વૉટ્સઍપે નવા આઇટી કાયદાને કોર્ટમાં પડકાર્યો

નવી દિલ્હી : વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.
વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે.
સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.