સાચા આંકડા દેશની સામે રજૂ કરનારા ભાસ્કર ગ્રુપ પર સરકારના દરોડા

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશની સામે સરકારી ખામીઓની સાચી તસવીર રજૂ કરનારા ભાસ્કર ગ્રુપ પર સરકારે દરોડા પાડ્યા છે. ભાસ્કર ગ્રુપની ઘણી ઓફિસો પર ગુરુવારે સવારે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આઇટી વિભાગની ટીમે દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત ઘણી ઓફિસોમાં જઈને કાર્યવાહી કરી છે. એ સાથે જ આઈટીની ટીમે ભાસ્કરમાં કામ કરતા ઘણા લોકોનાં ઘરે જઈને પણ દરોડા પાડ્યા છે. ઓફિસોમાં હાજર લોકોના મોબાઈલ જપ્ત કરી લીધા છે અને તેમને બહાર પણ જવા દેવાતા નથી. નાઈટ શિફ્ટના લોકોને પણ ઓફિસમાંથી બહાર જતા રોકવામાં આવ્યા છે.
દરોડામાં સામેલ અધિકારીઓનું કહેવું છે કે આ તેમનો પ્રોસેસનો ભાગ છે અને પંચનામું કર્યા પછી તેમને જવા દેવામાં આવ્યા. ડિજિટલની નાઈટ ટીમ બપોરે સાડાબાર વાગે ઘરે જઈ શકી છે. ભોપાલ અને અમદાવાદ સહિત જ્યાં જ્યાં દરોડા પડ્યા છે ત્યાં ભાસ્કરની ડિજિટલ વિંગમાં મહિલા કર્મચારીઓ પણ હાજર છે. ચોંકાવનારી વાત એ છે કે આઈટીની ટીમમાં કોઈ મહિલા કર્મચારી નથી. સિનિયર અધિકારીઓએ અત્યારસુધીમાં આ કાર્યવાહીનું કોઈ ચોક્કસ કારણ પણ રજૂ કર્યું નથી.