ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.
આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય નહિ ભૂલી શકે – મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા
તાલુકાનાં રૂ.૨૯૩.૯૫ લાખના ૧૩૭ વિકાસ કામોના ખાતમુહૂર્ત- લોકાર્પણ
૧૮૩૩૯ લાભાર્થીઓને રૂ. ૮૨૮.૧૦ લાખની સહાયનું વિતરણ કરાયું.
ખેરગામ ,
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ભીલાડ ખાતે રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી વિનોદભાઈ મોરાડીયાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી, દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાને દીપપ્રાગટય અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્યો હતો.
આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં એમ કહેતા મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્કૃતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વર્ષ ૨૦૦૭માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી. તેમજ રાજ્યના મુખ્ય બજેટની જેમ આદિવાસી વિસ્તારના વિકાસ માટે બજેટમાં બહુધા રકમની ફાળવણી કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાં પાણી પહોચાડવાનું કામ પણ અવિરત ચાલું જ છે. રાજ્ય સરકારની આદિવાસીઓ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ થકી છેવાડાનો માનવી આર્થિક રીતે સધ્ધર બન્યો છે. આદિવાસીઓએ સંગઠિત થઈ દેશના વિકાસમાં સહભાગી થવું તેમજ પોતાના વારસા અને સંસ્કૃતિને ભૂલવાની નથી.
આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને બોર્ડર વિલેજ યોજના હેઠળ આવાસ, પશુપાલન, પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ, ગણવેશ, અનાજ ઉપણવાના પંખા, કુંવરબાઈનું મામેરુ, સિકલસેલ દર્દીઓ, વૃદ્ધ પેન્શન, સ્વ સહાય જૂથ, નિરાધાર વૃધ્ધો સહાય, પાલક માતા પિતા, ડીસેબલ પેન્શન, દિવ્યાંગ બસ પાસ સહિત વિવિધ યોજનાના ૧૮૩૩૯ લાભાર્થીઓને કુલ રૂ. ૮૨૮.૧૦ લાખની સહાય અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકાના કુલ રૂ. ૨૯૩.૯૫ લાખના ૧૩૭ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્ઠ પશુપાલકો અને ખેડૂતોનું સન્માન પણ કરાયું હતું.
આદિવાસીઓની અપ્રતિમ ક્ષમતાને બિરદાવતાં ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસ માત્ર બોલવા પૂરતો નથી પરંતુ આ દિવસની ઉજવણી દ્વારા આદિવાસીઓને અનેકવિધ ફાયદાઓ થયા છે. આદિવાસી લડવૈયાઓ છે તેથી જ તેઓ સૈનિક સ્કૂલમાં ભરતી થઈ દેશની સેવા કરવા માટે કટિબદ્ધ છે. તેમજ વિકાસની વાત કરીયે તો હવે શહેરી વિસ્તાર જેવી સુવિધાઓ આદિવાસી વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે. હાલમાં સરકાર દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પહેલા કરતા અનેકગણી વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સરકારની દરેક યોજનામાં સરખો ન્યાય થાય છે. આ અનેકવિધ યોજનાઓ અંતર્ગત ઉમરગામમાં આવાસ, વિધવા પેન્શન, રોજગારી સહિત અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે.
કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દાહોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.
વલસાડ આદિજાતિ વિકાસના મદદનીશ કમિશ્નર શ્રી બી.આર. વળવી સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. ઉમરગામ મામલતદારશ્રી અમિત ઝડખીયાએ આભારવિધિ કરી હતી.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ધાંગડા, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત, મામલતદાર અમિત ઝડખીયા, નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ જીલ્લા પંચાયત દંડકશ્રી દીપકભાઈ મિસ્ત્રી, અગ્રણી શંકરભાઇ વારલી, બાંધકામ સમિતિ પ્રમુખ મુકેશભાઇ પટેલ, તાલુકા સંગઠન અગ્રણી દિલીપભાઈ ભંડારી અને સુરેશભાઈ પટેલ, ગુરુકુલના સ્વામીજી સહિત આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.
રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756