ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી

ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મીરજાપોર ગામની પ્રાથમિક શાળામાં હિન્દુઓનાં પવિત્ર ધર્મગ્રંથ ગીતાની સવિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં બાળકોએ ગીતાનાં શ્લોકોનું વ્યક્તિગત તેમજ સામૂહિક પઠન કર્યું હતું.
શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી સોનલ બ્રહ્મભટ્ટે આ પવિત્ર દિવસે તમામ બાળકોને વિનામૂલ્યે ગીતા ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. તેમણે ગીતાનો પરિચય આપતાં બાળકોને જણાવ્યું હતું કે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ ગીતાનો જન્મ શ્રીકૃષ્ણનાં મુખેથી કુરુક્ષેત્રનાં મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતનાં 30 વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રનાં મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીનાં 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગનાં ઉપદેશ છે.
શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી અંજના પટેલે બાળકોને ગીતાનું વાંચન કરી તેનો સાર જીવનમાં ઉતારવા જણાવ્યું હતું. કાર્યક્રમની ઉજવણીમાં શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી જ્યોતિ પટેલ તથા શ્રીમતી ખુશ્બુ પટેલ ઉપરાંત એસ.એમ.સી. સભ્યો સહભાગી થયા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.