રાજકોટ : ભાજપના પૂર્વ ધારાસભ્ય જાડેજાને ખાતરી મળતા આંદોલન રદ

રાજકોટ શહેર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જીલ્લા વહીવટી તંત્રને આડે હાથ લઈ રાજકોટ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનની ચિમકી આપવામાં આવતા ગાંધીનગર સહિતનું તંત્ર ધણધણી ઊઠયું હતું. રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા તાકિદે પૂર્વ ધારાસભ્ય અને અધિક કલેકટરની મીટીંગ બોલાવી મધ્યસ્થી કરી ગોંડલ શહેર તેમજ જીલ્લામાં જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનનો જથ્થો અને રેમડેસીવીર ઇન્જેક્શન મળતા રહેશે તેવી ખાતરી આપતા આંદોલન મોકૂફ રહ્યું હતું. બનાવને પગલે જીલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ પૂર્વ ધારાસભ્ય જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. બાદમાં કલેક્ટરે જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર જે.કે.પટેલની મીટીંગ બોલાવી સમયસર ઓક્સિજન અને ઇન્જેકશનના જથ્થો મળતો રહેશે તેવી ખાતરી અપાતા આંદોલન મોકૂફ રાખ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)