પાલિકાના સત્તાધિશોની કાયમી ચીફ ઓફીસરની માંગણી
પાલિકાના સત્તાધિશોની કાયમી ચીફ ઓફીસરની માંગણી
ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફીસરે રાજીનામું ધરી દેતા ૮ દિવસથી પાલિકા અધિકારી વિહોણી
ચીફ ઓફિસર ન હોવાથી મહત્ત્વના નિર્ણયો લેવામાં આવતા નથી
પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
ધંધુકા નગરપાલિકામાં ૮ માસ પૂર્વે નવા ચીફ ઓફીસરની નિમણુંક કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ અંગત કારણોસર આ ચીફ ઓફીસર દ્વારા ૮ દિવસ પૂર્વે રાજીનામું ધરી દેતા હાલ એક અઠવાડીયાથી ધંધુકા નગરપાલિકા ચીફ ઓફિસર વિહોણી બની ગઈ છે.
ધંધુકા નગરપાલિકામાં કાયમી અને પ્રજાલક્ષી વહીવટ કરી શકે તેવા ચીફ ઓફીસરની કાયમ માટે ખોટ રહી છે. રાજકીય માહોલને અનુરૃપ અધિકારીઓ મુકાતા હોવાથી પ્રજાલક્ષી કામોમાંગતિ આવતી નથી. ધંધુકા પાલીકાને કાયમી ચીફ ઓફીસરને લઈ જાણે કોઈ શાપ હોય તેવું લાગી રહ્યું છે. પાછલા ૮ માસ પૂર્વે નવા ચીફ ઓફીસરની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ ચીફ ઓફીસર કોઈ નિર્ણાયક કામગીરી કરી શખતા ન હતા તેવી હૈયા વરાળ પાલીકાના કારોબારી ચેરમેન દ્વારા સોસીયલ મીડીયામાં ઠાલવવામાં આવી હતી. વળી લોકોના પ્રશ્નોના નિરાકરણમાં પણ નિર્ણય શક્તિનો અભાવ વર્તાતો હતો. જેના કારણે પાલીકામાં આઠ માસથી વહીવટ ખોરંભે પડયો હતો. આવી જટીલ સ્થિતિમાં ચીફ ઓફીસર દ્વારા દિવસ પૂર્વે અંગત કારણોસર પદ પરથી રાજીનામું ધરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. પાલીકા પ્રમુખ હર્ષદચાવડા અને કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવતે જણાવ્યું કે પાલીકામાં સત્તા પક્ષ દ્વારા લોકોના વિકાસના કાર્યોને ગતિ આપવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ મુખ્ય અધિકારી નિર્ણાયક બની રહે છે. તેમાં વર્તમાન ચીફ ઓફીસરે રાજીનામુ ધરી દેતા પાછલા ૮ દિવસથી પાલીકા મુખ્ય અધિકારી વિહોણી બની છે. હવે ધંધુકા નગરના હિતમાં સરકાર કાયમી ધોરણે શહેરના પ્રાણપ્રશ્નો પરત્વે ધ્યાન આપી શકે અને ધંધુકા ખાતે રહીને કામગીરી કરી શકે તેવા નવા ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરે તેવી માંગ કરવામાં આવી છે. પાલીકામાં સરકારે આપેલા ઘણા વાહનો છે. પરંતુ માત્ર બે જ ચાલકો છે. તેમાં પણ એક ચાલક કોરોનાને કારણે હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.