જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન, વીજ પુરવઠો જાળવવા ટીમ તૈનાત

- જી.જી.માં 2 દિવસ સુધી ઓક્સિજનની અછત નહીં, 14 કીલો લીટર ક્ષમતાનું ટેન્કર રખાયું
- સરકારી કોવિડ હોસ્પિટલમાં 8 અને 9મો માળ ખાલી કરાવી દર્દીનું સ્થાળાતંર કરાયું
જામનગરમાં તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન અને વીજ પુરવઠો જાળવવા તંત્ર દ્વારા ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં બે દિવસ સુધી ઓક્સિજનની અછત ન રહે તે માટે 14 કીલો ટેન્કર રાખવામાં આવ્યું છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં 8 અને 9મો માળ ખાલી કરાવી દર્દીઓનું નીચેના માળે સ્થળાતંર કરાયું છે.
તૌકતે વાવાઝોડાની અસરને પહોંચી જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે તબકકામાં તૈયારી કરવામાં આવી છે. જેમાં કોરોનાની સ્થિતિના કારણે તમામ હોસ્પિટલોને જનરેટર રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે કલેકટર રવિશંકર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જી.જી. અને ડેન્ટલ હોસ્પિટલમાં લીકવીડ ઓક્સિજનની અછત ન થાય તે માટે બંને હોસ્પિટલમાં 66 કીલો લીટર ઓક્સિજનની ક્ષમતા હોય સાંજ સુધીમાં ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવશે. 14 કીલો લીટરનું વધારાનું ટેન્કર રાખવામાં આવશે જેથી બે દિવસ સુધી ઓક્સિજનની અછત રહેશે નહીં.
વીજળી ગુલ થવાની પૂરી શકયતા હોય જી.જી.હોસ્પિટલમાં તા.16 થી 19 મે સુધી પીજીવીસીએલની અલગ-અલગ 4 ટીમ કાર્યરત રહેશે. જી.જી.હોસ્પિટલને થ્રી લેયર સિકયોરીટી આપી હોય આથી કોઇ એક ફીડરમાંથી કનેકશન જાય તો જનરેટરમાંથી વીજપુરવઠો મળી રહેશે. 24 કલાક કર્મચારીઓ ફરજ બજાવશે. જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં 9 માળ હોય તકેદારીના ભાગરૂપે 8 અને 9મો માળ ખાલી કરાવી દર્દીઓનું નીચેના માળ પર સ્થળાંતર કરાયું છે. તદઉપરાંત પથારીઓને બારીઓથી દૂર રાખવા અને દરેક બારીમાં વીન્ડ પ્રુફીંગ કરવા સૂચના આપાઇ છે. સામાજીક સંસ્થાઓ સાથે ચર્ચા કરી ફૂડપેકેટ બનવાવાનું આયોજન કરાયું છે.
– રોહિત મેરાણી (જામનગર)