વડોદરામાં મંગળ બજાર સહિતની ભીડભાડવાળી બજારો અને મોલ સજ્જડ બંધ

વડોદરા શહેરમાં સંક્રમણ વધતા અમદાવાદ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મંગળબજાર, ન્યાય મંદિર, મુનશીનો ખાંચો અને ઘડિયાળી પોળ સહિતના ભીડભાડવાળા બજારો અને મોલ 3 દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. જેને પગલે આજે તમામ બજારો બંધ રહ્યા હતા. આ ઉપરાંત હાથીખાના, કડક બજાર, ગોરવા શાક માર્કેટ અને ખંડેરાવ માર્કેટ ફુલ બજાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા છે. કોવિડ19ના નિયમોનું ઉલ્લંઘન કરતા મોલ સામે આજે બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત છે. પાલિકાના અધિકારીઓએ પોલીસની હાજરીમાં આજે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીસ મોલ અને નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ડી-માર્ટને સીલ કર્યું હતું. આ મોલ ત્રણ દિવસ માટે સીલ કરાયા છે.
આજે બીજા દિવસે મોલ અને દુકાનોને સીલ મારવાની કાર્યવાહી યથાવત
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, ફતેગંજ ખાતે આવેલો સેવન સીસ મોલ ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવ્યો છે. આજે સતત બીજા દિવસે મોલ અને દુકાનોને સીલ મારવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
પાણીગેટ વિસ્તારમાં આવેલુ શાક માર્કેટ સીલ કરાયું
વડોદરા મહાનરપાલિકાના અધિકારી વસંત જાદવે જણાવ્યું હતું કે, પાણીગેટ વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકાની ટીમે પહોંચીને શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું હતું. પાલિકા દ્વારા નોટિસ ફટકારીને ત્રણ દિવસ માટે માર્કટેને સીલ કરવામાં આવ્યું છે. પોલીસને સાથે રાખી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી. માસ્ક વગર ફરતા બેજવાબદાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )