છત્રાલ GIDCની કેમિકલ બનાવતી કંપનીમાં આગ: ફાયરે 4 કલાકે કાબૂ કરી

કલોલ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાણીતા છત્રાલ જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં એકાએક આગ ફાટી નિકળી હતી. કેમિકલના કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. ફાયર બ્રિગેડના કાફલાએ સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. તે પછી આગ બુઝાવી શકાઇ હતી. ભિષણ આગ લાગવા છતાં કોઇ જાનહાનિ નહીં થતાં કંપની સહિત તંત્રએ રાહત અનુભવી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગગતો એવી છે કે છત્રાલ જીઆઇડીસીમાં આવેલી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં સોમવારે સાંજે 6 વાગ્યે અચાનક આગ લાગી હતી. કેમિકલ બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગને પગલે ફાયરબ્રિગેડને કોલ આપવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં તંત્રને આખરે સફળતા મળી હતી.
આગમાં કોઈ જાનહાની થઈ ન હોવાથી કામદારો, કર્મચારીઓ. કંપનીના માલિકો અને તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી. ભિષણ આગના કારણે કંપનીની મશીનરી સહિતનો માલસામાન અને ફર્નિચર બળી જતાં મોટુ નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે.જોકે આ બનાવ બાદ આ વિસ્તારમાં થોડો સમય ભારે દોડધામ મચી ગઈ હતી