વડોદરાના નવલખી મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

- માસ્ક પહેર્યા વિના યુવાનો ક્રિકેટ રમવા માટે ઉમટ્યા
વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે એક તરફ દુકાનો અને મોલ સીલ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ નવલખી મેદાન ખાતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી અને ક્રિકેટ રમવા આવેલા યુવાનો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા.
દર રવિવારની જેમ યુવાનો ક્રિકેટ રમવા નવલખી મેદાનમાં ઉમટ્યા
છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં મોલ અને દુકાનોમાં કડક કાર્યવાહી કરતી પાલિકાની ટીમને નવલખી મેદાનની ભીડ નજરે પડી નહોતી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટસ જાળવવા કડકાઇથી કામ લેવાના પાલિકાના નિર્ણયના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વડોદરાના નવલખી મેદાનમાં દર રવિવારે મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ભેગા થાય છે અને આજે પણ યુવાનો ક્રિકેટ રમવા માટે પહોંચી ગયા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)