હાલની રાજનીતિમાં નીતિ સિવાય બધું જ છે…

હાલની રાજનીતિમાં નીતિ સિવાય બધું જ છે…
Spread the love

રાજનીતિમાં નીતિ શબ્દ પડેલો છે, પણ તે થોડા વર્ષોથી ખાસ તો સ્વતંત્રતા પછી, આઉટડેટેડ જણાય છે. સ્વતંત્રતા મળી ત્યારે પણ નીતિનું ધોવાણ થયેલુ ગાંધીજીને આવી સ્વતંત્રતા અપેક્ષિત ન હતી. ગાંધીજી પોતે નહેરુથી પ્રભાવિત હતા અને સરદાર વિદેશમાં પ્રભાવ નહીં પાડી શકે એવું લાગતા તેમણે નહેરુને
વડાપ્રધાન કરેલા સરદાર વડાપ્રધાન થયા હોત તો ઇતિહાસ જુદો જ હોત પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો અર્થ નથી. ગાંધીજીએ તો કોંગ્રેસને વિખેરી નાખવાની વાત પણ કરેલી પણ એય થયુ નહીં ને કોંગ્રેસ આ દેશને કરમે દાયકાઓ સુધી લખાઈ. નહેરુ કુટુંબ વર્ષો સુધી દેશમાં સત્તા પર રહ્યું. આજે પણ નહેરુ કુટુંબને જ આગળ કરવાનું વલણ કોંગ્રેસનું છે ને સોનિયા, રાહુલ કે પ્રિયંકાથી આગળનું કોંગ્રેસને બીજું કશું દેખાતું નથી તે હકીકત છે.

કોંગ્રેસમાં આ ત્રણ જ વ્યક્તિ બચી હોય એ રીતનું કોંગ્રેસનું વલણ ઘાતક છે ને એનું પરિણામ એ આવ્યું છે કે કેન્દ્ર મજબૂત વિરોધપક્ષના અભાવનો અત્યારે લાભ ઉઠાવે છે 2014 થી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી ને ગુજરાતમાં સફળતા પૂર્વક મુખ્યમંત્રીપદું ખેડી ચૂકેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. 2019માં એ જ ફરી વડાપ્રધાન બન્યા અને એમના સખત પ્રયત્નોનું જ એ પરિણામ રહ્યું કે કોંગ્રેસનું ભારે ધોવાણ 2019ની ચૂંટણીમાં પણ થયુંને કેન્દ્રમાં પ્રભાવ વગરના વિપક્ષને બેસવાનું આવ્યું ફરી સત્તા મળવાને કારણે ભાજપ વધુ વિવેકી પક્ષ બનીને સામે આવવો જોઈતો હતો પણ સત્તાનો છાક તેને પણ વર્તાય છે ને તે સારુ લક્ષણ નથી સિકંદર દુનિયા જીતવા નીકળેલોને તેનું શું થયેલું તે દુનિયા જાણે છે. એનો અર્થ એવો નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી.

નોટબંધી, 370ની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક, રામમંદિર નિર્માણ, વિદેશી રોકાણને નિમંત્રણ, કોરોના કાળની પ્રવૃત્તિઓ,નવી શિક્ષા નીતિ, કૃષિ કાનૂન જેવાં ઘણાં કામો સરકારને પક્ષે નોંધાયેલાં છે. એ જુદી વાત છે કે કેટલાંક કામો અંગે પ્રજામાં અસંતોષ છે, પણ સરકારે સાહસો કર્યાં જ નથી એમ કહી શકાશે નહીં. એક વાત સ્પષ્ટ છે કે નિરપેક્ષ બહુમતને જોરે સરકાર મનમાની કરતી હોય છે,પછી એ કોંગ્રેસની હોય કે ભાજપની, બહુ ફરક પડતો નથી. અત્યારે ભાજપે અશ્વમેધ યજ્ઞનો અશ્વ છૂટો મૂક્યો છે. જ્યા જ્યા ચૂંટણી થવાની હોય ત્યાં અમિત શાહને તેમની ટીમ પહોંચે છેને ભાજપની સરકાર બને તેની તનતોડ મહેનતમાં લાગે છે. એ હૈદરાબાદની કે બિહારની વિધાનસભાની ચૂંટણી હોય, અશ્વમેધ યજ્ઞનો ઘોડો ફરે છે ને સત્તાના વિસ્તારની કોશિશ થતી રહે છે.

