીરના પરિવારજનો ચોંકી ઉઠયા હતા. મળી આવેલ બંને સગીરની ઉંમર અને નાદાનીયત ના કારણે બંને સગીર સગીરાના પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બંને સગીર છોકરા છોકરીના પરિવારજનો દ્વારા ગુમ થયેલા છોકરા છોકરીને શોધવા માટે પોલીસ તથા પરિવારજનો દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીના કારણે પોતાના નાદાન છોકરા છોકરી ગણતરીના કલાકોમાં મળી આવતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા પણ બંને પરિવારના સભ્યોને પોતાના સંતાનોનું ધ્યાન રાખવા તથા નાદાનીમાં કોઈ ગુન્હો ના કરી બેસે એ બાબતનું ધ્યાન રાખવા પણ સલાહ આપવામાં આવી હતી. જૂનાગઢ પોલીસની ત્વરિત કાર્યવાહી દ્વારા મળી આવેલ સગીર વયના છોકરા છોકરીનો આ કિસ્સો સાંપ્રત સમયમાં ટીન એજરો દ્વારા કરવામાં આવતા સોશિયલ મીડિયાના ગેર ઉપયોગ તથા તેઓના માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો હોઈ, લોકોને ચેતવાની જરૂર છે. જુનાગઢ *જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા સગીર વયના છોકરા છોકરીને ગણતરીના સમયમાં શોધી કાઢી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક કરેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