રાજકોટ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારી, લોકોમાં ફફડાટ.

રાજકોટ માં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ ઉપર ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ જન્ય બીમારીનો ખતરો તોળાઈ રહ્યો હોય નવી ઉપાધી આવી પડી છે. બીજી બાજુ આ સારવારનો ખર્ચ પણ હજારોથી લઈ કરોડો રૂપિયા સુધીનો હોવાથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર દુષ્કર બની જાય છે. જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ બીમારીની સારવાર તદ્દન મફત કરવામાં આવતી હોવાથી ત્યાં દર્દીઓનો ધસારો વધુ રહે છે. રાજકોટ શહેરના જાણીતા E.N.T સર્જન ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે ‘મ્યુકર માઈકોસીસ’ ગમે તે ઉંમરના દર્દીને ઝપટે લઈ શકે છે. ખાસ કરીને ૩૦ થી ૮૦ વર્ષ સુધીના કોરોના દર્દીઓને આ બીમારીનો ખતરો રહે છે. એવું પણ નથી કે આ બીમારી જેને થઈ હોય તેને કાયમી રહે જ છે. પરંતુ સારવાર કરાવવામાં જો જરા પણ વિલંબ થઈ જાય તો પછી તેને મટાડવી કપરી બની જાય છે. આ બીમારી ખાસ કરીને સ્ટીરોઈડ ઈન્જેક્શનને કારણે વકરી રહી છે. કોરોના દર્દીઓ પર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો વધુ ઉપયોગ થતો હોવાને કારણે મ્યુકર માઈકોસીસ વધી રહ્યું છે. આ કોઈ ચેપી બીમારી નથી. અત્યારે હું જેટલા દર્દીઓની સારવાર કરી રહ્યો છું તે તમામ સાજા જ છે. પરંતુ આટલી હદે મ્યુકર માઈકોસીસના કેસમાં મેં વધારો ક્યારેય જોયો નથી. આ બીમારી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને વધુ લાગુ પડતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.