ખેડૂત બિલના વિરોધનો 17મો દિવસ ખેડૂતોએ ટોલનાકા ફ્રી કરવાનું શરૂ કર્યું

- દિલ્હી-જયપુર અને દિલ્હી-આગરા હાઇવે જામ કરશે
ખેડૂત કાયદો રદ કરવાની માગ પર અડગ ખેડૂતો આજે આંદોલન વધુ વેગ પકડશે. એલાન પ્રમાણે ખેડૂતોએ ટોલ પ્લાઝા ફ્રી કરવાના શરૂ કરી દીધા છે. અંબાલાના શંભૂ ટોલ પ્લાઝા પર વાહન ટોવ ચૂકવ્યા વગર જ પસાર થઈ રહ્યાં છે. કરનાલનો બસ્તારા ટોલ પ્લાઝા પણ ફ્રી કરી દેવાયો છે.
- પંજાબથી 50 હજાર ખેડૂત આજે દિલ્હી પહોંચશે
આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના અલગ અલગ જિલ્લાના 50 હજાર ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચશે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા આ લોકો અમૃતસર, તરનતારન, ગુરદાસપુર, જલંધર, કપૂરથલા અને મોગા જિલ્લાના છે.
- અત્યારસુધીમાં 11 ખેડૂતનાં મોત
શિયાળા અને કોરોના છતાં ખેડૂત 17 દિવસથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ટીકરી અને સિંધુ બોર્ડર પર એક એક કરીને અત્યારસુધી 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે. તેમનાં મોત પેટ કે છાતીમાં દુખાવાને કારણે થઈ રહ્યાં છે. શિયાળામાં આકાશ નીચે બેઠેલા ખેડૂતો સતત બીમાર પડી રહ્યા છે.
- ખેડૂત કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
ખેડૂતોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે નવા કાયદા તેમને કોર્પોરેટના વિશ્વાસે મૂકી દેશે. આ કાયદા ઉતાવળમાં લેવાયા છે. આ ગેરકાયદે અને મનમાની પ્રમાણેના છે, એટલા માટે એને રદ કરી દેવામાં આવે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)