ઝેર મુક્ત ખેતી બનાવવા નવતર પહેલ

ઝેર મુક્ત ખેતી બનાવવા નવતર પહેલ
અમરેલીના શેડુભારના સરપંચશ્રીએ રાસાયણિક ખાતરના ઉપયોગ વાળી ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી એક હેક્ટર જમીનમાં ફળ અને શાકભાજીનો બગીચો બનાવ્યો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે પ્રેરણારુપ કિસ્સો
મુલાકાત અને આલેખન : જય મિશ્રા
તસવીરો : એમ. એમ. ધડુક
ફિલ્માંકન : બી.ડી. પાથર
અમરેલી જિલ્લો એ મુખ્યત્વે કૃષિ પર આધારિત જિલ્લો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસ સહિતના તેલીબિયાં પાક સાથે અનાજ, ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના શેડુભારના સરપંચશ્રી અને ખેડૂત એવા શ્રી સુરેશભાઈ કુંભાણી એ ખેડૂતો માટે પ્રેરણારુપ છે. અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા તેવા શ્રી સુરેશભાઈએ જાતે જ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો વિચાર કર્યો અને પાંચેક વર્ષ પહેલાં ટામેટાની પ્રાકૃતિક ખેતી કરી હતી. આ ઉત્પાદન અને તેની ગુણવત્તાને જોતા શ્રી સુરેશભાઈએ કાયમી ધોરણે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. તેમણે એક હેક્ટર એટલે કે આશરે છ વિઘા જમીનમાં ફળ-ફૂલ અને શાકભાજીનો બગીચો તૈયાર કર્યો. છેલ્લા વીસ મહિનાથી તૈયાર કરેલા આ બગીચામાં કોઈ પણ પ્રકારનું પ્રાકૃતિક કે રાસાયણિક ખાતર ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. ફક્ત છોડના પાળે ઉગી આવતા ઘાસનો જ ખાતર તરીકે ઉપયોગ કરી અને શ્રી સુરેશભાઈ અનોખો ચીલો ચાતરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીના આ બગીચામાં શ્રી સુરેશભાઈએ સીતાફળના ૨૫૦ છોડ, જામફળના ૨૫૦ છોડ, લીંબુડીના ૨૦૦ છોડ, ચીકુના ૧૦ છોડ , કેળના ૧૦૦ છોડ, સફરજનના ૧૨૫ છોડ, પપૈયાના ૨૦૦ છોડ, રીંગણીના ૧,૦૦૦ છોડ, ટામેટાના ૧,૦૦૦ છોડ, ગલકા, કારેલા અને દૂધીના ૫૦૦-૫૦૦ છોડ, આંબાના ૨૦ છોડ, રાવણાના ૧૦ છોડ ઉપરાંત સરગવા, હળદર, શક્કરિયા, શેરડી અને ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. વીસ મહિનાથી તૈયાર થયેલા આ બગીચામાં હાલમાં ટામેટા, પપૈયા, જામફળ, ચીકુ, સરગવો, હળદર, શક્કરિયા, શેરડી, મરચા, સહિતના બાગાયતી અને ખેત ઉત્પાદનો મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપતા શ્રી સુરેશભાઈ જણાવે છે કે, હુ યુટ્યૂબ પર શ્રી સુભાષ પાલેકરના વીડિયો જોઈને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયો હતો. સૌથી પહેલાં મેં ટામેટાની ખેતી કરી, ટામેટામાં મને લાખેણું ઉત્પાદન મળ્યું જેથી મેં નક્કી કર્યુ કે હવે મારે મારી ખેતીને ઝેરમુક્ત બનાવવી છે. આ હેતુથી મેં એક હેક્ટરમાં બગીચો તૈયાર કર્યો. આ બગીચામાં શરુઆતમાં જીવામૃત, ઘનામૃત સહિતના પ્રાકૃતિક તત્વોનો પ્રયોગ કર્યો પરંતુ છેલ્લા બે વર્ષથી હું કોઈ પણ પ્રાકૃતિક ખાતરનો છંટકાવ પણ નથી કરતો. છોડના એકબીજાના પોષક તત્વોથી તેનો વિકાસ થાય છે. વધુમાં પાળે ઉગી નીકળતા ઘાસને મલ્ચિંગ કરી અને હું તેનો જ ખાતર તરીકે ઉપયોગ કરું છું.’
શ્રી સુરેશભાઈ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરી રહ્યા છે ત્યારે હું જિલ્લાના અને રાજ્યના અન્ય ખેડૂતોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા માટે અપીલ કરુ છુ.’ શ્રી સુરેશભાઈના બગીચાની મુલાકાત જિલ્લાના ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા અમરાપુરાના ખેડૂતશ્રી ભીખાભાઈ પટોળિયા પાસેથી પણ શ્રી સુરેશભાઈ માર્ગદર્શન મેળવે છે.
પ્રાકૃતિક ખેતીના પરિણામ વિશે માહિતી આપતા શ્રી સુરેશભાઈ જણાવે છે કે, તમે ખાઓ અને ખબર પડે એનું નામ પ્રાકૃતિક. રસાયણોના કારણે જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે સાથે જ જમીન અને માનવ જાતિનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે ત્યારે આગામી પેઢીને સ્વસ્થ બનાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ ઢળવુ જ રહ્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300