આગામી ૧૫મી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજારોહણ સંપન્ન થશે
આગામી ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ સવારે ૯.૦૦ વાગે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી સાથે ધ્વજારોહણ સંપન્ન થશે. તે વેળા પ્રજાજનોને મંત્રીશ્રી દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.
ભરૂચ શહેરમાં યોજાનારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવશે. જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ તા.૧૩મીના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : ભાવેશભાઈ મુલાણી
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
દક્ષિણ ગુજરાત બ્યૂરો