સુરત : પતિએ ઘરમાંથી કાઢી મૂકતાં મહિલા ઝેરી દવા પી પોલીસ સ્ટેશન પહોંચી

આજે વિશ્વ મહિલા દિવસ છે અને મહિલાઓનું ઠેર-ઠેર સન્માન કરવામાં આવે છે; ત્યારે સુરતમાં મહિલા દિવસે જ મહિલાને ઝેરી દવા પીવાનો વારો આવ્યો છે. પતિએ ઘરમાંથી કાઢી મૂકતાં મહિલા વાંદા મારવાની દવા પી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતાં મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યાં હતાં, જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
5 દિવસ પહેલાં જ મહિલા સાસરીમાં ગઈ હતી
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. ત્યાર બાદ મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાંએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો.
બે વર્ષના પુત્રને પણ લઈ લેતાં મહિલા ભાંગી પડી
પતિ સહિત સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકતાં અને બે વર્ષના પુત્રને લઈ લેતાં મહિલા ભાંગી પડી હતી. ત્યાર બાદ વાંદા મારવાની દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં જમીન પર ઢળી પડી હતી, જેથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ તત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યાં હતાં. મહિલાએ પોતાનું નામ કલ્પના જણાવ્યું હતું. મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડો હોવાનું અને પતિએ કાઢી મૂકતાં દવા પી લીધી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
અમદાવાદની આઇશાએ વીડિયો બનાવી આપઘાત કર્યો હતો
ગુજરાતના અમદાવાદ આઈશા નામની પરિણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો. જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતાં પતિ પરિણીતાને આપઘાત કરી લેવાનું કહેતો હતો અને આપઘાત પહેલાં પોતાનો વીડિયો મોકલવા માટે કહ્યું હતું, જેથી આ પરિણીતાએ એક વીડિયો બનાવી અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. પરિણીતાનો આપઘાત કરતો વીડિયો વાઇરલ થયા બાદ આ મામલે આ પરિણીતાને ન્યાય માટે અનેક લોકો સામે આવી રહ્યા છે. આ મામલો તાજેતરમાં ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદની આઇશાની જેમ સુરતની શબનમને પણ તેનો પતિ માનસિક ત્રાસ આપવા સાથે તરછોડી દીધી છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )