બોધકથા..આત્મસુધાર

બોધકથા..આત્મસુધાર
એકવાર એક વ્યક્તિ દુર્ગમ પહાડ ઉપર જાય છે,ત્યાં તેમને એક મહિલા જોવા મળી.તે વ્યક્તિને ઘણી જ નવાઇ લાગે છે.તેને જીજ્ઞાસા વ્યક્ત કરીને પુછ્યું કે તમે આ નિર્જન સ્થાન ઉપર શું કરો છો? તે મહિલાએ જવાબ આપ્યો કે મારે ખુબ જ અગત્યનું કામ છે.આ સાંભળીને તે વ્યક્તિએ પુછ્યું કે આપને કયા પ્રકારનું કામ છે? કારણ કે મને આ નિર્જન જગ્યાએ આપણા બે સિવાય બીજું કોઇ તો દેખાતું નથી.
ત્યારે મહિલાએ કહ્યું કે મારે બે બાજોને અને બે સમડીઓને પ્રશિક્ષણ આપવું છે.બે સસલાઓને આશ્વાસન આપવું છે.ગધેડાને આળસ અને પ્રમાદથી બહાર કાઢવો છે.એક સાપને ધર્મોપદેશ ઉપદેશ આપવો છે અને એક સિંહને વશમાં કરવો છે.ત્યારે તે વ્યક્તિ કહે છે કે પરંતુ આ બધા ક્યાં છે? મને તો આમાંના કોઇ અહી દેખાતા નથી.ત્યારે મહિલાએ કહ્યું કે આ બધા મારી અંદર જ છે.
બે બાજ જે દરેક ચીજવસ્તુઓ કે જે મને મળી છે તેની ઉપર નજર નાખે છે,તે સારી હોય કે ખરાબ મારે તેના ઉપર કામ કરવાનું હોય છે કે જેથી તે ફક્ત સારૂં જ જોઇ શકે અને તે છે મારી બે આંખો.. બે સમડી કે જે પોતાના પંજાથી ફક્ત બીજાને નુકશાન પહોંચાડે છે તેને મારે પ્રશિક્ષણ આપવાનું છે અને તે છે મારા બે હાથ.
બે સસલાં જે અહી તહી ભટકતાં રહે છે પરંતુ કઠિન પરિસ્થિતિનો સામનો કરવા ઇચ્છતાં નથી.મારે તેમને શિખવાડવાનું છે કે પીડા સહન કરીને કે ઠોકર ખાધા પછી પણ શાંત રહેવું જોઇએ અને તે છે મારા બે પગ.ગધેડો હંમેશાં થાકેલો રહે છે,જીદ્દી હોય છે.હું જ્યારે પણ તેને લઇને ચાલું છું ત્યારે તે બોજો ઉઠાવવા ઇચ્છતો નથી મારે તેને આળસ અને પ્રમાદથી બહાર કાઢવો છે અને તે છે મારૂં શરીર.
આળસ અને પ્રમાદ માણસના શત્રુઓ છે.આળસ ત્યજીને યથા સમય કામ કરી લેવું.હમણાં કરવાનું કાર્ય હમણાં જ કરી લેવું.પોતાના સબંધમાં અભિમાન તે માન,ધર્મકૃત્ય ના કરવા તે આળસ અને અજ્ઞાન જ શોક કહેવાય છે.આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને,અહિંસાનું પાલન કરીને દાન વગેરે શુભ કર્મો કરે છે તો તેને પુણ્યની અધિકતાના કારણે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.જે મનુષ્ય સાહસિક,આળસ વિનાનો,કાર્યની રીતનો જાણકાર,નિર્વ્યસની,શૂરો તથા ઉ૫કાર માનનાર હોય છે તથા જેને ઘણા મિત્રો હોય છે તેની પાસે લક્ષ્મી પોતાની જાતે જ સામે ૫ગલે ચાલી આવે છે..
સૌથી કઠન કામ છે સાપને ધર્મ ઉપદેશ આપી મર્યાદામાં રાખવાનો.તે બત્રીસ સળિયાથી બનાવેલ પિંજરામાં પુરાયેલ છે તેમ છતાં તેની નજીક આવતા દરેકને ડંખ મારવા,કરડવા અને તેમની ઉપર પોતાનું ઝેર ઓંકવા આતુર રહે છે.મારે તેને અનુશાસિત કરવાનો છે અને તે છે મારી જીભ..
