તા.૧૯મી માર્ચે જૂનાગઢમાં જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન

કેન્દ્રિય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા.૧૯મી માર્ચે જૂનાગઢમાં જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન
ખેડૂતોની સવલતોમાં વધારો કરતા કિસાન ભવનનું લોકાર્પણ
પ્રાકૃતિક કૃષિ બજાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનુ ભૂમિ પૂજન કરાશે
જનહિતના કાર્યોના લોકાર્પણ –ભૂમિપૂજનની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન : ૨૦ હજાર ખેડૂતો હાજરી આપશે
જિલ્લા સહકારી બેંક અને એપીએમસી-જૂનાગઢના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં
જૂનાગઢ : કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા.૧૯-૦૩-૨૦૨૩ના રોજ જૂનાગઢ-એપીએમસી ખાતે ખેડૂતોની સવલતોમાં વધારો કરતું કિસાન ભવનનું લોકાર્પણ તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના મુખ્ય કચેરીના ભવન અને પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ હજાર જેટલા ખેડૂતો સહભાગી થશે.
ખેડૂતોની સવલતોમાં વધારો કરતું કિસાન ભવન
એપીએમસી-જૂનાગઢ ખાતે ખેડૂતોની સુવિધામાં વધારો કરતાં કિસાન ભવનનું દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવશે. આ ભવનમાં ખેડૂતો માટે કેન્ટીન, આરામ ગૃહ અને કિસાન માહિતી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત એપીએમસીના હોદ્દેદારો માટે બોર્ડ મીટીંગ રૂમ અને કર્મચારીઓ માટેની ઓફિસ પણ તૈયાર કરવામાં આવી છે. આમ, જૂનાગઢ એપીએમસીની માળખાગત સુવિધામાં ખૂબ મોટો વધારો થવા જઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કિસાન ભવન, એપીએમસીના જુદા-જુદા શેડના નવા છાપરા, એક નવા શેડનું નિર્માણ અને એપીએમસીમાં આંતરિક સીસી રોડ અંદાજે રૂ.૮ કરોડના ખર્ચે આ કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને ભેટ: પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિ પૂજન થશે
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા સહિતના ખેડૂતોને ભેટ મળશે. સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં ૩૭૬૪ ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ કરવામાં આવશે. અહીંયા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનું રૂ.૯.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે
શહેરના ઝાંઝરડા રોડ પરના ભીંડી જ્વેલર્સ પાછળની જગ્યામાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. ૯.૮૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ પામનાર ચાર મંજીલા ઈમારતનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ ભવનમાં એકાઉન્ટ, લોન બ્રાન્ચ, એટીએમ, ૫૦૦ લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ સહિતની માળખાગત સુવિધા સાથેનું ભવન નિર્માણ કરવામાં આવશે.
પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ૨૦ હજાર ખેડૂતો હાજરી આપશે
કેન્દ્રીય મંત્રીશ્રીના જનહિતના કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજનના સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૨૦,૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેશે અને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આ પ્રસંગે જૂનાગઢ એપીએમસીમાં પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના પ્રદર્શનો માટે ૨૦ જેટલા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.
જિલ્લા સહકારી બેંક અને એપીએમસી જૂનાગઢના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીશ્રીના સમગ્ર કાર્યકમની પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. આ સમારોહમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતો માટે ભોજન ઉપરાંત અન્ય મૂળભૂત સુવિધાઓ માટે તકેદારી લેવામાં આવી રહી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300