આધ્યાત્મિક ઉત્સવ ચૈત્રી નવરાત્રિ

આધ્યાત્મિક ઉત્સવ ચૈત્રી નવરાત્રિ
Spread the love

આધ્યાત્મિક ઉત્સવ ચૈત્રી નવરાત્રિ

આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે.નવરાત્રીનું પર્વ નવ દિવસ ઉજવવામાં આવે છે.વર્ષમાં અષાઢ,આસો,માઘ અને ચૈત્ર માસમાં ર્માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.આસુરી શક્તિઓનો સંહાર કરવા માટે તમામ દેવોએ પોતપોતાની શક્તિઓ ભેગી કરી હતી તે શક્તિપુંજમાંથી આદ્યશક્તિ દુર્ગા દેવીનું પ્રાગટ્ય થયું હતું જેમને આસુરી શક્તિઓ સંહાર કરી જગતને ભયમુક્ત કર્યુ હતું.
ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે.વર્ષના જેટલા દિવસો છે તેના કરતાં વધુ તો ધાર્મિક ઉત્સવો ઉજવાય છે.આવો જ આધ્યાત્મિક ઉત્સવ એટલે નવરાત્રિ.આપણી માતા દિકરી પત્ની અને પૂત્રવધૂમાં પણ આ શક્તિ હાજરાહજુર છે તે શક્તિની પૂજાનો તથા નવ દેવીઓની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ.નવલા નોરતા એટલે શક્તિ-ભક્તિ અને મસ્તીનો સંગમ.સ્ત્રીના અનેક રૂપોમાંનું એક રૂપ છે ગરબે ગુમતી નારીશક્તિ. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવદુર્ગાની આરાધના કરવાથી દુઃખ, દરીદ્રતા,દુરાચાર અને દુર્ગતિનો નાશ થાય છે.આવો શક્તિના આ નવ સ્વરૂપોનાં દર્શન કરીએ..

(૧) આદ્યશક્તિનું પ્રથમ સ્વરૂપ શૈલપૂત્રી છે.પર્વતરાજ હિમાલયની પૂત્રી હોવાથી તેમને શૈલપૂત્રી કહેવામાં આવે છે.તેમની પૂજા કરવાથી મૂલાધારચક્ર જાગ્રત થતાં તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.જન્મ ગ્રહણ કરતી કન્યાએ શૈલપૂત્રીનું સ્વરૂપ છે.

(ર) આદ્યશક્તિનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી-તપશ્ચારિણીનું છે. ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા ઘોર તપસ્યા કરી હતી એટલે તેમને તપશ્ચારિણી કે બ્રહ્મચારિણી કહેવાય છે,તેમની ઉપાસના કરવાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થતાં મનુષ્ય કર્તવ્ય-પથથી વિચલિત થતો નથી.કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે.

(૩) આદ્યશક્તિની ત્રીજુ શક્તિનું નામ ચંદ્રઘંટા છે,તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે એટલે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની ઉપાસના કરવાથી મણિપુરચક્ર જાગૃત થવાથી સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે.વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી દિકરી ચંદ્રઘંટા સમાન છે.

(૪) આદ્યશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ કૂષ્માણ્ડા છે.જેમના મંદ હલ્કા હાસ્યના દ્વારા બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.આ દિવસે મન અનાહત ચક્રમાં હોવાથી અત્યંત પવિત્ર અને અચંચળ મનથી ઉપાસના કરવાથી રોગ-શોક દૂર થાય છે,આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

(૫) આદ્યશક્તિ દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંન્દમાતા તરીકે ઉપાસના કરવામાં આવે છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે. આ દિવસે મન વિશુદ્ધ-ચક્રમાં અવસ્થિત હોવાથી ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે.સંતાનને જન્મ આપ્યા પછી સ્ત્રી સ્કંદમાતા બની જાય છે.
(૬) આદ્યશક્તિનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે.મહર્ષિ કાત્યાયનના તપથી પ્રસન્ન થઇ આદ્યશક્તિ તેમના ઘેર પૂત્રીના રૂપમાં અવતરીત થયા હતા.તેમની ઉપાસના કરવાથી આજ્ઞાચક્ર ખુલે છે. સંયમ-સાધનાને ધારણ કરનાર સ્ત્રી કાત્યાયની રૂપ છે.
(૭) આદ્યશક્તિનું સાતમું સ્વરૂપ કાળનો નાશ કરનાર હોવાથી કાલરાત્રિ તરીકે ઓળખાય છે.તેમની સાધના કરવાથી સહસ્ત્રારચક્ર ખુલે છે.પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી જેવી હોય છે.

(૮) આદ્યશક્તિનું આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય સંભવ બને છે.સંસારનો ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.કુટુંબ જ તેના માટે સંસાર હોય છે.

(૯) આદ્યશક્તિનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી કે જે તમામ સિદ્ધિઓની દાત્રી છે.દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે.આપણા ઘરમાં શક્તિના નવ સ્વરૂપોને શક્તિનાં સ્વરૂપ સમજી આપણી માતા-દિકરી અને પૂત્રવધૂમાં શક્તિનાં દર્શન કરીએ તેમનો આદર સત્કાર કરીએ એ જ સાચી શક્તિ ઉપાસના છે.

જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.આપણે અમારી આસપાસ રહેતી તમામ દિકરીઓ અને સ્ત્રીઓના પ્રત્યે આદરભાવ રહેશે તો ઘણી ખરાબ ઘટનાઓ બનતાં અટકી જશે.જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી,જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી અને જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી.

પરબ્રહ્મની સક્રિય અવસ્થાનું નામ શક્તિ છે.સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત નિર્વિકાર પરમસત્તાનું નામ શિવ છે.બ્રહ્માંડનું સર્જન એક પ્રભુ પરમાત્મામાંથી થયું છે.પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ બન્યા જેને આપણે શક્તિ કહીએ છીએ.નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે ર્માં..એટલે કે દરેક નર-નારીનું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને તેને ચેતનતા આપનાર છઠ્ઠુ તત્વ આત્મા એ જ પરાત્પર બ્રહ્મ શિવ છે.પરમેશ્વરને પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે.ભગવાન શિવ પાર્વતીને કહે છે કે શક્તિ વિના હું શવ(મડદું) સમાન છું.પ્રાણી માત્રના શરીરમાં રહેલી ચેતનાશક્તિ(પ્રાણશક્તિ) નીકળી જાય એટલે તેનું શરીર શવ (મડદું) બની જાય છે.
જગદંબામાં સહનશક્તિ,પરખશક્તિ,નિર્ણય શક્તિ,સામનો કરવાની શક્તિ,સહયોગ શક્તિ,સમાવવાની શક્તિ,સમેટવાની શક્તિ તેમજ વિસ્તાર અને સંકિર્ણ શક્તિ..આ આઠ આધ્યાત્મિક શક્તિઓ ધારણ કરેલ છે આ શક્તિઓના પ્રતિકરૂપે આઠ હાથ બતાવ્યા છે.વાસ્તવમાં કોઇને આઠ હાથ હોય ખરા?

જગદંબાની આઠ ભૂજા દ્વારા પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર..આ આઠ પ્રકૃતિ નો બોધ થાય છે.તેમના હાથમાં સુદર્શનચક્ર, શંખ, ગદા, તલવાર, ધનુષ્ય, બાણ, ત્રિશૂળ અને આર્શિવાદ આપતો આઠમો હાથ.સુદર્શનચક્ર અભયનું સૂચક છે તેનાથી ભક્તોની રક્ષા કરે છે.માનવ મન હંમેશાં ચક્રની જેમ ફરતું રહે છે. સમગ્ર સંસાર પણ ચક્રની જેમ ફરે છે તેનો બોધ આપે છે.શંખનો અર્થ છે ઉપાધિને શાંત કરનાર.શંખધ્વનિ સાંભળીને દુષ્ટ પ્રેતાત્માઓ ભાગી જાય છે.આપણા વિચાર અને વર્તનમાં વિરૂદ્ધ ભાવના દૂર કરવાનો સંકેત શંખ આપે છે.ધનુષ્ય સંકલ્પ-વિકલ્પ રહિત મન અને પ્રાણનું પ્રતિક છે.મનને અંતર્મુખ કરીને બ્રહ્મરૂપી લક્ષ્યનું વેધન કરવાનું સૂચન કરે છે.

ભવાન્યષ્ટકમ્ શ્રીશંકરાચાર્યજી દ્વારા રચિત ર્માં ભવાની (શિવા-દુર્ગા)ની શરણાગતિનું સ્ત્રોત છે.ર્માં ભવાની શરણાગત વત્સલા થઇને પોતાના ભક્તને ભોગ-સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.દૈવીના શરણમાં આવનાર મનુષ્યો ઉપર વિપત્તિ આવતી નથી.ભવાન્યષ્ટકમ્ દેવી ભવાનીની સ્તુતિનો મુખ્ય પાઠ છે.જેનો નવરાત્રિ કે દુર્ગાપૂજાના અવસરે પાઠ કરવામાં આવે છે.દેવી ભવાની હિન્દુધર્મમાં શક્તિના રૂપમાં પૂજાય છે.જેનો પાઠ કરવાથી ભક્તોને દેવીની કૃપા-સુખ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.
ભવાન્યષ્ટકમમાં શ્રી શંકરાચાર્યજી ભવાનીની સ્તુતિ કરતાં કહે છે કે હું પુણ્ય કરવાનું,તીર્થોનું સેવન કરવાનું કે મુક્તિ કેમ પ્રાપ્ત કરવી તેનું મને ભાન નથી.હે માતા ! ભક્તિ કે વ્રત પણ મને ખબર નથી,તમે જ કેવળ મારૂં શરણ છો.તમે વિવાદમાં,વિષાદ(સુખ-દુઃખ)માં,પ્રમાદમાં,પ્રવાસમાં,જળમાં,અગ્નિમાં,પર્વતો ઉપર,શત્રુઓ વચ્ચે અને વન-જંગલમાં સદા મારૂં રક્ષણ કરજો.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!