જૂનાગઢ જિલ્લામાંથી કુંભમેળામાં જવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ માટે કોરોના અન્વયે માર્ગદર્શિકા જાહેર કરાઇ
- યાત્રાળુઓ કોવિડ-19 RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે
જૂનાગઢ : હરિદ્વાર ખાતે તા. ૨૭/૨/૨૦૨૧ થી ૨૭/૪/૨૦૨૧ દરમિયાન કુંભમેળો યોજાનાર છે. જે સંદર્ભે જૂનાગઢ જિલ્લામાંથી કુંભમેળામાં જવા ઇચ્છતા યાત્રાળુઓ માટે સરકારશ્રી દ્વારા કોરોના-૧૯ અન્વયે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હરિદ્વાર ખાતે કુંભમેળા-૨૦૨૧ અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ વધે નહી અને યાત્રાળુઓ સુરક્ષિત રીતે મેળો માણી શકે એ માટે સરકારશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ શ્રદ્ધાળુઓએ તેમના નજીકના હેલ્થ સેન્ટર, જિલ્લા હોસ્પિટલથી મેડીકલ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. તેમજ કોવિડ-૧૯ RT-PCR નેગેટીવ ટેસ્ટ રીપોર્ટ કરવાનું રહેશે. આ ટેસ્ટ રીપોર્ટ ૭૨ કલાક પહેલા કરવાનો રહેશે. કોવિડ-૧૯ RT-PCR રીપોર્ટ વગર ભાવિકોને પ્રવેશ મળશે નહીં.
આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ ઉમરના, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી નાની ઉમરના બાળકો તેમજ ડાયાબીટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓએ કુંભમેળામાં જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના પગલે સરકારશ્રી દ્વારા વખતોવખત આરોગ્યની જાળવણી, સ્વચ્છતા સંદર્ભે બહાર પાડવામાં આવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં જાહેર સ્થળોએ ૬ ફૂટનું અંતર રાખવા, માસ્ક પહેરવું ફરજિયાત, વારંવાર હાથ ધોવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, યાત્રાળુઓએ આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવા, તેમજ જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ સહિતની સૂચનાઓનું પાલન કરવા સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