હવે ભાજપનું એક માત્ર લક્ષ્ય છે, તમામ પ્રદેશોમાં બહુમત મેળવવો ને સત્તામાં આવવું. અગાઉ યુતિ સરકારનો અનુભવ પણ ભાજપે લઈ જોયો, પણ એમાં મહારાષ્ટ્રમાં ને અન્યત્ર છેતરાવાનું થયું એટલે દેખીતું છે કે પૂર્ણ બહુમત સાથે જ સત્તામાં આવવુંએ ભાજપનું છેવટનું લક્ષ્ય હોય.આવનારા નવા વર્ષમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બે દિવસ રોકાયા, તો સીબીઆઇને પ્રવેશબંધી ફરમાવી બેઠેલાં મુખ્યમંત્રી મમતા બેનરજીને આ “અમિત પ્રવાસ” ખૂંચે તે સમજી શકાય એમ છે મમતા બેનરજી “બંગાળની વાઘણ” તરીકે જાણીતા છે ને કોંગ્રેસથી છૂટા પડ્યા પછી અત્યારે તો તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા છે. તેમના પક્ષમાં કેટલાક નેતાઓને સંતોષ નથીને આવનારી ચૂંટણીમાં પોતાની સાથે ન્યાય નહીં થાય એવું લાગતાં કેટલાક નેતાઓએ ભાજપનું શરણું શોધ્યું છે.

ભાજપ આ તક જતી ન કરે તે સ્વાભાવિક છે. આમેય આવી તકનો લાભ લેવાનું અમિત શાહ ભાગ્યે જ ચૂકે છે આ અગાઉ પણ બીજા પક્ષમાંથી સભ્યોને ને હોદ્દેદારોને પોતાના પક્ષમાં ખેંચી લાવવાનું ભાજપને અનુકૂળ આવ્યું જ છે. એ ખેલ પશ્ચિમ બંગાળમાં પણ ચાલ્યો છે. મમતા દસ વર્ષ સત્તામાં રહ્યા એ ગાળામાં સગાવાદનો વાયરસ તેમને પણ વળગ્યો હોવાનું કહેવાય છે. આ વાત તેમની નજીકના નેતાઓને ન જ ગમે તે દેખીતું છે. તેમણે તૃણમૂલ સાથેનો છેડો ફાડયો છે કે ફાડવાની ફિરાકમાં છે. બહુ ઊંડાણમાં ન જઈએ તો પણ તૃણમૂલ સાથેનો છેડો ફાડીને ભાજપના ખોળામાં બેસવાનું જેમણે સ્વીકાર્યું છે, એ લોકો ભાજપમાં સેવા માટે પધાર્યા નથી તે સ્પષ્ટ છે. તેમને લાલચ છે જને તેમને લાલચ અપાઈ હોય એમ પણ બને. આમ થવાને કારણે જેમણે પશ્ચિમ બંગાળમાં જીવ રેડીને ભાજપ માટે કામ કર્યું છે એમને અન્યાય થવાનો પૂરો સંભવ છે આમ થાય તો ભાજપમાં અસંતોષ વધે એ શક્ય છે.

આવામાં ભાજપના નેતાઓ કેવું સ્ટેન્ડ લે ને સંતુલન જાળવવા કેવા પગલા લે છે તે જોવાનું રહે. તૃણમૂલમાંથી વિદાય થયેલ કેટલાક કલંકિત નેતાઓ સંદર્ભે મમતાએ એ આશ્વાસન લીધુ છે કે એવો કચરો ઓછો થવાથી તૃણમૂલને કોઈ ફરક પડ્યો નથી.એ સાચું હોય તો ભાજપે એ ચિંતા કરવાની રહે કે તેનામાં કચરો વધ્યો છે. જોકે મમતાએ ઘણા પડકારો વચ્ચે કામ કરવાનું છે. બાકી હતું તેમાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા પર થોડા દિવસ પહેલાં હુમલો થયો. એ સાથે જ મુકુલ રોય અને શુભેન્દુ અધિકારી જેવા દશેક મોટા માથાં તૃણમૂલ છોડીને ભાજપમાં જોડાયા. મમતા ભલે કહે કે આવા પક્ષ બદલુ નેતાઓથી કોઈ ફેર પડતો નથી, પણ મમતા માટે મુશ્કેલીઓ વધી છે તે નક્કી છે. તેનો ઉપાય પણ ખોળી કઢાયો છે. તેમણે ને તેમના પક્ષે લોકોની વચ્ચે જવાનું સ્વીકાર્યું છે.

તેમને લાગે છે કે વિશ્વાસઘાત કરીને જેમણે પક્ષ બદલ્યો છે એનો ન્યાય જનતા કરશે. બીજી તરફ કોંગ્રેસ અને ભાજપને એમ લાગે છે કે મમતાને હવે તેમના કરેલા કામોનો જ બદલો મળી રહ્યો છે. મમતાએ અગાઉ કોંગ્રેસનો છેડો ફાડયો હતો તે જગજાહેર છે. આ ઉપરાંત ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને કેટલાક ધારાસભ્યોને અને નેતાઓને તૃણમૂલ કોંગ્રેસમાં આવવા મમતા દ્વારા મજબૂર કરાયા હતા તે વાત પણ જાણીતી છે જ ! એટલે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ મમતાનો હોઈ શકે છે. આવું જે પણ પક્ષ સત્તામાં હોય તેની સાથે થઈ શકે છે ને મોટે ભાગે આવો ખેલ જે તે પ્રદેશમાં વિપક્ષના નેતાઓ કરતા હોય છે. પક્ષની તાકાત વધે ને બહુમતીના જોરે સત્તામાં અવાય તે માટે આવું થતું હોય છે.

