કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ઊભી થતી માસ પ્રમોશનની મથામણ

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આ વર્ષે ધોરણ ૧ થી ૧૧ નાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ બોર્ડની પરીક્ષાઓને બાદ કરતા તમામ ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. છેલ્લા બે વર્ષથી માસ પ્રમોશન શબ્દ ખુબ વિખ્યાત બન્યો છે. મારી દૃષ્ટિએ માસ પ્રમોશન એટલે વિદ્યાર્થીઓનું વાર્ષિક મૂલ્યાંકન કર્યાં વગર જ આગળના ધોરણમાં ધક્કો મારી દેવો. માસ પ્રમોશન મળવાથી વિદ્યાર્થીઓ ખુશ અને મહદંશે વાલીઓ પણ ખુશ પરંતુ બુદ્ધિજીવીઓ અને શિક્ષણવિદો માટે માસ પ્રમોશન એક ચિંતાનો વિષય છે. ભવિષ્યની ઈમારતનો પાયો કાચો રહી જતો હોય એવુ લાગી રહ્યું છે.
અત્યાર સુધી આપણે નોકરીઓમાં પ્રમોશનની વાત સાંભળી હતી. નોકરીમાં પ્રમોશન મળવું એ સારી બાબત કહેવાય પરંતુ શિક્ષણમાં પ્રમોશન એટલે ડિમોશન બરાબર કહેવાય. તેમાં પણ શિક્ષણના ઇતિહાસમાં પહેલી વખત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપવું પડ્યુ છે. આથી બોર્ડની પરીક્ષાની ગરીમા પણ ઓછી થતી હોય એવુ લાગે છે. પહેલાના જમાનામાં મેટ્રિક પાસ હોય તો ગર્વથી કહેવામાં આવતું કે હું મેટ્રિક પાસ છું. પરંતુ હવે બોર્ડની પરીક્ષા આપ્યા વગર જ માસ પ્રમોશનથી મેટ્રિક પાસ થઈ જવાય છે.
માસ પ્રમોશનને કારણે ભવિષ્યમાં ઘણીબધી સમસ્યાઓ ઉભી થશે. શિક્ષણનું સ્તર કથળવા લાગશે એવુ શિક્ષણવિદો માને છે પરંતુ શિક્ષણ વિભાગ બ્રિજ કોર્સ દ્વારા શિક્ષણનો પાયો મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે. હાલ ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન વાળી માર્કશીટ બનાવવાની મથામણ ચાલુ છે. પરંતુ હજુ સુધી તેનાં નીતિનિયમો નિર્ધારિત થયા નથી. માસ પ્રમોશનને કારણે ધોરણ ૧૧ માં વધારાનાં વર્ગોને મંજૂરી આપવાની મથામણ શરૂ થશે. તેમજ નવા શિક્ષકોની નિમણૂક કરવાની ફરજ પડશે. આવા તો અસંખ્ય પ્રશ્નો ઉપસ્થિત થશે. અંતે એટલું કહી શકાય કે કોરોનાએ નબળા વિદ્યાર્થીઓને ઉગારી લીધા અને હોંશિયાર વિદ્યાર્થીઓને વધાવી લીધા.
લેખક : ડૉ. દિલીપભાઇ મકવાણા
(M.A.,M.Ed.,M.Phil.,Ph.D.)
શિક્ષક, શ્રી માધ્યમિક શાળા – આલીદર