મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સરેરાશ અડધો ઇંચ વરસાદ : નવલખીનો દરીયો શાંત જોવા મળ્યો

તોક્તે નામનું વાવાઝોડું આવશે તેવી દહેશત હતી જો કે, હાલમાં મોરબી જિલ્લા માટે મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે અને નવલખી બંદરે હાલમાં વાવાઝોડાની નહીવત અસર હોવાનું અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે અને હાલમાં નવલખીનો દરીયો શાંત જોવા મળી રહ્યો છે જો કે, સલામતીના ભાગરૂપે હજુ પણ નવલખીના બંદરે હાલમાં પણ આઠ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે અતિ ભયાનક વાવાઝોડા અને ભારે તોફાની પવનની નિશાની આપે છે અને અત્યારે આકાશમાં કાળા વાદળ જોવા મળી રહ્યા છે અને ભારે વરસાદ પડે તેવી શક્યતા સેવાઇ રહી છે.
જો કે, ગઇકાલે રાતથી જ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આખી રાત ભારે પવન સાથે મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ધીમી ધારે વરસાદ ચાલુ જ હતો અને હાલમાં જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળી રહેલી માહિતી મુજબ મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકમાં આખી રાતમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જો કે, ટંકારા તેમજ માળીયામાં પાંચ-પાંચ એમએમ વરસાદ નોંધાયો છે અને હાલમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળી રહેલી વધુ માહિતી મુજબ હજુ સુધી મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ ભારે પવન કે વરસાદના લીધે કોઈ નુકશાની, કોઈને ઇજા કે પછી જાનહાનિ જેવી ઘટના સામે આવી નથી પરંતુ ભારે પવન કે પછી વરસાદના લીધે કોઈપણ પરિસ્થિતી ઊભી થાય તો તેને પહોચી વળવા માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાલમાં સમગ્ર વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)