ટ્રેન ના અવાજ વચ્ચે અજાણતાં જ સાંભળી લીધી વાત અને…

નવલિકા
સપ્તપદી !
ટ્રેન હાવડા જંકશન પ્લેટફોર્મ પર થી ધીમા આંચકા સાથે ઉપડી અને ધીમે ધીમે ગતિ પકડવા લાગી.એસ થ્રી – ૬૧ નંબર ની સીટ પર ચાલીસ પ્લસ નો શખ્સ અદબ વાળી ને બેઠો હતો.પાતળો બાંધો,ચુંબકીય ચહેરો, ભુરી આંખો,દશેક દિવસ ની વધેલી સફેદ ઝાંય વાળી દાઢી,સફેદ ખમીસ,કોટન નું કથઈ રંગ નું પાટલૂન.બારી બહાર ભાગતાં દ્રશ્યો એ કુતુહુલતા થી જોઈ રહ્યો હતો.ઝપાટા ભેર દોડતાં વ્રુક્ષો,ખેતરો,નદી,નાળાં, માણસો, મકાનો…એ બાળ સહજ ભાવ થી,તીવ્રતા થી જોઈ રહ્યો હતો.
સામે ની સીટ પર ચાલીસ ,બેતાલીસ વર્ષ ની આસપાસ ની લાગતી બે મહિલાઓ આપસ માં બંગાળી ઉચ્ચારણ માં વાતો કરતી બેઠી હતી.એક લાલ સાડી,બીજી સફેદ સાડી માં.ટ્રેન તીવ્ર અવાજ કરતી ઝડપ થી ભાગી રહી હતી.ગતિ પકડી લીધા બાદ અવાજ હળવો થયો.મહિલાઓ એ બેગ માં થી ગોળ પાપડી,ખમણ ને એવું એવું કાઢ્યું.એક મહિલા એ સામે બેઠા માણસ ને થોડુંક ખાવા નું લંબાવવા નું કહ્યું,પણ બીજી એ આંખો થી નકાર કર્યો.આ નોંધ્યું તેણે.મન માં થોડી કડવાશ આવી ગઈ.કહેવા નું મન થયું કે કોઇ ખાવા નું ભુખ્યું ન હોય…પણ એ કંઈ બોલ્યો નહીં.
ટ્રેન ભાગી રહી હતી એમ એ પણ ખુબ ભાગ્યો હતો જીવન માં. કારણ વગર.ખોટે ખોટો.વિચારો પણ ભાગી રહ્યા હતા.અશબ્દ વિચારો.કોઇ એક વિષય નહીં. સળંગ.આકંઠ વિચારો.
તીવ્ર અવાજ આવ્યો અને વિચારો વિખેરાઈ ગયા.વિખેરાઈ ગયેલા શબ્દો ને પાછા જોડવા ની મથામણ કરવા નું માંડી વાળી ને એ એમજ બારી બહાર જોઈ રહ્યો.ભીડ નહોતી.એકલ દોકલ મુસાફરો હતા.બપોર ની સાંજ થઇ.તેણે પુસ્તક કાઢ્યું. કવિતા સંગ્રહ ” દરિયા કિનારે….! ” એ પેજ ફેરવવા લાગ્યો. પેજ વચ્ચે એક મોર પિંછ રાખતો એ સૂકાઈ ગયું હતું.નાનપણ ની આ ગમતીલી ટેવ હતી.કોઈ શબ્દ રચના ભાવ વિભોર કરી જતી.એની એક આદત હતી.કોઈક રચના ગમી જાય તો આંખો બંધ કરી ને શબ્દો ને પંપાળ્યા કરે.એક રચના માં એ અટક્યો.-
થોડીક ક્ષણો આપ, મારે તારી સાથે જીવવું છે.
થોડીક ક્ષણો ઉધાર આપ.. પાછી આપી દઈશ જીવી ને !
