ચિલોડા પોલીસે કારમાંથી 75 હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો

હિંમતનગર હાઇવે દારૂની હેરાફેરી માટે ખ્યાતનામ બનતો જાય છે. રાજ્યમાં રાજસ્થાનથી મોટાભાગનો દારૂ વાયા ચિલોડા થઇ ઘુસાડવામા આવે છે. ત્યારે ગત મોડી રાત્રે ચિલોડા પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં મોટી માત્રામા દારૂ ભરેલો છે અને ચિલોડા તરફથી અમદાવાદ તરફ લઇ જવામા આવી રહ્યો છે. પોલીસે કારનો પીછો કરતા બુટલેગર મહુન્દ્રા પાટિયા પાસે કાર મુકીને ફરાર થઇ ગયો હતો, જેમા પોણા લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ચિલાડા પોલીસના પીઆઇ. આઇ.એમ.હુદડની આગેવાનીમાં ટીમ રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક આઇ20 કારમા મોટા પ્રમાણમા વિદેશી દારૂ લઇ જવામા આવી રહ્યો છે. ત્યારે પોલીસની ટીમ ધણપ પાસે વોચમા હતી તે સમયે બાતમી મળી હતી. બાતમીવાળી કાર રાત્રિના સમયે આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દારૂ ભરેલી આઇ20 કારના ચાલકે કારને પુરપાટ ઝડપે હંકારી દીધી હતી.