મંદાકિની બહેન પુરોહિત એટલે મહિલા શક્તિનું પ્રેરક ઉદાહરણ

વિશ્વ મહિલા દિન
અમરેલીના બાબાપુર સ્થિત સર્વોદય સરસ્વતી મંદિરના ટ્રસ્ટી મંદાકિની બહેન પુરોહિત એટલે મહિલા શક્તિનું પ્રેરક ઉદાહરણ
વિદેશના બદલે સ્વદેશ પસંદ કરીને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, સેવા અને સામજિક પ્રગતિની જ્યોતને જ્વલંત રાખી
૧૦૦ જેટલા નિરાધાર દીકરા-દીકરીઓ માટે માતા-ગુરુ-વાલીની ભૂમિકા ભજવી, ૧૦ દીકરીઓનાં લગ્ન કરાવ્યા
બાલઘરનું પ્રેરણા બીજ સમાજ માટે આદર્શ બન્યું, નારી શક્તિનો અનોખો દાખલો
મુલાકાત અને આલેખન : જય મિશ્રા
તસવીરો : એમ.એમ.ધડુક,
ફિલ્માંકન : ભૂપત ડી. પાથર
અમરેલી : આઠમી માર્ચ સમગ્ર વિશ્વમાં ‘મહિલા દિન’ તરીકે ઊજવવામાં આવે છે. મહિલાઓનાં માન-સન્માન અને ગૌરવની ગાથા ગાવાના આ દિને અમરેલી જિલ્લામાં બાબાપુર સ્થિત સર્વોદય સરસ્વતી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી આરઝી હુકુમતના સેનાપતિ અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગુણવંતભાઈ પુરોહિતના પુત્રી તેમજ સ્વાતંત્ર્ય સેનાની શ્રી બાલુકાકાના ભાણેજ અને બાબાપુર ગામના પૂર્વ સરપંચ મંદાકિની બહેન પુરોહિતે પોતાની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ‘નારી શક્તિ’ નો અનોખો દાખલો બેસાડ્યો છે. બાબાપુર સંસ્થામાં શિક્ષણની અલખ તો પહેલાંથી જ જાગેલી હતી પરંતુ તેમાં નિરાધાર બાળકો માટે અનાથ આશ્રમને બદલે ‘બાલઘર’નું નિર્માણ કરી મંદાકિની બહેને નોખો ચીલો ચાતર્યો છે. ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં રહેવાની તક હોવા છતાં તેમણે વારસામાં મળેલા પરિવારના સર્વોદય સંસ્કારોનાં પગલે ગ્રામોત્થાન, કેળવણી અને નિરાધાર બાળકોનો ‘આસરો’ બનાવાનું પસંદ કર્યુ. બાબાપુર સંસ્થાના પ્રાંગણમાં આવેલા આ બાલઘરમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા નિરાધાર દીકરા-દીકરીઓને આશરો મળ્યો છે. આ બાલઘર એટલું વિશિષ્ટ છે કે, તેમાં રહેતા નિવાસીઓ માટે કોઈ ચોપડે ચિતરેલા નિયમો નથી. બાળકોને પોતાના ઘરમાં રહેતા હોય તેવો જ અનુભવ આ સંસ્થામાં થાય છે. બાલઘર વિશે માહિતી આપતા મંદાકિની બહેને જણાવે છે કે, મને નાનપણથી નિરાધાર બાળકો માટે એક આસરો કરવો હતો. જો કે, તેને અનાથ આશ્રમ નામ આપવાની કોઈ ઈચ્છા નહોતી. એક એવું ઘર જ્યાં નીતિનિયમ ન હોય અને બાળકો છૂટછાટથી રહી શકે તેવો આસરો એટલે અમારું બાલઘર.
તેઓ ઉમેરે છે કે, ‘વર્ષ ૧૯૮૫-૮૬માં તરવડા ખાતે શ્રી રતુભાઈ અદાણીએ બાલઘર શરુ કર્યુ હતુ અને તે મને સામેથી મળ્યું જેને અમે બાબાપુર સ્થિત સંસ્થામાં લઈ આવ્યા. મારે પોતાની જાતે જ આ બધુ કરવું હતું એટલે મેં સંસ્થામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી, ધીરે ધીરે છાત્રાલયના, ગામના તેમજ સંસ્થાના વિવિધ કામોની જવાબદારી ઉપાડી. સૌના સાથ અને સહકારથી આ કાર્યને મારા જીવનનું મિશન બનાવી લીધું. ૦૩ બાળકોથી શરુ થયેલા બાલઘરમાંથી અત્યાર સુધીમાં ૧૦ દીકરીઓનાં લગ્ન પણ થયા છે, એટલું જ નહીં આ દીકરીઓ પોતાની પ્રથમ પ્રસુતિ માટે માતાપિતાના ઘરે જાય એવી રીતે જ આ સંસ્થામાં પોતાની પ્રસુતિ માટે આવે છે.’ બાલઘર ઉપરાંત આ સંસ્થાના કેમ્પમાં આસપાસના ગામોમાંથી અને વિવિધ વિસ્તારોમાંથી ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓ અભ્યાસ માટે આવે છે. મંદાકિની બહેન તેમના માટે પણ માતા સમાન જ છે.
વિશ્વ મહિલા દિન નિમિત્તે સંદેશો આપતા મંદાકિની બહેન જણાવે છે કે, અત્યારે દીકરીઓ માટે સુંદર સમય છે, મહિલાઓ જે ધારે તે કરી શકે છે. એક ભણેલી માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે. મને સ્ત્રી હોવાનું ગૌરવ છે, દરેક બહેનોને સ્ત્રી હોવાનું ગૌરવ હોવું જોઈએ. બહેનો પોતાની વિવેકબુદ્ધિનો સદ્ઉપયોગ કરી સમાજની પ્રગતિ માટે ઉપયોગી થઈ શકે તેવી શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી.
સર્વોદય સરસ્વતી મંદિર વિશે
બાબાપુર સંસ્થા અમરેલી જિલ્લા મથકથી ૧૭ કિ.મી દૂર બાબાપુર ગામમાં સ્થિત છે. જે લગભગ સાડા સાત દાયકાથી શ્રી સર્વોદય સરસ્વતી કેળવણી મંડળ વડે રાષ્ટ્રનિર્માણ કરવાના ઉદ્દેશથી શિક્ષણ, કૃષિ, ગૌ-સંવર્ધન, ઈત્યાદિ વિકાસનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાને પ્રથમ સંચાલક શ્રી લાલજીબાપા, શ્રી બાલુભાઈ ભટ્ટ, શ્રી ગુણવંતભાઈ પુરોહિત, શ્રીમતિ હસુમતિ બહેન પુરોહિતથી લઈને હાલના પ્રમુખ શ્રી વસંતભાઈ પરિખ સુધીના સેવાના ભેખધારીઓનો વારસો મળ્યો છે. આ સંસ્થા હેઠળ કુલ ૧૫ હાઈસ્કુલ, ૦૧ પીટીસી કોલેજ અને બાલઘર અને એમ્બ્યુલન્સની સેવા પણ કાર્યરત છે. છેલ્લા ૭૫ વર્ષમાં આ સંસ્થા અનેક ગૌરવશાળી કાર્યોની સાક્ષી રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300