એ આહ ભરી ઉઠ્યો.કવિતા નાં શબ્દો ની વચ્ચે પોતાને શોધ્યા કરતો.એક વિસરાઈ ગયેલી, અધૂરી પ્રેમ કહાની ક્યારેક યાદ આવી જતી અને એ કવિતા માં કંઇક શોધ્યા કરતો.લખી ન જાણતો,પણ ભાવ આબાદ ઝીલી જાણે.બારી માં થી સાંજ નો પીળો તડકો રેલાઈ આવ્યો.સાંજ ઉગી નીકળી હતી પીળો રંગ લઈ ને.સાંજ હમેશાં રંગો લઈ ને આવતી અને દિવસ ભર ની નિષ્ફળતાઓ ભુલાવી દેતી.રંગો ની લ્હાણી કરતી.લંબ ચોરસ બારી માં થી ફ્રેમ ની જેમ દેખાતા પહાડો ની પાછળ થી સુર્ય રંગ વિખેરી રહયો હતો.ઝાડવાં, નદીઓ , પ્રકૃતિ , આખી દુનિયા
…બધું જાણે સાથે જ દોડી રહ્યું હતું.ટ્રેન ની બારી પર બેસવું ગમતું.અંદર નું બાળક જાગી જતું અને કવિ પણ આળસ મરડી ને બેઠો થઈ જતો.ટ્રેન પુલ પર થી પસાર થાય ત્યારે ધડાક ઢીંચક ધડાક ઢીંચક નાં શોર વચ્ચે સ્વચ્છ હવા ચહેરા પર પથરાઈ જતી.શોર મચતો એથી મન માં અસ્પષ્ટ વિચારો ની ગૂંથણી છૂટી પડી જતી.ત્રણેક મહિના નાં વધેલા સફેદ થઇ રહેલા વાળ ની લટો ઉડાઉડ કરતી.કલકતા પહેલી વાર ગયો હતો દુર નાં સગા ને ત્યાં સામાજીક વ્યવહાર સાંચવવા. જીવન માં ખુબ રખડ્યો હતો. મુંબઇ, દિલ્હી, દુબઈ પણ આંટો મારી આવ્યો હતો.અંતે ગામ માં નાનકડી દુકાન ખોલી ને બેસી ગયો હતો.માં, બાપ ગુજરી ગયાં.પત્ની પણ ચાલી ગઈ ત્યારે ખુબ એકલવાયું લાગ્યું હતું.કોઈ બાળક નહીં.વિધુર જીવન.આવતી કાલ ની કોઇ આશ નહીં.કોઇ ખાસ ઉમળકો પણ નહીં.જીવન નો રાબેતા ગોઠવાઈ ગયો હતો. ઉઠવું, દુકાને બેસવું, ખાવું, રાત્રે ઊંઘી જવું… કોઈ જ આરોહ અવરોહ વગર ની જીંદગી હાંફી ગઈ હતી.
તેની નજર સહજતા થી સામે ની સીટ પર બેઠેલી બે મહિલાઓ પર ગઇ.એ મશગુલ હતી વાતો માં.કોઈ પુરુષ મુસાફર હોત તો આત્મીયતા થી વાત કરી શકાય.સ્ત્રીઓ સાથે વાત કરવા જાઓ તો એ બીજા અર્થો ખોજી કાઢે. સીટ પર લંબાવવા ની ઈચ્છા હતી.પણ દોડતી ટ્રેન માં બારી વાટે સાંજ નો લુફત ઉઠાવવા નો લોભ એ છોડી નહોતો શકતો.કોઈ સ્ટેશન આવ્યું.તેણે ચાય અને ખારી સીંગ લીધી. ટ્રેન આગળ વધી.હળવી ફૂંકો સાથે ચાય પતાવી.સીંગ નો મુઠ્ઠો ભર્યો.એક એક દાણો ખાવા લાગ્યો.આ બાળ સહજ રીત ગમતી એને.
સુરજ રંગ વિખેરી ને અદ્રશ્ય થઈ ગયો.કાળી રાત ઉતરી આવી.જીવન ની ફિલોસોફી – રંગો બાદ કાળાશ, કાળાશ બાદ રંગો…ઠંડી ની ચમક લાગી એટલે બેગ માં થી ચાદર કાઢી.આંખો બંધ કરી ને એ એમ જ પડયો રહયો.સ્ત્રી ઓ ની વાતો હજી ચાલુ હતી.મનોમન મલક્યો. કુદરતે કમાલ બનાવી છે સ્ત્રી ઓ ને.સતત વ્યક્ત થવું હોય છે એમને.પુરુષ મૌન રહી જાણે અને સ્ત્રી બોલી જાણે..! એક વાત નાં હજાર વર્ઝન પેશ કરે.તોય થાકે નહીં. વ્યક્ત થયા કરે સતત. આ સ્ત્રીત્વ.
