સાવરકુંડલા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર દ્વારા કરાઈ રહેલું પાણી વિતરણ

- ગ્રામ્ય નાગરિકોની આંતરડી ઠારતુ પાણી પુરવઠા તંત્ર
- અમરેલી જિલ્લાના તમામ ૬૦૮ ગામોમાં પાણી પુરવઠો અવિરતપણે હાલ ચાલુ
સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં અમરેલી જિલ્લાના પાણી પુરવઠા તંત્ર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામ ખાતે આજે એક મોટા ટ્રકમાં બે વિશાળ પાણીના ટેન્કર આવી પહોંચ્યા હતા અને ગામલોકોને પાણી વિતરણ કર્યું હતું. તાઉતૈ વાવાઝોડાની પાછલી અસર સ્વરૂપે વીજળીના અભાવે ઘણા ગામડાઓમાં વીજપુરવઠો અને પાણી ખોરવાયો છે. રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરી અસરગ્રસ્ત ગામોમાં પાણી વિતરણ શરૂ કરાયું છે, જેના થકી ગામલોકોની આંતરડી ઠરી છે. અને જનજીવન પૂર્વવત થવાની શરૂઆત થઇ છે.
નોંધનીય છે કે અમરેલી જિલ્લાના ૬૦૮ ગામોમાંથી ૬૦૮ ગામોમાં એટલે કે ૧૦૦% ગામોમાં પાણી પુરવઠો અવિરતપણે હાલ ચાલુ છે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૬૦૮ ગામો પૈકી ૨૮૩ જેટલા ગામોમાં હાલ જૂથ યોજના મારફતે, ૭૮ ગામોમાં ટેન્કરો મારફતે, ૫૪ ગામોમાં ડીજી સેટ મારફતે અને ૧૯૩ જેટલા ગામોમાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા મારફતે પાણીના વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિનાશકારી વાવાઝોડાના લીધે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં વીજપોલ તેમજ સબસ્ટેશનોને વ્યાપક નુકસાન થતા ગામોમાં મોટર કે અન્ય વીજ ઉપકરણો થકી પાણી પહોંચાડવાનું હાલ શક્ય નથી માટે ડીજી સેટ તેમજ ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