જસદણ અને વિંછીયા ખાતે યોજાયેલ “આશા સંમેલન”માં આશા બહેનોનું સન્માન
- “વ્યસન મુકત સમાજનાં નિર્માણ માટે બહેનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે” : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા ખાતે જળ સંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને “આશા સંમેલન” યોજાયું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય લક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઈનામ તથા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આરોગ્ય ક્ષેત્રના મૂળમાં રહેલા પાયાના કાર્યકર એવા આશા બહેનોને પ્રોત્સાહીત કરતા મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જ્યારે લોકો ઘરોમાં બંધ હતા ત્યારે આ આશા વર્કરો ઘરે-ઘરે જઈને પોતાનું કામ કરતાં હતાં.
નિષ્ઠા પૂર્વક પ્રમાણિકતાથી કાર્ય કરતા આશા બહેનો થકી આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી થઇ રહી છે તેવો ભાવ મંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો. લોકોમાં જાગૃતિના અભાવે બનતાં અજુગતા બનાવો અટકાવવા માટે આશા બહેનો કડીરૂપ બની “આંગળી ચીંધ્યાનું પુણ્ય” કમાઇ શકે છે. વ્યસન મુકત સમાજનાં નિર્માણ માટે બહેનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તે માટે આશા બહેનો મહીલાઓને સમજાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે પુષ્પગુચ્છ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સત્કારવામાં આવ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.કે.રામએ પ્રાસંગિક ઉદબોધન કરી આશા બહેનોની કામગીરી વર્ણવી હતી. જિલ્લા સુપરવાઈઝર સુરેશભાઈ મુંગરાએ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બહેનોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, તાલુકા પંચાયતના હોદેદારઓ, સદસ્યો, નગરપાલિકાના હોદેદારઓ, સદસ્યો, અગ્રણીઓ, જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, જસદણ સરકારી હોસ્પિટલના અધિકારીઓ, કર્મચારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ગિરીશ ભરડવા (રાજકોટ)