સ્ત્રી સશક્તિકરણ : બે ઘર હોવા છતા સ્ત્રી ઘણીવાર બેઘર જ રહી જાય છે…!

સ્ત્રી સશક્તિકરણ : બે ઘર હોવા છતા સ્ત્રી ઘણીવાર બેઘર જ રહી જાય છે…!
Spread the love

સ્ત્રી એટલે શું? એક જીવતી ઢીંગલી માત્ર? ઘણાં આ વાત માનવા તૈયાર નહીં થાય, કારણ સ્ત્રી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ થઈ શકતી હોય, કંપનીઓ કે ઓફિસો સંભાળી શકતી હોય ને તેના હાથ નીચે અનેક પુરુષો કામ કરતા હોય, ત્યાં તેને ઢીંગલી તો ન જ કહેવાય, પણ એ તો જે વિસ્તારોમાં પ્રગતિ થઈ હોય ને સ્ત્રી સત્તા ભોગવતી હોય એની વાત થઈ. હજી એવાં ઘણાં શહેરો અને ગામડાં છે જ્યાં સ્ત્રી જીવતી ઢીંગલીથી વિશેષ કૈં નથી. તે બીજાઓ માટે આદેશ આપવાનું સાધન માત્ર છે. તે હુકમો ઉઠાવવા જ હોય તેમ તેની સાથે વ્યવહાર થાય છે. તેને મન ફાવે તેમ રમાડાય છે કે તેનો લાભ લેવાય છે. આપણે જાણીએ છીએ તેમ સ્ત્રીની સમાજે ચોક્કસ ભૂમિકાઓ નક્કી કરી છે. તે માતા, દીકરી, બહેન, પત્ની વગેરે ભૂમિકામાં ગોઠવી દેવાઈ છે. એમ તો પુરુષ પણ પિતા, પુત્ર, ભાઈ, પતિની ભૂમિકામાં ગોઠવાયેલો જ છે, પણ તેની ભૂમિકા તે ન ભજવે કે ઓછી ભજવે તો ચાલી જાય છે.

દાખલા તરીકે, પિતા નશામાં ધુત્ત થઈને પડ્યો રહે ને સંતાનો તરફ દુર્લક્ષ સેવે તો નભી જાય છે, પણ માતા સંતાનો તરફ એવી ઉદાસીનતા દાખવી શકતી નથી. તેણે સંતાનો તરફની ફરજ અદા કરવી જ પડે છે. એ મામલે સમાજ તેની પાસેથી વિશેષ અપેક્ષા રાખે છે. આમ તો મનુષ્ય જાતિમાં બે મુખ્ય પાત્રો છે, સ્ત્રી અને પુરુષ. કોઈ સમાજ,વર્ગ, સંબંધો વિકસ્યા ન હતા ત્યારે પણ સ્ત્રી અને પુરુષ તો હતાં જ. એ બે વચ્ચે સંબંધ થયો ને તેણે સમાજની, સંસ્કૃતિની દિશા ખોલી આપી. સંસ્કૃતિએ પ્રવેશ કર્યો તે સાથે જ વિકૃતિ પણ પ્રવેશી. સભ્યતાની ખબર પડી એટલે અસભ્યતાએ પણ દેખા દીધી. સત્ય ન હતું ત્યાં સુધી અસત્ય પણ ન હતું.

બીજા શબ્દોમાં કહીએ તો સમાજ અસ્તિત્વમાં આવ્યો તે સાથે સ્ત્રી અને પુરુષની જવાબદારીઓ વધી. એને કારણે મનુષ્ય વિશેષ સભાન થયો. એ સભાનતાએ માણસને ગુનો કરતા અટકાવ્યો તો એણે જ અજાણતા ગુના તરફ પણ ધકેલ્યો. સંબંધો સ્પષ્ટ થયા તે સાથે જ તેની મર્યાદાઓ પણ સ્પષ્ટ થઈ. પતિ- પત્નીના સંબંધો અને ભાઈ- બહેનના સંબંધો જુદા છે. કેટલાક કિસ્સાઓમાં ભાઈ, બહેન સાથે કે પિતા પુત્રી સાથે પરાણે સંબંધો બાંધતા હોય તો પણ, તેને સમાજ સ્વીકારતો નથી ને તેને ગુનાહિત કૃત્ય ગણીને જવાબદારો સામે કાનૂની રાહે કામ ચલાવે છે.

જોકે સ્ત્રીઓ તરફના ગુનાઓ તેથી ઘટવાને બદલે વધ્યા છે. ગુના તો જ ઘટે જો દીકરાના ઉછેરમાં ફેર પડે. એ ઉછેર દીકરો પોતે તો પોતાનો ન જ કરે, એ માતાપિતાએ કરવાનો છે ને એ બંને જો પરંપરા અનુસાર ઉછેર કરવા લાગે તો દીકરો એ જ રીતે મોટો થશે, જેમ અગાઉ અનેક દીકરાઓ થયા છે.એક વસ્તુ દેખીતી છે કે કુટુંબમાં મોટો થતો દીકરો, પોતાને લાભ થાય એટલુ ધ્યાનમાં રાખીને મોટો થશે તો એનો દીકરો પણ એ જ રીતે મોટો થશે ને એવું પેઢી દર પેઢી ચાલ્યા કરશે. દીકરો પોતાનો લાભ જોઈને મોટો થાય તેનો વાંધોનથી, પણ પોતાની બહેનને અન્યાય થતો દેખાય ને એ ચૂપ રહે તો દીકરી, ઠીકરીની જેમ રઝળે તેમાં નવાઈ નથી.

ભાઈ મોટો થઈને પિતા બને ત્યારે એટલું ધ્યાન અવશ્ય રાખે કે પોતાની દીકરી અને દીકરાના ઉછેરમાં ભેદ નહીં રહે, તો જ વાત બદલાશે. જ્યાં દીકરી આગળ નીકળી છે ત્યાં તેનું મજબૂત મનોબળ કે માતાપિતાએ કરેલો ભેદભાવ વગરનો ઉછેર કેન્દ્રમાં છે, પણ બધે એ વાત નથી. ઘણા કુટુંબોમાં દીકરો મોટો થઈને માબાપને સાચવવાનો છે ને દીકરી પારકે ઘેર જવાની છે, એ ગણતરીએ ઉછેર થાય છે. દીકરાને હુકમો કરતા ને દીકરીને હુકમો ઉઠાવતાં શીખવાય છે. ચાના કપરાકાબી તો દીકરીએ જ ઉપાડવાના છે ને દીકરો રસોડામાં જવાનો હોય તો પણ કપરાકાબી એમ જ મૂકીને જ ઊભો થઈ જાય છે.

આ માનસિકતા હોય ત્યાં ન્યાયની અપેક્ષા ઓછી જ રહેવાની. આ સ્થિતિ બદલાવી જોઈએ. દીકરી એટલે કપરાકાબી ઉપાડે છે કારણ સાસરામાં તેણે પોતાના દીકરા સહિત બધાંના જ વાસણો ઉપાડવાના છે ને દીકરો એટલે નથી ઉપાડતો કારણ તેનું કરવાવાળી પત્ની ક્યાંકથી આવવાની છે. સ્ત્રીનાં શોષણનાં બીજ કુટુંબમાં જ નંખાય છે. છોકરો કે ઘરનો પુરુષ છેડતી, દુષ્કર્મ સુધી પહોંચે છે, કારણ ઘરમાં બહેન કે ભાભી કોઈ વાતનો વિરોધ કરતી દેખાઈ નથી એટલે તે માને છે કે બહાર પણ એવું જ છે. છોકરી કે સ્ત્રી વિરોધ નથી કરતી એટલે તેની હિંમત વધે છે. સ્ત્રીઓ વધારે બહાર નીકળતી થઈ છે, પોતાનું રક્ષણ કરતી થઈ છે, છતાં છેડતી, બળાત્કારની ઘટનાઓ વધી છે તેનો ઇન્કાર થઈ શકે એમ નથી. ગુનેગારને કાયદો સજા કરે એટલું પૂરતું નથી.

સ્ત્રી માનની અધિકારિણી છે, તેને પણ પુરુષ જેટલા જ અધિકાર છે એવું નાનેથી જ દીકરા-દીકરીને સાથે રાખીને નહીં શીખવાય ત્યાં સુધી સ્ત્રી અપમાનિત થવાની છે.રૂઢિગત ઉછેરનું પરિણામ એ આવે છે કે દીકરી પિયરમાં માબાપ, ભાઈ ભાંડુઓના દાબમાં મોટી થાય છે ને પરણે છે પછી સત્તાની ફેરબદલી થઈ જાય છે. પિયરના હુકમો બદલાઈને સાસરાના હુકમો થઈ જાય છે. શાસન પતિનું ને તેને જ પરમેશ્વર માનીને પત્નીએ સાસરે દિવસો કાઢવાના આવે છે. ગાળ ખાવાનું બદલાતું નથી, પણ ગાળ દેનારાઓ બદલાઈ જાય છે. તે જાણે બીજા માટે જ જન્મે છે, મોટી થાય છે.

સ્ત્રી પરણે ત્યાં સુધી પિયરની છે, પરણે પછી સાસરાની છે. તેનું એક ઘર પિયર છે, પણ પિયરની હોવા છતાં તે પિયરની ગણાતી નથી, તેને મોટી કરાય છે તે એટલે કે સાસરું તેનું ઘર બને, એટલે પિયરમાં હોય ત્યારે એમ કહેવાતું રહે છે કે તે તો પારકે ઘેર જવાની છે. આને કારણે જન્મે ત્યારથી જ પિયરની હોવા છતાં સ્ત્રી પિયરની ગણાતી નથી. વારુ, સાસરે આવ્યા પછી સાસરામાં તેની સ્વીકૃતિ કેટલી? તો કે અહીં તે પારકે ઘેરથી આવી છે, એટલે ગમે તેટલું કરો, તે આપણી નહીં થાય એમ માનીને સાસરું ચાલે છે. ટૂંકમાં, તે પિયર છે ત્યારે પારકે ઘેર જવાની છે એટલે પારકી છે ને સાસરે એટલે પારકી છે, કારણ પારકે ઘરેથી આવી છે. આ પારકી પાસેથી જ વંશવેલો આગળ વધારવાની અપેક્ષા રખાય એ પણ કેવું?

કેવી વક્રતા છે કે બબ્બે ઘરની હોવા છતાં તે એકેય ઘરની થઈ નથી શકતી. એવી ઘણી છોકરીઓ છે જેપરણવા બહુ ઉત્સુક નથી, પણ યોગ્ય મૂરતિયો નહીં મળે એમ માનીને તેને ગમે તેને ગળે વળગાડી દેવામાં આવે છે. એ નથી કહેતી કે બીજાને માટે પોતાને ઉછેરો કે પારકે ઘરે જવાની છે એમ માનીને મોટી કરો, છતાં ઉછેર તો પારકે ઘેર જવાની છે એમ માનીને જ થાય છે. પરણીને સાસરે આવે છે, પતિની, સાસરાની થવા મથે છે, સંતાનોને ઉછેરે છે પણ એ “વીસનખી”ની ગાળ ખાય જ છે ને પારકે ઘેરથી આવી છે એ વાત કાનના કોડિયાં થઈ જાય ત્યાં સુધી સંભળાતી રહે છે. બને છે એવું કે પિયર તો પોતાનું નથી જ રહેતું,

પણ સાસરું પણ પોતાનું નથી થઈ શકતું. ઘણીવાર તો એવું થાય છે કે વિધવા થયેલી સ્ત્રીને પિયર સંઘરતું નથી ને સંતાનો પણ કોઈ વાર તેને વૃધ્ધાશ્રમ માં ઠાલવીને સાસરાની નથી રહેવા દેતાં. એટલે જ પિયરમાં પુત્રીનો હક કાયદાએ મંજૂર રાખ્યો છે કે પતિની મિલકતમાં પણ પહેલો હક પત્નીનો માન્ય રખાયો છે. બબ્બે ઘરની હોવા છતાં જો સ્ત્રી એકેય ઘરની ન ગણાતી હોય તોબબ્બે ઘરની મિલકતમાં તેનો હક માન્ય રખાય તો આઘાત ન લાગવો જોઈએ. બને કે એકાદ ઘર તો તેને પોતાની ગણે. હવે એવું થયું છે કે જ્યાં સ્ત્રી હક વિષે સભાન થઈ છે ત્યાં તે પિયરને અને સાસરાને કોર્ટ સુધી ઘસડતી પણ થઈ છે.

એમાં ક્યારેક એવું પણ થયું છે કે સ્ત્રીએ હકનો દુરુપયોગ કર્યો હોય ને પિયર કે સાસરાએ કારણ વગર વેઠવાનું આવ્યું હોય. એક વાત છે કે સ્ત્રીનું શોષણ અપરાધ હોય તો સ્ત્રી દ્વારાશોષણ પણ અપરાધ જ છે ને અહીં કદાચ ન્યાય ન થાય તો પણ કુદરતી ન્યાય જેવું હજી જગતમાં છે ને એના દ્વારા અન્યાય થયાનું આજ સુધી તો સંભળાયું નથી.

લેખક: રવીન્દ્ર પારેખ

132038250_2887768384840402_1086083487214914131_n.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!