નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર શરૂ કરાશે

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વર્ણિમ સંકૂલ-૨માં બુધવારે DGP આશિષ ભાટીયા સહિત ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકને અંતે તેમણે ડ્રગ્સ પેડલર, માફિયા અને તેમના નેટવર્કને નેસ્તોનાબૂદ કરવા આદેશો આપ્યા છે. ડ્રગ્સ વિરોધી ભારત બનાવવા માટે ગુજરાતમાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે ગાંધીનગરમાં નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર શરૂ કરાશે. આ સેન્ટર દ્વારા ડ્રગ્સના પ્રકાર, ઓરિજીન, માત્રા શોધવા માટે લેટેસ્ટ ટેકનોલોજી વિકસાવાઈ છે. અગાઉ તાત્કાલિક તપાસ તેમજ પુરાવાના અભાવે ડ્રગ પેડલરને કેટલાંક સંજોગોમાં સજામાંથી રાહત મળી જતી હતી. તે ઉપરાંત આગામી ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સેન્ટરની મુલાકાત લઈ શકે છે.
એક વર્ષમાં રાજ્યભરમાંથી 4.53 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી 4.53 કરોડનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં છ વાર ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે. સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી ઝડપાયો છે.