ઓઈલ એન્જિન, ડી.જી.સેટ અને ટેન્કર દ્વારા પૂર્વવત કરાયેલુ પાણી વિતરણ

- રાજ્ય સરકાર અને નાગરિકોના સહકારથી અમરેલી જિલ્લામાં થાળે પડી રહેલું જનજીવન
અમરેલી : અમરેલી જિલ્લાના તાઉતે વાવાઝોડાથી અસર પામેલા વિવિધ ગામોમાં રાજ્ય સરકાર અને નાગરિકોના સ્વૈચ્છિક સહકાર થકી શરૂ કરાયેલ પાણી વિતરણના પગલે ગ્રામ્ય જનજીવન થાળે પડી રહ્યું છે. સાવરકુંડલા તાલુકાના હડાળી ગામના સરપંચશ્રી બાબુભાઈ અરજણભાઇ દેવકાણીયાએ વાડી વિસ્તારમાં આવેલા કૂવા પાસે ઓઈલ એન્જિન મુકી ગામ લોકોને ઘરે-ઘર પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. ગામ બહાર આવેલા અવેડામા પણ આ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે ગામ ના પશુધનને પણ પાણી મળી શક્યુ છે.
જાંબુડા મઢડા ગામે ડીઝલ જનરેટર દ્વારા ગામ લોકો આંતરિક સહકારથી પાણી વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. જ્યારે મેરિયાણા ગામમાં રાજ્ય સરકાર ના પાણી પુરવઠા વિભાગના ટેન્કર દ્વારા ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વાવાઝોડાના વિકટ સમયે સરકાર અને નાગરિકો “સાથી હાથ બઢાના”ની ભાવના ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે, જેને પરિણામે જનજીવન સામાન્ય થઈ શક્યું છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