આ બધું અગાઉ પાતળી બહુમતીથી સત્તામાં આવેલી સરકાર જોડે પણ થયું છે. સત્તામાં રહેલા પક્ષના થોડા લાલચુ સભ્યોને ફોડીને સરકાર ઉથલાવવામાં આવી હોય ને બહુમત પોતાની પાસે છે એવો દાવો કરીને જે તે પક્ષ કે તેના સાથી પક્ષો સત્તામાં આવ્યા હોય એવું બન્યું છે. આમાં ક્યારેક આકસ્મિક ચૂંટણીઓ પણ આવી પડે છે ને ફરી એ આખો ખર્ચાળ વ્યાયામ ચાલે છે ને અબજો રૂપિયાનો ખર્ચ દેશની જનતાને માથે આવી પડે છે. સામેના પક્ષમાંથી લાલચુઓને ફોડવામાં આવે છે ત્યારે એમને કેટલીક વખત તો કરોડો રૂપિયા ને પદ ધરવામાં આવે છે. ઘણીવાર તો આવી લાલચને કારણે જ આવા લોકો પોતાના પક્ષ સાથે બેવફાઈ કરતા હોય છે. મોટે ભાગે પૈસા અને પદની લાલચ આપીને આવાં કામ કરાવાતાં હોય છે. એમાં કોઈ એક પક્ષનું નામ દેવાનો અર્થ નથી.

બધા જ પક્ષો આવું કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. જે નથી કરી શકતા એમનો પનો ટૂંકો પડતો હોય છે અથવા તો એમનું આર્થિક ગજું એટલું નથી એમ જ માનવાનું રહે.આ બધામાં સિધ્ધાંત કે આદર્શને દૂર દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી. કેવળ ને કેવળ સત્તા મેળવવા આવું થતું હોય છે. પક્ષોએ સત્તા કેમ મેળવવી હોય છે ? કારણ સત્તા મેળવવાથી પદ, પ્રતિષ્ઠા ને સંપત્તિ આપોઆપ વધી જતા હોય છે. સાધારણ કોર્પોરેટર બનવાથી ઠાઠ બદલાઈ જતો હોય કે સાંસદ થવા માત્રથી કરોડોનો આંકડો આંખ સામે રમતો થઈ જતો હોય તો સત્તાની ઈચ્છા કોણ ન કરે? પણ આ બધુ સસ્તુ નથી અબજો રૂપિયાનો ખેલ છે. આ કોઈ પણ પક્ષના સભ્યોને ફોડવાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે પ્રજાહિતનું કાર્ય નથી જ ને એમાં પણ ચાલી રહેલી સરકારને લઘુમતિમાં લાવીને ઉથલાવવાનો જે કારસો થાય છે તે તો કેવળને કેવળ અક્ષમ્ય છે.

આ શુધ્ધ બુધ્ધિથી થતું પાપ છે ને એને લીધે દેશને કરોડોના ખર્ચમાં ઉતારવાનું બને છે. ને વિધિની વક્રતા જુઓ કે આ બધું લોકશાહીને અને લોકોને નામે થાય છે, જ્યારે ગમ્મત એ છે કે આખા વેપલામાં લોકો તો છેક છેલ્લે મતદાન પૂરતા જ આવે છે. આમ તો પક્ષાંતર કરવા અંગે 1985માં રાજીવ ગાંધીના સમયમાં કાયદો થયેલો છે પણ તેનો રાજકીય પક્ષોને કોઈ ભય નથી. કાયદાનો કોઈ પ્રભાવ જ ન રહે એવી સ્થિતિ છે. એટલે કશું પણ કહેવું નિરર્થક છે છતા આ દેશની પ્રજાના હિતમાં છેલ્લે એટલું તાર સ્વરે કહેવાનું પ્રાપ્ત થાય છે કે કોઈ પણ સંજોગોમાં લાલચથી કરાતું કે કરાવાતું રાજકીય પક્ષાંતર ગુનાહિત કૃત્ય ગણાવું જોઈએ ને તેની સામે કાનૂની રાહે સખત રીતે કામ ચલાવવું જોઈએ.

– લેખક : રવીન્દ્ર પારેખ

a5188b0d-5ef4-4958-8fb0-99624aeb5fde.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!