નવરાત્રીના પહેલા નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

નવરાત્રીના પહેલા નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
વંદે વાચ્છિવાચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્
વૃષારૂઢાં શૂલધરાં શૈલપૂત્રી યશસ્વિનીમ્..
વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.ચાલુ વર્ષે ચૈત્ર સુદ એકમ તા.૩૦-૦૩-૨૦૨૫થી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપૂત્રીની ઉપાસના કરવામાં આવે છે.શૈલપૂત્રીએ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપૂત્રી તરીકે ઓળખાય છે.આ દિવસનો ખાસ રંગ પીળો છે જે ખુશી અને સકારાત્મકતાનું પ્રતિક છે.આવો..માતા શૈલપૂત્રીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં જન્મ ગ્રહણ કરતી કન્યા શૈલપૂત્રી સ્વરૂપ છે.
ર્માં દુર્ગા પોતાના પહેલા સ્વરૂપમાં શૈલપૂત્રીના નામથી જાણવામાં આવે છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પૂત્રીના રૂપમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપૂત્રી પડ્યું છે.વૃષભ-સ્થિતા આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ સુશોભિત છે.આ નવ દુર્ગામાં પ્રથમ દુર્ગા છે.
પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શંકરની સાથે થયો હતો.એકવાર પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો હતો, જેમાં તેમને તમામ દેવતાઓને પોત-પોતાનો યજ્ઞ-ભાગ પ્રાપ્ત કરવા માટે આમંત્રિત કર્યા હતા પરંતુ ભગવાન શિવને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું.
જ્યારે સતીએ જાણ્યું કે મારા પિતાજી એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યાં જવા માટે તેમનું મન વિહ્વળ બને છે.પોતાની આ ઇચ્છા તેમને ભગવાન શિવને બતાવી.તમામ વાતો ઉપર વિચાર કર્યા પછી ભગવાન શિવે કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઇક કારણસર આપણાથી નારાજ છે.તેમને આ યજ્ઞમાં તમામ દેવતાઓને પોતાનો યજ્ઞભાગ લેવા નિમંત્રિત કર્યા છે પરંતુ આપણને સમજી વિચારીને આમંત્રણ આપ્યું નથી.આવી સ્થિતિમાં આપણું ત્યાં જવું કોઇપણ રીતે શ્રેયકર નથી.ભગવાન શિવના આ ઉપદેશની સતી ઉપર કોઇ અસર ના થઇ અને પિતાનો યજ્ઞ જોવા,ત્યાં જઇને માતા અને બહેનોને મળવાની વ્યગ્રતા કોઇપણ રીતે ઓછી ના થઇ.
સતીનો પ્રબળ આગ્રહ જોઇને ભગવાન શિવે તેમને પિયર જવાની પરવાનગી આપી.સતીએ પોતાના પિતાના ઘેર પહોંચીને જોયું કે કોઇપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત કરતું નથી.તમામ લોકોએ તેમનાથી મોં ફેરવી લીધું.ફક્ત તેમની માતાએ સતીને સ્નેહથી આલિંગનમાં લીધાં.બહેનોની વાતોમાં વ્યંગ્ય અને ઉપહાસના ભાવ લાગ્યા.પરીજનોના આવા વ્યવહારથી તેમના મનમાં ઘણું જ દુઃખ થયું, તેમને એ પણ જોયું કે અહીયાં ચર્તુદિક્ ભગવાન શિવના પ્રત્યે તમામના મનમાં તિરસ્કારનો ભાવ હતો. દક્ષે તેમના પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દો પણ કહ્યા.આ બધું જોઇને સતીનું હ્રદય ક્ષોભ-ગ્લાનિ અને ક્રોધથી સંતપ્ત થયું.તેમને વિચાર્યું કે ભગવાન શિવની વાત ન માનીને મેં અહીયાં આવવાની મોટી ભૂલ કરી છે.
સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ના કરી શક્યાં અને તેમને પોતાના ભૌતિક રૂપને તત્ક્ષણ જ યોગાગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું.વજ્રપાત સમાન આ દારૂણ દુઃખદ ઘટના જાણીને ભગવાન શિવ ક્રુદ્ધ થઇને પોતાના ગણોને મોકલીને દક્ષના યજ્ઞને પૂર્ણતઃ વિધ્વંશ કરી નાખ્યો.
સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરીને બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની પૂત્રીના રૂપમાં જન્મ લીધો.આ વખતે તે શૈલપૂત્રીના નામથી વિખ્યાત થયાં.પાર્વતી,હૈમવતી વગેરે તેમનાં જ નામ છે. ઉપનિષદમાં આવતી કથા અનુસાર તેમને જ હૈમવતી સ્વરૂપથી દેવતાઓનું ગર્વ-ભંજન કર્યું હતું.
શૈલપૂત્રી દેવીનો વિવાહ ભગવાન શિવ સાથે થયો હતો.પૂર્વજન્મની જેમ આ જન્મે પણ તે ભગવાન શિવના અર્ધાગિની બન્યા.નવદુર્ગામાં પ્રથમ શૈલપૂર્તિ દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે.નવરાત્ર પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે.શૈલપૂર્તિને સફેદ રંગ ગમે છે.આ દિવસે ગાયના દૂધમાંથી બનાવેલ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે.અહીથી તેમની યોગસાધનાની શરૂઆત થાય છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300