બીજી લહેરમાં ફેલ રહેલી સરકારે ત્રીજી લહેર રોકવા માટે કમર કસી

કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં વ્યાપક જાનહાનિ તથા ઓક્સિજન, બેડ સહિતની આરોગ્ય સેવાઓની અછતને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિમાંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી છે. કોરોના પર અંકુશ મેળવવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની સોમવારે મળેલી બેઠકમાં સરકારે આ અંગે ચર્ચા કરી હતી. ચર્ચાના આધારે ત્રણ દિવસમાં તૈયાર થયેલા અહેવાલને આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢશે. આ તૈયારી અન્વયે તમામ સંસાધનો અત્યારથી જ ઊભાં કરવા માટેનો ખર્ચ અને કાર્યાન્વયન નહીં થાય, પરંતુ તાકીદના સમયે ખૂબ ઓછાં સમયગાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે યોજના બનાવાઇ છે, તેવું ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે.