ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી, ખોખરી, ભાણ ખોખરી ગામે 57 કેસ, 21 લોકોના મોત

- 4 તાલુકામાં ખંભાળિયામાં 30, દ્વારકા-14, ભાણવડ 7, કલ્યાણપુર 8 દર્દીઓનો સમાવેશ
- કોવિડ કેર સેન્ટરોમાં જરૂરી મેડિકલ સાધન સામગ્રીની ભારે અછત, હજુ સુધી કોઇ નેતા ગામમાં આવ્યા નથી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં આવેલા ઠાકર શેરડી, ખોખરી અને ભાણ ખોખરી ગામોમાં 57 જેટલા કોરોના કેસો સામે આવ્યા છે અને 21 જેટલા લોકોના મોત થયા છે. જેમાં 2300 જેટલી વસ્તી ધરાવતા ભાણ ખોખરી ગામમાં બે સગા ભાઈઓ, પતિ-પત્ની સહિત 10 લોકોના મોત થયા છે. છતાં ઉપરથી કોઈ ભાવ પણ નથી પૂછતું. ખંભાળીયાના ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવતા ઠાકર શેરડી ગામના સરપંચ અને દ્વારકા જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રમુખ જયસુખભાઈ કણઝારીયાએ જણાવ્યું હતું કે ગામમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. પણ કોવિડ સેન્ટરમાં જરૂરી કોઈ પણ જાતની મેડિકલ સાધન સામગ્રી ઉપલબ્ધ નથી.
સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ખર્ચની મંજૂરી માંગી પણ પરંતુ આપતા નથી અને આવા કપરા સમયમાં ખર્ચ માટે દાતા મળતા નથી. અને નેતાઓ દેખાતા નથી. ગામમાં 15 જેટલા કેસ નોંધાયા છે અને 4ના મોત થયા છે અને 95 ટકા રસીકરણ થયું છે. તેમજ વધુ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં છેલ્લા એકાદ વર્ષથી 15માં નાણાપંચની ગ્રાન્ટ આવે તે પંચાયતના ખાતામાં ચાર ચાર હપ્તા આવી ગયા છે. પણ સરપંચો દ્વારા કામની વારંવાર રજૂઆત કરાતા ઊપરથી મંજૂરી નથી મળી એવા જવાબ આપવામાં આવે તેના કારણે છેલ્લા એકાદ વર્ષથી ગામડાનો વિકાસ રૂંધાયો છે.
ખંભાળીયાના 2300 વસ્તી ધરાવતા ખોખરી ગામના સરપંચ ડાઈબેન અને તેના પતિ મેરામણભાઈ ડેરએ જણાવ્યું હતું કે ગામમાં 35 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. અને સગા બે ભાઈઓ, પતિ-પત્ની સહિત 10 દર્દીઓના મોત થયા છે. કોવિડ કેર એક નાટક છે. અધિકારીઓ કે નેતાઓ કોઈ ભાવ પૂછતું નથી. કોવિડ કેર સેન્ટર સ્વખર્ચે ચાલુ કર્યું છે. પરંતુ હાલ તેમાં કોઈ આઇસોલેટ નથી. ગામમાં 80 ટકાથી વધુ લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે. એક પણ નેતાએ નથી કોલ કર્યો કે નથી ગામમાં આવ્યા. ખંભાળીયામાં 1800 વસ્તી ધરાવતા ભાણ ખોખરી ગામના સરપંચ પુંજીબેન અને તેમના પુત્ર દેવશીભાઈ માંડણભાઈ ગોરડીયાએ જણાવ્યું હતું કે ગામમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. પરંતુ કોઈ આઇસોલેટ થવા આવતું નથી. ગામમાં 7થી 8 દર્દીઓના મોત થયા છે. કોઈ નેતા ગામમાં આવ્યા નથી. ગામમાં 35 ટકા જેટલા લોકોએ કોરોનાની રસી લીધી છે ગ્રામજનો પહેલા રસી મુકાવતા ન હતા. હવે લોકો રસી મુકાવવા માટે કહે છે. તો રસીના ઉપરથી પૂરતા ડોઝ આવતા નથી.
– રોહિત મેરાણી (જામનગર)