રાજકોટ શહેર સહિત ૧૮ શહેરોને રાત્રી કર્ફ્યુ માંથી મુક્તિની સંભાવના

રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા ૩૬ શહેરોમાં મીની લોકડાઉન સાથે કેટલાક આકરા પ્રતિબંધો લાદ્યા હતાં. દરમિયાન જૂન માસથી સંક્રમણમાં સતત ઘટાડો નોંધાતા ૩૬ પૈકી ૧૮ શહેરોને ગત-૨૫મી જૂનથી રાત્રી કર્ફ્યુમાં મુક્તિ આપવામાં આવી હતી. રાજકોટ સહિત રાજ્યની ૮ મહાનગરપાલિકા ઉપરાંત વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ, ગાંધીધામમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ૧ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને રાત્રીના ૧૦ થી સવાર ૬ વાગ્યા સુધી હાલ કર્ફ્યુ અમલમાં છે. આ ઉપરાંત આ ૧૮ શહેરોમાં હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રીના ૯ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે અને નિર્ધારિત ક્ષમતા કરતા ૬૦% ની ક્ષમતા સાથે ચલાવી શકાય છે. જો કે ફૂડ ડિલિવરીની છૂટ રાત્રીના ૧૨ વાગ્યા સુધીની છે. દુકાનો પણ રાત્રીના ૯ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ૧૦૦ વ્યક્તિઓ અને અંતિમ વિધી કે દફન વિધીમાં ૪૦ વ્યક્તિઓને ભેગા થવાની છૂટછાટ આપવામાં આવી છે. સામાજીક-રાજકીય પ્રસંગો અને ધાર્મિકસ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦% અથવા મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકાય તેવી છૂટછાટ આપવામાં આવી છે. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખવાની, પાર્ક-ગાર્ડન રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખવાની સિનેમાઘરો કે ઓડિટોરિયમ ૫૦% ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ છે. જ્યારે એસ.ટી.બસ ૭૫% ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતની પાબંધીની મુદ્ત આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે આવતીકાલથી આ ૧૮ શહેરોને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. હાલ કોરોનાનું સંક્રમણ સાવ તળીયે છે. આવામાં સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ ૧૮ શહેરોને રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં ન આવે તો અન્ય તમામ પાબંધીઓ ઉઠાવી લઇને રાત્રી કર્ફ્યુના સમયમાં ૨ કલાકનો ઘટાડો કરવામાં આવે અને કર્ફ્યુનો સમય રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.