રાજ્યમાં કોરોના કરતાં મૃત્યુદર સાડાત્રણ ગણો વધુ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી મુજબ, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 2,859 કેસ નોંધાયા છે. જોકે ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા હોવાથી અને તેમનું રિપોર્ટિંગ થયું ન હોય તેવા કિસ્સામાં આ આંકડો ઘણો વધુ હોઇ શકે છે, કારણ કે રાજ્યમાં 250થી વધુ લોકો આ ફૂગજન્ય રોગને કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના રોગને કારણે થતો મૃત્યુદર કોરોના કરતાં સાડાત્રણ ગણો વધુ છે. દર હજાર દર્દીએ કોરોનાના 12 દર્દી મૃત્યુ પામ્યા એની સામે ગુજરાતમાં 41 દર્દી મૃત્યુ પામ્યાં હોવાનું ગુજરાત સરકાર સત્તાવાર રીતે જણાવે છે.
રિકવરી રેટની દૃષ્ટિએ પણ મ્યુકોરમાઇકોસિસથી સાજાં થતા દર્દીઓની સામે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાડા છ ગણી વધુ છે. કોરોનાનો રિકવરી રેટ ગુજરાતમાં હાલ 91 ટકા જેટલો છે, તેની સામે મ્યુકોરમાઇકોસિસનો રિકવરી રેટ 14.3 ટકા જેટલો જ છે. ગુજરાત સરકારે આ બીમારીને રોગચાળો જાહેર કરી છે. હાલ સમગ્ર દેશમાં 11 હજાર કરતાં વધુ કેસ નોંધાયાં છે, તેમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.