કોરોનાકાળમાં વૃધ્ધમાતાને તેના મકાનનો કબજો અપાવતું જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર

જૂનાગઢ : જૂનાગઢનું સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓને લગતા વિવિધ પશ્નો જેવા કે, ઘરેલૂ હિંસા સામે રક્ષણ, જાતીય સતામણી, વૃધ્ધ માતાને પુત્રો દ્વારા થતી કનડગત સહિતની બાબતે સમાધાન અને સહાય પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં જ કોરોના કાળમાં વૃધ્ધમાતાને તેના મકાનનો કબજો અપાવી જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
૬૯ વર્ષના વૃધ્ધમાતા શારદાબેન જોષીને જૂનાગઢ ૧૮૧ સખી વન સ્ટોપ દ્વારા મદદ કરવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ શારદાબેને તેમની નોકરી અને પેન્શનની રકમથી મકાન લીધું હતુ. તેમનો માટો દિકરો બહારગામ રહેતો હોય, તેઓ ત્યા તેમની સાથે રહેતા હતા. શારદાબેનના લીધેલા મકાનમાં તેમના નાના દિકરા રહેતા હતા. ત્યારે ૧૦ વર્ષ પછી તેમના લીધેલા મકાનમાં તેમના નાના દીકરા સાથે રહેવા આવેલા ત્યારે તેના પુત્રએ માતાને અપશબ્દ બોલી, ઘરમાંથી કાઢી મુક્યા હતા.
ત્યારે ૧૮૧ માં આવેલા સેન્ટરના કર્મચારી દ્વારા તેના પુત્રને સેન્ટરમાં બોલાવી બંને મા-દીકરા તથા પરિવારના સભ્યોનું કાઉન્સેંલીંગ કરવામાં આવ્યું હતું. પુત્રને માતાની જવાબદારી તેમજ કાયદાકીય માહિતી અપાઇ હતી. આમ, પુત્રને પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે માતાને મકાનની ચાવી સોંપી હતી અને મકાન ૨ મહિનામાં ખાલી કરી દેશે, તેમજ જરૂર પડશે ત્યારે ઉપયોગી બનશે એમ જણાવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરની મુખ્ય વિશિષ્ટતા એ છે કે, તેમાં પીડિતા બહેનને ૫ દિવસ સુધી હંગામી ધોરણે આશ્રય, તબીબી, કાયદાકીય સહાય, પોલીસ સહાય, ૧૮૧ અભયમની સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત પીડિતા બહેનો સાથે તેમની સગીર અને પુખ્તવયની પુત્રીઓ પણ આશ્રય મેળવી શકે છે. કુટુંબમાં, ખાનગી કે જાહેર સ્થળો ઉપર સમુદાય સ્થળે કે કામકાજના સ્થળે જે હિંસાનો ભોગ બનતી હોય, અનૈતિક દેહ વેપાર, જાતીય સતામણી, ડાકણ પ્રથાનો ભોગ બનેલી મહિલાઓને મદદરૂપ બનવામાં આવે છે. આ સેન્ટર કલેક્ટરશ્રી, નોડેલ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સંચાલન કરવામાં આવે છે.
સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પુરસ્કૃત મહિલા અને બાળ અધિકારીની કચેરી-જૂનાગઢ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ દ્વારા હિંસા પીડિત મહિલાઓની નિઃશુલ્ક સેવા માટે હાલ જૂની સિવિલ હોસ્પિટલ, બસ વોર્ડ, ચિતાખાના ચોક (ફોન ૦૨૮૫-૨૬૨૨૧૦૦) ખાતે કાર્યરત છે. અહિ મહિલાઓને ૨૪ કલાક નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300