બંને ની વાતો ચાલુ હતી.આમ તો એ સંસ્કારી માણસ.કોઈ ની વાતો સાંભળે નહીં.પણ માત્ર ધ્યાન ગયું.વાતો સાંભળવા લાગ્યો.એક સ્ત્રી, સફેદ સાડી વાળી, બંને માં થી એ થોડી વધુ રૂપાળી અને નમણી હતી.નયન-નક્ષ નમણાશ ભર્યાં હતાં.અલબત, ધારી ને જોવા નું કોઈ કારણ નહોતું. અનર્થ પણ કાઢે. એવી કોઇ આદત પણ નહોતી.થોડી શરમાળ પ્રકૃતિ નો.સફેદ સાડી વાળી વિધવા લાગતી હતી.એ પોતાની કથની કહેતી હતી.છુટક છુટક વાક્યો કાને અથડાતાં હતાં એમાં થી વાત ઘડવા ની હતી.સળંગ વાતો સાંભળી શકાય એમ નહોતી ટ્રેન નાં અવાજ માં.એ ગમ્મત ખાતર કાન સરવા કરી ને સાંભળવા લાગ્યો.
સફેદ સાડી વાળીએ વાત માંડી.-
એક વખત એવું બન્યું….
તેની મોટી ,નિરભ્ર આંખો,આ ઉંમર માં પણ લાલીમા હતી ચહેરા પર.ગૌર વર્ણ ચમકતો હતો.લાંબી ગરદન,ખુલ્લા હાથ…બંને ની વાતો થી લાગતું હતું કે બેય પાક્કી બહેનપણીઓ છે.ઠઠ્ઠા મશ્કરી વચ્ચે સફેદ સાડી વાળી સ્ત્રી કહેતી હતી.-
” હું ત્યારે નાની.જોબન ને ઉંબરે પગ મુક્યો જ હતો અને કેવી લાગતી યાદ છે ને તને ? એકવાર લગ્ન માં એક જુવાનિયા થી આંખો મળી ગઈ.હું જાણે જળપરી ! ”
પીળી સાડી વાળી ધીમું હસી.-
” હમમમ…યાદ છે.ખુબ ઠસ્સો હતો તારો.પણ હું ય કમ નહોતી.”
સફેદ સાડી વાળી એ પોતાની વાત માંડી. આખી વાત , શબ્દે શબ્દ તો સાંભળી ન શક્યો, પણ ત્રુટક ત્રુટક કડીઓ જોડી ને વાત સમજી ગયો.
એ મુજબ….
વર્ષો પહેલાં એક ગામ માં લગ્ન હતાં.કન્યા પક્ષ તરફ થી એક જળપરી જેવી છોકરી, વરપક્ષ તરફ થી અલબેલો જુવાનિયો.આંખો મળી.વાતો થઇ.વાતો વાતો માં એક મેક ને દિલ આપી દીધું.કન્યા ને બંને હાથો થી પડકી ને સપ્તપદી નાં ફેરા ફેરવતી છોકરી,વર નો હાથ પકડી ને હવન કુંડ નાં ફેરા ફરવા માં મદદ કરતો જુવાન…લગ્ન મંડપ માં બે લગ્ન થયાં હતાં.એક બધા ની સામે.બીજાં પણ બધા ની સામે,છતાં અદ્રશ્ય રીતે !
યુવાન હૈયાં એક મેક માં મંત્રમુગ્ધ થઇ ને વર કન્યા ની સાથે બંને એ ફેરા ફર્યાં.દેખીતું દ્ર્શ્ય એ હતું કે યુવક – યુવતી વર – કન્યા ને ફેરા ફરવા માં મદદ કરતાં હતાં.ઉપસ્થિત લોકો ને પણ એમ જ લાગ્યું કે બંને મદદ કરે છે.જળપરી જેવી છોકરી, પોતાની સહેલી નો હાથ પકડી ને ફેરા લેતી હતી.જોબનવંતો જુવાનિયો, પોતાનાં મિત્ર ને ફેરા ફરવા માં મદદ કરતો હતો. એક એક ફેરા બાદ , બંને ની નજર મળતી. વાતાવરણ માં શ્લોક ગુંજતા રહ્યા અને એક બીજાં નાં હૈયાં પણ ગૂંજતાં હતાં.પણ મંગળ ફેરા ફરી લીધા એક મેક ને પસંદ કરી ને.વર કન્યા ની સાથે સમાંતરે મજાક મજાક માં એક જળપરી જેવી છોકરી અને બીજો રાજકુમાર જેવો છોકરો… બંને પરણી ગયાં સપ્તપદી નાં ફેરા ફરી ને !
સામ સામું મલપતાં રહી ને ચાળા ચાળા માં વરઘોડિયાં ની સાથે સાથે આ યુગલ પણ દેવ દર્શન,વડીલો ને પાય લાગણ કરતું હતું.વિદાય વખતે પણ મરકતાં મરકતાં કન્યા આંખો પર બંને હાથ ની મુઠ્ઠીઓ રાખી ને રોવા નો અભિનય કરતી હતી.યુવક પણ ઓછો નહોતો.દુર થી,ડાબી છાતી પર હાથ રાખી ને હ્રદય ઘાયલ થયું હોય એમ કરવા લાગ્યો.પહેલી મુલાકાત છેલ્લી મુલાકાત બની ગઈ.પહેલો પ્રેમ.થોડાક કલાકો ની રમત જેવી મુલાકાત. ત્યાર બાદ એક બીજા ને કયારેય ન મળી શક્યાં.
ઓહ !
ચાદર ઓઢી ને પોતાની સીટ પર લંબાવી ને સુતા શખ્સ નાં હોઠો પર પહોળું સ્મિત ફેલાયું.
ટ્રેન ઝડપ થી ભાગી રહી હતી.રાત પડી ગઈ.ઝીણવટ પુર્વક ,વિસ્તાર થી પોતાની કથની કહેતી સ્ત્રી એ ખાવા નું કાઢ્યું. દહીં,પુરી, બટાકા નાં શાક ની ખુશ્બુ ડબ્બા માં ફેલાઈ ગઈ.
બંધ આંખે ચાદર ઓઢી ને સુતા મુસાફર નાં મન માં આગળ ની વાત સાંભળવા ની તાલાવેલી જાગી.ભુખ લાગી હતી.બેગ માં થોડો નાસ્તો હતો.પણ બંને સહેલીઓ નું એકાંત ભાંગવા નહોતો ઈચ્છતો.એમ કરવા થી વાત નો દોર તુટી જાય.વાત માંડનારી સ્ત્રી એક અજાણ્યા પુરુષ ની હાજરી માં પોતાની વાત આગળ ન વધારે. અને વધારે તો પણ ધીમે થી બોલે.
એ એમજ પડયો રહ્યો.ઘણું બદલાઇ ગયું હતું. સમય નું ચક્ર ગોળ ગોળ ફરી રહ્યું હતું.જીવન ની લાંબી ભાગદોડ ને અંતે શું મળ્યું હતું ? વાળ માં સફેદ ઝાંય,ચહેરા પર કરચલીઓ, આંખો માં ચશ્માં જે એ પહેરતો નહીં.
એક વાર તો લાગ્યું કે હવે વાત આગળ નહીં વધારે. પણ સ્ત્રી ને બોલવા વગર કયાં ચાલે છે ? થોડા અંતરાલ બાદ વાત નું અનુસંધાન સાધી લેવાયું.પાતળી સ્ત્રી એ ફરી વાત માંડી.-
” યુવાની માં પગ મુક્યો જ હતો ત્યાં જાણે -અજાણે સપ્તપદી નાં ફેરા ફરી લીધા.એને ફેરા કહેવાય કે કેમ એ પણ ખબર નથી.આ શા માટે જરૂરી હોય ? ખબર નહોતી. પણ એ યુવાન… ઘર કરી ગયો હતો દિલડા માં…”
ધડાક ઢીંચક ધડાક ઢીંચક… પુલ આવ્યો હતો.જોર થી અવાજ આવ્યો. શબ્દો શોર માં કચડાઈ ગયા.
મન થયું કે એક વાર જોઈ લઉં એ સ્ત્રી ને.રશાળ શૈલિ માં,કવિતાત્મક રીતે વાત કરતી હતી. તીણો મખમલી અવાજ,ઉંમર બાદ પણ સ્વર માં જોબન ધબકતું હતું.ઝીણું ઝીણું વર્ણન.. જાણે ગઝલ પેશ કરતી હોય !
ના.જોવા નું મુલતવી રાખી ને એ એમજ પડયો રહ્યો.એક સ્ત્રી વ્યક્ત થઈ રહી હતી.બાજુ ની સીટ વાળો જાગે છે,સાંભળે છે એ વાત થી સ્ત્રી ની સહજતા નંદવાઈ જાય.સંકોચાઈ જાય.
એક સ્ત્રી ખુલી રહી હતી વર્ષો બાદ.નાગણ કાંચળી ઉતારે એમ ધીરે ધીરે…એની યાદો માં ખટકતું મૌન ખીલ્યું હતું. શબ્દો માં અજાણતાં જ એક ઝુરાપો વ્યક્ત થઈ રહ્યો હતો.એ સ્ત્રી – જાણે કે અધૂરી ગઝલ હોય એમ રાગ રેલાવી રહી હતી. રંગ ભરી વાદળી ઠલવાઈ રહી હતી યાદો નો વરસાદ લઈ ને. અને એ પલળી રહ્યો હતો.
ઝપાટા ભેર ભાગતા વિચારો સાથે એ એમજ પડયો રહ્યો.
સ્ત્રી કહી રહી હતી.-
….ત્યાર બાદ વિખુટાં પડી ગયાં બંને….છોકરી એનાં ઘર નાં દબાણ નાં કારણે પરણી ગઈ કોલકતા…. છોકરો પણ પરણી ગયો હતો એવી વાત સાંભળી હતી… એ બાદ એની પત્ની નું મૃત્યુ થયું…. છોકરી નો પતિ પણ થોડા વર્ષો માં ગુજરી ગયો… છોકરા ને ખબર નથી કે છીકરી કયાં છે, છોકરી ને ખબર નથી કે છોકરો કયાં છે ? ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.સંબંધ શોધવા થી મળી તો જાય… પણ બંને માં થી કોઈ એ પ્રયત્ન નહોતો કર્યો… ક્દાચ કર્યો હતો…. થોડોક….પણ સફળતા ન મળી. અથવા.
વાત અટકી ગઈ.થયું કે વાત અહીં પુરી થશે.પણ ના, સ્ત્રી સાંગોપાંગ ખુલી હતી વર્ષો બાદ ધોધમાર વરસાદ ની જેમ.એ જોરદાર વરસી ને થોડીવાર શાંત થઈ ગઈ.સાથે ની થોડીક ભરાવદાર સ્ત્રી બંને હથેળીઓ માં હડપચી ટેકવી ને સાંભળી રહી હતી એકટશ.ધોધમાર વરસી ગયા બાદ સફેદ વાદળી થોડી શાંત થઈ.પછી થોડી થોડી વારે ઝરમર ઝરમર વરસતી રહી.
…- યાદ આવે ક્યારેક ઠેસ લાગે એમ…. તપાસ કરી હતી….એ પણ જીંદગી નાં વરવા ખેલ માં સપડાઈ ગયો હતો…. થોડાંક વર્ષો જ ચાલ્યો સંસાર એનો…. અને મારો પણ…. એની પત્ની પણ પ્રભુ ને વ્હાલી થઇ ગઈ. મારો વર પણ ચાલ્યો ગયો મોટા ગામતરે. એ પણ નિસંતાન, હું પણ સંતાન વિહોણી… એક જ નાત બેય ની…. એટલે વાયા વાયા ખબર અંતર મળે… મન થતું કે ઉપડી જાઉં એની પાસે. એને યાદ ન પણ હોય મારી. હોય તોય શું કહું ? સપ્તપદી નાં એ રમત જેવા ફેરા ની દુહાઈ આપું ? એ શું હતું ? યૌવન સહજ ખેલ હતો. અથવા તો પુર્ણ લગ્ન હતાં ? એક એક દ્રશ્ય હૈયા માં કોતરાયેલ હતું. કોઇ લેખક ની વાર્તા જેવું દ્રશ્ય.એક જ નાવ નાં મુસાફર અમે… તોય અલગ અલગ…તરસી હરણી સી હું. ચાતક સી. વાટ નીરખતી રહી છું. વર્ષો થી. કોઈ અવાજ થાય તો મન માં થતું એ આવ્યો હશે. કોઈક રીતે સંદેશ મોકલાવે તો પણ હું જવા તૈયાર હતી. એમજ જ, અમસ્તું પણ મળી શકાય. આ પ્રેમ હતો? કદાચ પ્રેમ થી વધુ. પહેલો પ્રેમ અને અંતિમ પણ.પહેલો પુરૂષ ભૂલાય નહીં.
ચાદર ઓઢી ને સુતા મુસાફર ની બંધ આંખો નાં પડળ પર અશ્રુબિંદુ જામ્યાં !
સ્ત્રી નો ધીમો અવાજ ગળગળો થયો.
સળંગ વાક્ય સંભળાતું નહોતું. ટ્રેન નાં અવાજ વચ્ચે શબ્દો અફડાઈ ને આવતા હતા.-
અમારાં ગામ પાસ પાસ માં.પણ તોય કેટલું અંતર.એ મુંબઇ ગયો…. દુબઈ ગયો… દિલ્હી ગયો… ક્યારેક ખબર મળતા. એકલાં અટુલાં જીવ્યે જતાં હતાં.એ પણ.હું પણ.સસરા પક્ષ વાળા એ અપશુકનિયાળ ગણી ને દરવાજા બંધ કરી દીધા.ભાઈ સાથે રહેવા લાગી. ભાઈ કલકતા આવી ગયો. સાથે હું પણ.બીજાં લગ્ન કરવા નું ખુબ દબાણ થયું.પણ બસ. એક ભવ માં કેટલા ભવ કરીશ હું ? વર્ષો વીતી ગયાં છે… એની યાદ આવે છે જુના દર્દ જેવી.જીંદગી પાસે થી કંઇ નથી જોઈતું.પરણેલી સ્ત્રી બીજી વાર ફેરા ફરે તો અપશુકન મનાય.ક્દાચ એ સાચું હશે. વર્ષો વીતી ગયાં છે. તોય, એ યાદ આવે છે ઠેસ લાગે એમ. ચહેરો સ્પષ્ટ યાદ નથી. પણ ચહેરાની રેખાઓ યાદ છે. અવાજ નો રણકો યાદ છે. વાતો શબ્દશ યાદ નથી, પણ યાદ છે એની નિર્દોષતા. એણે કહ્યું હતું.- એકવાર હાથ પકડી જુવો. જીવન ભર નહીં છોડૂં. ઝૂઠો..!
આસમાની આંખો માં પાણી ઉભરાતાં હતાં એને વહેવા દીધાં તેણે. વર્ષો બાદ આજે જીવન નું રહસ્ય ઉજાગર કરવા બેઠી હતી એટલે બધું જ કહી દેવું હતું. આંખો નીતરતી રહી.
લાંબી ખામોશી છવાઈ ગઈ. સ્ત્રી ને સ્ત્રી વધુ સારી રીતે સમજી શકે.પીળી સાડી વાળી સ્ત્રીએ પુછ્યું.
” એનું નામ શું ? ”
બારી બહાર અંધકાર માં કઈંક
ફંફોસતી હોય એમ એણે એકાક્ષરી ઉતર આપ્યો.-
” કમલકાંત.”
પુલ પર થી પસાર થઈ રહેલી ટ્રેન વધુ અવાજ કરવા લાગી. સીટ નંબર ૬૧ નાં મુસાફર ની આંખો માં સ્મિત પ્રગટ્યું. ધડાકો થયો હોય એમ લાગ્યું. શોર વચ્ચે પણ નામ સંભળાયું.
એ બેઠો થયો.
મધરાત વીતી ગઇ હતી.ઉપર ની ખાલી સીટ પર બીજી સ્ત્રી એ લંબાવ્યું.સફેદ સાડી વાળી સ્ત્રી બારી પાસે સરકી. હવા ની તેજ લહેરો થી એનાં ઝુલ્ફાં ઉડાઉડ કરી રહ્યાં હતાં.નિરભ્ર આંખો વરસી પડ્યા બાદ વધુ સ્વચ્છ થઇ ગઇ હતી.
એ જોઈ રહ્યો થોડી વાર.અપલક.એકટશ.ગૌર મુખારવિંદ પર સત્ય ચમકી રહ્યું હતું.બારી બહાર કંઇક શોધી રહી હોય એમ એ જોઈ રહી હતી.
પુરુષ સ્ત્રી ની નજીક સરક્યો.-
” કૌમુદી !”
બંને ની નજર મળી.થોડી વાર જોઈ રહ્યાં એકમેક ને.સ્ત્રી નાં અવાજ માં ધ્રુજારી ઉત્પન્ન થઈ.
– કમલકાંત !
લેખક – રમેશ ગોસ્વામી “સારથિ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300