મારી પાસે એક સિંહ છે કે જે નિરર્થક ઘમંડ કરતો જ રહે છે.તે વિચારે છે કે તે પોતે એક રાજા છે. મારે તેને વશમાં કરવો છે અને તે છે મારૂં હું-પણું..
આપે જોયુંને કે મારે કેટલું મોટું કામ કરવાનું છે.વિચારો અને વિચરણ કરીએ કે અમારા બધામાં ઘણી બધી સમાનતા છે.પોતે પોતાના ઉપર ઘણું બધું કામ કરવાનું છે માટે બીજાની પરીક્ષા કરવાનું, નિંદા કરવાનું, ટીકા-ટીપ્પણી કરવાનું અને બીજાઓના વિશે ખોટી નકારાત્મક ધારણાઓ બાંધવાનું બંધ કરી દઇએ.આવો પોતે પોતાનાથી શરૂઆત કરીએ.આધ્યાત્મિક સ્તર ઉપર આ વાતોને આપણે અપનાવીએ..
આ જીવનો એવો સ્વભાવ છે કે જેનું ખાય તેની જ નિંદા કરે.બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ “નિંદા” કહેવાય.સ્વાર્થ રહીત વર્ણનને (વખાણને) પ્રસંશા કહેવાય.સ્વાર્થ સહિત વર્ણનને સ્તુતિ કહેવાય છે.જે માણસ નિંદા-સ્તુતિથી ૫ર થયો હોય તેની જવાબદારી ભગવાન ઉપાડે છે.ભગવાનના ભક્તનો પોતાના નામ અને શરીરમાં સહેજ૫ણ અભિમાન કે મમત્વ હોતું નથી તેથી તેને સ્તુતિથી હર્ષ કે નિંદાથી કોઇ૫ણ પ્રકારનો શોક થતો નથી.તેનો બંન્નેમાં સમભાવ રહે છે.ભક્ત દ્વારા અશુભ કર્મો તો થઇ શકતાં જ નથી અને શુભ કર્મો થવામાં તે ફક્ત ભગવાનને કારણ માને છે.છતાં ૫ણ તેની કોઇ નિંદા કે સ્તુતિ કરે તો તેના ચિત્તમાં વિકાર પેદા થતા નથી.જો કે માનવના જીવનમાં પ્રાથમિક અવસ્થામાં નિંદા-સ્તુતિની આવશ્યકતા છે.
આપણને દુઃખ આપનારા અને નિન્દા કરનારાઓને ૫ણ દુઃખ ના આપવું તથા તેમની નિંદા ન કરવી. અમોને જે દુઃખ આપી રહ્યા છે તે ૫હેલાંથી જ અમારાથી વધુ દુઃખી છે,જો અમે તેમને વધુ દુઃખ આપીશું તો અમારામાં બદલાની ભાવના આવી જશે..એટલે જે અમોને દુઃખ આપે છે તેમને ક્યારેય દુઃખ ના આપવું અને જો અમારી નિંદા થાય તો તેના અનુસાર અમારામાં સુધારો કરવાનો પ્રયાસ કરવો,પરંતુ ક્યારેય અમારી નિંદા કરનારની નિંદા ન કરવી..પરંતુ તેમનો આભાર માનવો,તેનાથી અમારી ઉન્નત્તિ થશે તેમાં શંકા નથી.માનવની આ જીભથી જ બહુ પાપ થાય છે. જીભ નિંદા કરે છે, જીભ પોતાના વિષે વ્યર્થ ભાષણ કરે છે એટલે જીભથી પરમાત્માના નામનો જપ થતો નથી.પાપ જીભને પકડી રાખે છે. ક્ષણે ક્ષણે ભગવાનનું નામ લેવું સુલભ છે પણ માનવથી આ થતું નથી.નામમાં દ્રઢ નિષ્ઠા રાખો.નામ નિષ્ઠા થાય તો મરણ સુધરે છે.બ્રહમનિષ્ઠા અંત સુધી ટકવી મુશ્કેલ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300