રાજ્યના લાઈટ હાઉસને પ્રવાસન હેતુથી વિકસિત કરવામાં આવશે

ગુજરાતના વિવિધ ૧૭ લાઇટ હાઉસનો વિકાસ કરાશે
દેશના ૧૯૫ લાઈટહાઉસ પૈકી ૭૧નો વિકાસ થશે, ૩૩ લાઈટ હાઉસ હેરીટેજ કક્ષાના છે
સૌથી વધુ ગુજરાતના ૧૭ લાઈટ હાઉસનો સમાવેશ કરાયો : જવાહર ચાવડા, મંત્રી, પ્રવાસન અને મત્સ્યોદ્યોગ
જૂનાગઢ ; ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા દેશમાં આવેલ લાઈટ હાઉસનો પ્રવાસન હેતુસર વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં ૧૯૫ જેટલા લાઈટ હાઉસ આવેલ છે. આ લાઈટ હાઉસ પૈકી ૩૩ લાઈટ હાઉસ હેરીટેજ કક્ષાના છે.
પ્રથમ તબક્કામાં ૭૧ લાઈટ હાઉસનો પ્રવાસન હેતુથી વિકાસ કરવાનો ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા નિર્ણય કર્યો છે. ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવેલ ૭૧ લાઈટ હાઉસ પૈકી ગુજરાત રાજ્યના ૧૭ લાઈટ હાઉસનો પ્રવાસન હેતુસર વિકાસ કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જે અન્ય રાજ્યોની સરખામણીએ વધુ છે.
પ્રવાસન હેતુને વેગ મળે તે હેતુથી ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલ ૧૭ લાઉટ હાઉસમાં કચ્છીગઢ(શિવરાજપુર), જાફરાબાદ, અલંગ, પીરમ આઇલેન્ડ, માંડવી(કચ્છ), સમીયાણી આઈલેન્ડ, ઓખા, ગોપનાથ, રાવલપીર, વલસાડ ખાડી, માંગરોળ, પોરબંદર, હજીરા, જેગરી, વેરાવળ, દ્વારકા તથા માધવપુરના લાઈટ હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૭ લાઈટ હાઉસ પૈકી રાવલપીર, સમીયાણી આઈલેન્ડ, જાફરાબાદ અને પીરમ આઇલેન્ડ હેરીટેજ લાઈટ હાઉસ છે.
લાઈટહાઉસનો વિકાસ કરવાથી નવા પ્રકારનું પ્રવાસીય આકર્ષણ રાજ્યમાં ઉપલબ્ધ થશે અને તેથી દેશ-વિદેશથી વધુ ને વધુ પ્રવાસીઓ ગુજરાત આવે અને વિવિધ લાઈટ હાઉસની મુલાકાત લે, જેથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવી રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ આશા વ્યક્ત કરી છે.
આ બાબતે પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન હેતુને વેગ મળે તે માટે ગુજરાતમાંથી સૌથી વધુ લાઈટ હાઉસની પસંદગી કરવા બદલ તથા મારા સૂચનો ગ્રાહ્ય રાખવા બદલ રાજ્ય સરકાર વતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનો હું આભાર વ્યક્ત કરું છું.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