અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા
વાણિજ્યક એકમોના તમામ કર્મીઓએ ૩૧ જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો અનિવાર્ય
નોન એસી બસ ૧૦૦% ક્ષમતા અને એસી બસ સેવાઓ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે
લગ્ન માટે મહત્તમ ૧૫૦ અને અંતિમક્રિયા માટે મહત્તમ ૪૦ વ્યક્તિઓને મંજુરી
બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ : ડ્રાઇવર, કંડક્ટરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો અનિવાર્ય
અમરેલી તા. ૨૩ જુલાઇ
હાલની કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ ,માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટતેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. જીમ ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો અનિવાર્ય છે. અન્યથા આવા વાણિજ્યક એકમો ચાલુ રાખી શકાશે નહીં.
લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ નોંધણી કરાવ્યા બાદ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે.
પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (ઉભા રહેવાની પરવાનગી વગર) જ્યારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. તમામ ડ્રાઇવર અને કંડક્ટર તેમજ અન્ય સ્ટાફએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર રમતગમત સંકુલો ચાલુ રાખી શકાશે. ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો બંધ રહેશે.
જે વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશ. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારને તા.૨૦.૦૭.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૦૧.૦૮.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કારયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી