મહાભારત કાળ માં સોશિયલ મિડિયા ની સગવડ હોત તો…?!!!

હાસ્ય મેવ જયતે.
મહાભારત કાળ માં સોશિયલ મિડિયા ની સગવડ હોત તો…?!!!
મહાભારત કાળ માં જો સોશિયલ મિડિયા આવી ગયું હોત,વોટ્સએપ, ફેસબૂક , ઇન્સ્ટા, જેવી અનેક સોશિયલ સાઈટો એક્ટિવ હોત તો?
જોકે કુરુક્ષેત્ર નું ભયાનક યુદ્ધ ચાલતું હતું ત્યારે ધુતરાષ્ટ્ર પાસે બેસી ને સંજય લાઈવ રિપોર્ટિંગ કરતો જ હતો. કોણે શું કર્યું, કોણે કોનો વધ કર્યો કે કોણ ભાગ્યું… એ બધા જ બ્રેકિંગ ન્યુઝ લાઈવ ચેનલ ની જેમ ટેલી કાસ્ટ કરવા માં આવ્યા જ હતા. પણ સંજય પાસે તો સંજયદ્રષ્ટિ હતી. પણ અન્ય પાત્રો પાસે આવું કોઈ જ્ઞાન નહોતું. કૃષ્ણ નાં ફોલોવર્સ સૌ થી વધુ હોત. દરેક પાત્ર ની
પણ જો સોશિયલ મીડિયા આવી ગયું હોય તો કેવાં દ્રશ્યો સર્જાય…
જસ્ટ ઇમેજિન….
દ્રોપદી નાં ચિરહરણ વખતે ભીમ વિડિયો ઉતારી લે. ભગવાન શ્રી કૃષ્ણ ને વિડિયો કૉલ કરી ને બતાવે, કે આમ જુવો, આ માણસ ને કાંક કયો.હવે હદ થાય છે હો. હવે મેળ નહીં આવે. પછી કેતા નહીં… હા.!
જે દ્રશ્ય થી મહાભારત નાં કુરુક્ષેત્ર નાં મંડાણ થયાં એ અંધ નાં તો અંધ જ હોય એમાં જ્યારે દુર્યોધન પાણી નાં ભ્રમ માં લપસી પડી ને પડ્યા પડ્યા જ યુધિષ્ઠિર ને વિડિયો કૉલ કરે છે.
” હાઈ બ્રો. વેર આર યુ ! આઇ એમ એટ યોર હોમ. પણ આમ જો, તમારી બાયડી મારા પર કેવા દાંત કાઢે છે. લુક એટ ધીસ. આમ થોડું હાલે મારા ભાઈ. અમે તમારે ઘરે મળવા આવીએ. ને પડી જઈએ તો આમ ખા ખા ખી ખી કરવા નું? માણસ નાં પેટ નાં થાઓ. હવે જુઓ કેવો ખેલ રચે છે ભાયડો. જોતા જાઓ હવે..!”
એમ કહી ને ગુસ્સા માં કટ કરી નાખ્યો.
લાક્ષાગૃહ માં આગ માં ફસાઈ ગયા બાદ અર્જુન પોતાના સખા શ્રી કૃષ્ણ ને કૉલ કરે છે.-
” હેય ક્રિશ. અચ્છા, ક્રિશ, લિસન, એકચ્યુલી અમે લોકો ફસાઈ ગયા છીએ.લાક્ષાગૃહ માં આગ ફાટી નીકળી છે. દુર્યોધન નું કાવતરું છે. ઓલ બ્રધરસ્ ભેગા છીએ. યાહ ,મોમ પણ સાથે જ છે. લુક લુક, કેવું ભળ ભળ બડે છે.મહેલ જ એવો બનાવ્યો હતો. હવે શું કરવું જોઇએ ક્રિશ..!?”
સામે થી અવાજ આવ્યો કે સહદેવ ને પુછ. એ બધું જ જાણે છે. આગ નાં વિડિયો અને ફોટાઓ ખુબ ફર્યા. કૌરવ નું ષડ્યંત્ર જનતા જાણી ગઈ.
દ્રોપદી નાં સ્વંયવર વખતે અર્જુન બધા થી છુપાઈ ને નકુલ ને કૉલ કરે છે.-
” નકુલ, હું એક સ્વયંવર માં આવ્યો છું. ઉભો રે દેખાડું. આ જો. આ છોકરી છે. કેવી છે? પણ યાર આ થાંભલા પર ચડવા નું, ત્રાજવાં પર પગ રાખવા નાં, માછલી ની આંખ વીંધવા ની. કેવો ડિફિકલ ટાસ્ક છે. નહીં.?! કેટલાય રાજાઓ ઉંધા માથે હેઠા પડે છે. એ એ.. આ એક પડ્યો. હું ટ્રાય કરું. કદાચ મેળ આવે તો આવી જાય. ચલ બાય. મારો વારો આવ્યો.”
કોઈ એ અર્જુન નો માછલી ની આંખ વીંધતો વિડિયો ઉતારી લીધો. એ ખુબ વાયરલ થયો. બાણાવળી અર્જુન ની છાપ વધુ ઉજળી બની.
વનવાસ મળ્યા બાદ પાંડવો હેરાન પરેશાન થઇ જાય. એક તો જંગલ માં ટાવર મળે નહીં. રિચાર્જ ખતમ થાય તો ય તકલીફ. જોકે વાર્ષિક પ્લાન લીધો હતો. પણ આ તો બાર વર્ષ કાઢવા. છેલ્લું વર્ષ તો છુપા વેશે. નથી ને દુર્યોધન જાણી જાય કે ક્યાં છે કાકા વાળા, તો વળી પાછું વન જવા નું.
ક્યારેક નેટવર્ક મળી જાય. સૌ થી પહેલા માતુશ્રી માદરી ને કૉલ કરવા માં આવે.કુંતા માતા બોલે.-
” કેમ છે બેન…? સારું કર્યું તું ના આવી. જંગલ માં તો હેરાન પરેશાન થઈ ગયા. આ પાંચેય ભાઈ મળી ને જુગાર રમ્યા એટલે આવા દિવસ જોવા પડ્યા. હું કહું છું શું જરૂર હતી જુગાર રમવા ની! દુર્યોધન અને એના ભેગો એનો મામો શકુની. ઈ જીતવા દે આ લોકો ને.? રામ ભજો. તારું ધ્યાન રાખવું બહેન. અમે તો અહીંયા ખાટાં બોર ખાઈ ખાઈ ને કંટાળી ગયાં છીએ. ક્યારેક કંઇક સારાં ફળ મળે. બાકી તો… હેલો હેલો…”
નેટવર્ક ઉડી ગયું. કૉલ કટ થઇ ગયો. માં કુંતા એ રીંસ માં ને રીંસ યંત્ર નો ભીમ પર ઘા કર્યો. ભીમે કેચ ઝીલી લીધો.
ભીમ અને હિડંબા નાં ફોટા સોશિયલ મિડિયા માં વાયરલ થઈ જાય. લોકો ઠેકડી ઉડાડે. ક્યાં જઈ ને પહોંચ્યો? એમ તો ટ્રોલર ગેંગ ભીષ્મ પિતામહ જેવા ને પણ ન છોડે. કેવાંય મિમ્સ બનતાં રહે.
વનવાસ પુરો થયા બાદ બહુ સમજાવવા છતાં દુર્યોધન એક જ વાતે અડી ગયો છે. સોઈ ની અણી જેટલી ભુમિ પણ ન આપું. પછી ક્યાં વાત રહી.
દિલ્હી થી દુર્યોધન અને યુધિષ્ઠિર આવ્યા ગુજરાત નાં દ્વારિકા માં શ્રી કૃષ્ણ નાં શરણ માં. કૃષ્ણ આડા પડ્યા હતા. વામકુક્ષી કરતા હતા. સુતા સુતા એમણે અર્જુન સાથે ચેટ કર્યું.-
” એલા તારો મોટો ભાઈ અહીંયા આયો છે. શું માથાકૂટ છે? રોજ રોજ શું ડખા કરતા હશો. શાંતિ થી જીવતા હોવ તો…”
સામે થી અર્જુન નો રિપ્લાય આવ્યો.-
” ઓહ રિયલી. આઇ ડોન્ટ નો.બટ, પાર્થ, તું તો જાણે છે, આ દુર્યોધનિયો છે ને, એ હખણો નથી રહેતો. તારી વચ્ચે તો વાત થઈ. એને કીધું પાંચ ગામ તો દે ભુંડા.આપણે કાકા બાપા નાં પોરિયા. તો કહે નો મીન્સ નો. લે બોલ. તો એ બાબતે મોટા ભાઈ આયા હશે. કરતો વિડિયો કૉલ.”
અર્જુન ની વાત વાંચી ને કૃષ્ણ મંદમંદ સ્મિત સાથે વિડિયો કૉલ કરે છે.-
” એલા શું આયા પાછા? હવે સુધરી જાઓ. નાના નથી. આવડા મોટા રાજકુટુંબ નાં સંતાનો છો. મોટો વારસો આગળ વધારો. વઢવા માં કંઈ વળે નહીં ભાઈ. સમજો. પ્લીઝ.”
કૃષ્ણ ની વાત કાપી ને દુર્યોધન ઉપેક્ષા ભર્યું હસ્યો.-
” સૂફિયાણી વાતો સાંભળવા નથી આવ્યો હજારો કિલોમીટર દુર. દિલ્હી થી ગુજરાત આવ્યો છું.આની બાયડી મારા પર હસી હતી. મેં આને વિડિયો કૉલ પણ કર્યો હતો. બોલ એલા, કર્યો હતો કે નહીં…?’
યુધિષ્ઠિરે નમ્રતા પુર્વક કહ્યું.-
” હા.પણ તો શું ? દેર – ભોજાઈ વચ્ચે નો મશ્કરો સંબંધ હોય.ભાભી થાય તારી એ. મજાક કરી એમાં આટલું ગંભીર થઈ જવાતું હશે ગાંડા માણસ..?! તારે પણ કહી લેવું તું. પણ… આવું બધું મન માં રખાય? હદ કરે છે તું તો મારા હમ !”
બંને વચ્ચે દલીલો થતી રહી. છેવટે કૃષ્ણએ ઘાંટો પાડી ને ચુપ કરવા પડ્યા.
બંને ને સમજાવી ને થાક્યા, પણ માન્યા નહીં. અંતે યુદ્ધ એજ કલ્યાણ એવું નક્કી થયું. નારાયણી સેવા દુર્યોધન ની અને એકલા કૃષ્ણ યુધિષ્ઠિર નાં પક્ષે.
વાતો કરવા થી શાંતિ સ્પપાઈ હોત તો વાંસળી વગાડનારો સુદર્શન ચક્ર ઉપાડત નહીં..!
યુદ્ધ નાં મંડાણ થયાં. ગગન ભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.
સૌ એ પોત પોતાનાં યંત્ર માં સ્ટેટ્સ રાખ્યું.
– એટ કુરુક્ષેત્ર. વોર ઝોન.
કાં મરું, કાં, મારું.
ભીમ ને હિડંબા નો વિડિયો કૉલ આવ્યો. ભીમે રિસિવ કર્યો.
” કેમ ઉપાડતા નથી. અને કેમ ઝઘડા કરો છો? મને ન કેવાય? હું ને ગટોરગચ્છ બધા કૌરવ ને કાચે કાચા ખાઈ જઈએ. એક મેસેજ કરી દીધો હોત તો…. પણ તમે મને ક્યાં પ્રેમ કરો છો. તમે મને સાવ ભુલી ગયા. ન કોઈ દિ મેસેજ, ન કોઈ દિ છોકરા ની સંભાળ લેવી… તમે બદલાઈ ગયા છો.” એમ કહી ને હિડંબા રડવા લાગી.
આઇ કૉલ યુ બેક.. કહી ને ભીમે કૉલ કાપી નાખ્યો.
દુર્યોધને સ્ટેટસ રાખ્યું.-
આઇ કિલ ઓલ પાંડવસ્
હા હા હા હા.!!
ભીમે સૌ થી પહેલું જોયું. તેણે રિપ્લાય કર્યો.
– જા જા હવે ડફોળ. તારી સાથળ ન ચીરી નાખું તો મારું નામ ભીમ નહીં… એમ લખી ને હાસ્ય નું ઈમોજી મુક્યું. દુર્યોધન ને લાગી આવ્યું એટલે તેણે ભીમ ને બ્લોક કરી નાખ્યો.
કરણ પોતાનાં રથ નાં પૈડાં નો ફોટો પાડી ને સ્ટેટ્સ રાખતો હતો.
– આ દગો ન દે તો બસ!
ભીષ્મ પિતામહે લખ્યું.
– વિનાશ કાળે વિપરીત બુદ્ધિ!
શકુની એ પોતાની ફાંગી આંખ નો ફોટો મુક્યો.
– દેખા મેરા કમાલ!
સૌ પોત પોતાના સ્વજનો ને વિડિયો કૉલ કરતા હતા. પહેલો દિવસ હતો. પણ પહેલે જ દિવસે અર્જુને પાટિયું કાઢ્યું.-
“ના. આપણે નથી વઢવું. કોને કોને મારવા? આ કાકા, આ દાદા, આ ભાઈ, આ સાઢુ ભાઈ, આ સાળો,.. ના કૃષ્ણ. આપણ ને નહીં જામે. તમારે જેમ કરવું હોય એમ કરો. હું નહીં લડું.”
કૃષ્ણ અકળાયા.-
” એલા ભાઈ, આ કંઈ રમત છે કે હું નહી રમું એવું ગાણું ગાવા માંડ્યો છે? તું વઢે કે નહીં એના થી કંઈ ફરક નથી પડતો. પણ તો તારા ભાંડરુ હારશે. આ જમીન ની કે સતા ની લડાઈ નથી. આ સત્ય ની લડાઈ છે. ધર્મ ની લડાઈ છે. હક્ક ની લડાઈ છે.”
અને ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રી મદ ભગવદ્ ગીતા કહેવા નું શરુ કર્યું.
અર્જુન નાં રથ પર નાનું રૂપ ધારણ કરી ને હનુમાન જી ધ્વજા પર બિરાજમાન થઈ ગયા.
શ્રી કૃષ્ણ એ સ્ટેટ્સ ચડાવ્યું.
– યદા યદા હિ ધર્મસ્ય!
આલેખન – રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300