એક હતી ફેકટરી…! વાંકાનેર પીપરડી બ્લાસ્ટમાં ચાર બિહારી શ્રમિકના મોત

- પ્રચંડ વિસ્ફોટમાં ટ્રક-ટેન્કર-બાઇક પણ ફાટી ગયાઃ ૧૨ મજૂરોને ઇજા : બે શ્રમિકોની હાલત હજુ નાજુક
વાંકાનેર : રાજકોટ – વાંકાનેર હાઇવે રોડ ઉપર પીપરડીના પાટીયે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની સિલિકોન બનાવતી ફેકટરીમાં ગતરાત્રીના પ્રચંડ વિસ્ફોટમાં ચાર બિહારી શ્રમિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખે આખી ફેકટરી ખંઢેરમાં ફેરવાઈ ગઈ છે અને બધું તહસ નહસ થઈ જવા પામ્યું છે.હજુ પણ બે શ્રમિકોની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.
પીપરડી નજીક જુદા – જુદા ત્રણ ભાગીદારોની માલિકીની સિલિકોન બનાવતી ફેકટરીમાં રાત્રીના સમયે અચાનક જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને બાદમાં ગરમ ગરમ સિલિકોન વેરણ છેરણ થતા શ્રમિકો આ સિલિકોનમાં દાઝી ગયા હતા. જીવલેણ દૂર્ઘટના શ્રવણ મહંતો, બબલુકુમાર સિંગ, દયાનંદ મહંતો તથા મુકેશકુમાર મહંતો નું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે અને ત્રણ શ્રમિકને રાજકોટ સિવિલ-ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યારે છ મજૂરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી એ દુર્ઘટનામાં કુલ 15 શ્રમિક ઇજાગ્રસ્ત બન્યા હતા.
જો કે, આ દુર્ઘટનામાં બોઇલર કયા કારણે ફાટ્યું તે સહિતની બાબતો જાણવા હાલમાં એફએસએલની તપાસ ચાલુ કરવામાં આવી છે અને શર્મિકોના મૃતદેહોનું પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસ સુત્રોની પ્રાથમિક તપાસમાં આ ફેકટરી ત્રણ ભાગીદારો દ્વારા ચલાવવામાં આવતી હોવાનું અને દેવેશભાઇ કારીયા, હાર્દિકભાઇ પટેલ અને સંજયભાઇ તૈલી નામના ત્રણેય ભાગીદાર હોવાનું બહાર આવ્યું છે. હાલ તુર્ત બોઇલર કઇ રીતે ફાટ્યું તે જાણવા પોલીસ એફએસએલની મદદ લઇ આગળ કાર્યવાહી હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)