ગીતામૃતમ્..કર્મ અને કર્મફળ

ગીતામૃતમ્..કર્મ અને કર્મફળ
શ્રીમદ ભગવદ ગીતા(૨/૪૭)માં ભગવાન કહે છે કે..
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
ગીતાનો આ શ્ર્લોક લગભગ બધાને ખબર છે.ભગવાન કહે છે કે તમારો અધિકાર કુશળતાપૂર્વક કર્તવ્યકર્મ કરવાનો છે પરંતુ ફળ ભોગવવામાં તારો અધિકાર નથી એટલે કે કર્મફળની આકાંક્ષા ન કરો અને અકર્મણ્ય પણ ન બનો.પરીણામ કે ફળની આકાંક્ષા જ ના હોય તો કર્મ શા માટે કરવાનું? એટલે ભગવાન ધ્યાન દોરે છે કે અકર્મણ્ય પણ ન બનો.કર્મ કરીએ એટલે ફળ તો મળવાનું જ છે.ફળ આપ્યા વિના કર્મ શાંત થતું નથી.આપણે બધાને ખબર છે કે તમામ કર્મોના પરીણામ હોય છે.ભારતીય દર્શન કર્મ અને કર્મફળ ઉપર આધારીત છે.
કર્મના સિદ્ધાંનો નિયમ છે કે પ્રાણી જે કંઇ કર્મ કરે છે તેનું ફળ ભોગવવા તેને ફરીથી જન્મ લેવો પડે છે એટલે કે જન્મમરણના ચક્કરમાં તો આવવું જ પડે છે અને જ્યાંસુધી જન્મ-મરણ ચાલે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.બજારમાં જે આવારા જાનવરો ફરી રહ્યા છે તેમને પણ ક્યારેક મનુષ્ય જન્મ મળ્યો હતો અને તે સમયે કોઇ ર્ડાકટર હતા,કોઇ ઇજનેર હતા,કોઇ વેપારી હતા તો કોઇ મોટા ઉદ્યોગપતિ હતા.તેમના તે વખતના ગુરૂએ તેમને ધર્મનું આચરણ કરવા માટે,ભક્તિ કરવા માટે,સેવા સુમિરણ સત્સંગ કરવા માટે કહ્યું હશે પરંતુ તે સમયે તેમને અમારી પાસે સમય નથી તેમ કહીને ભક્તિ-જ્ઞાનની વાતોને ર્હંસીને ઉડાડી દીધી હશે અને અત્યારે તેમની પાસે સમય જ સમય છે પરંતુ આ યોનિમાં તે ધર્મનું આચરણ કરી શકતા નથી.
પ્રાપ્ત કર્તવ્યકર્મનું પાલન કરવામાં જ અમારો અધિકાર છે.એમાં આપણે સ્વતંત્ર છીએ કારણ કે મનુષ્ય કર્મયોનિ છે.મનુષ્ય સિવાયની બીજી કોઇપણ યોનિ નવું કર્મ કરવાના માટે નથી.નવું કર્મ કરવામાં ફક્ત મનુષ્યનો જ અધિકાર છે.ભગવાને સેવારૂપી નવું કર્મ કરીને ફક્ત પોતાનો ઉદ્ધાર કરવા માટે જ આ અંતિમ મનુષ્ય જન્મ આપ્યો છે.કર્મોને પોતાના માટે કરીશું તો બંધન થશે,જો આળસ અને પ્રમાદમાં કર્મ નહી કરીએ તો વારંવાર જન્મમરણના ચક્કરમાં ફરવું પડશે.મનુષ્યમાં નવા કર્મો કરવાની સ્વતંત્રતા છે પરંતુ અગાઉના કર્મોના ફળ સ્વરૂપે મળવાવાળી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિને બદલવામાં તે પરતંત્ર છે.
આ શ્ર્લોકમાં ભગવાન કહેવા માંગે છે કે પરીવર્તનશીલ વસ્તુ વ્યક્તિ પદાર્થ ક્રિયા ઘટના પરીસ્થિતિ અવસ્થા, સ્થૂળ સુક્ષ્મ કારણ શરીર સાથે આપણે નિર્લિપ્ત રહેવાનું છે.તેમની સાથે સહેજપણ સબંધ ન હોવો જોઇએ.પ્રત્યેક કર્મનું ફળ અમારી સામે આવવાનું જ છે.દરેક સારા અને ખરાબ કર્મનું ફળ અમારે ભોગવવું જ ૫ડશે એટલે અમારાથી કોઇ સતકાર્ય થાય તો પ્રભુ ૫રમાત્માનો ધન્યવાદ કરો કે સતકાર્ય કરવા માટે અમોને શક્તિ આપી અમોને નિમિત્ત બનાવ્યા અને અમારાથી કોઇ ખરાબ કાર્ય થાય તો ૫શ્ચાતા૫ કરીએ અને ભવિષ્યામાં આવી કોઇ ભૂલ ના થાય તે માટે પ્રાર્થના કરીએ.અમારો વ્યવહાર,લેવડ-દેવડ,ભાષા અને સ્વભાવ એટલો સુંદર હોવો જોઇએ કે લોકો અનુકરણ કરે.
તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્યેએ પોતપોતાના કર્તવ્ય કર્મ, ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.મનુષ્યએ ફક્ત નિષ્કાયમ કર્મ કરવાં જોઇએ. સેવા સુમિરણ અને સત્સંગ કરવાં જોઇએ,કોઇ વિશેષતા પોતાની અંદર લાવવાની ક્યારેય કોશિષ ના કરવી.
ગુરૂજ્ઞાનના માધ્યમથી પ્રભુને જાણ્યા વિના જીવનને સફળ કરવું મુશ્કેલ છે.જેવી રીતે એક જ ચિનગારી ઘાસના મોટા ઢગલાને રાખ કરી નાખે છે તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન ૫ણ મનુષ્યેના પા૫કર્મોને તથા તમામ શુભ અશુભ કર્મોને ભસ્મસાત કરી દે છે એટલે કે બ્રહ્મજ્ઞાનીનાં તમામ કર્મબંધન ભસ્મ થઇ જાય છે જેનાથી દેહનો પુનઃ જન્મ થતો નથી.જ્યારે કાર્ય અને કારણરૂ૫ ૫રમાત્માનાં દર્શન થઇ જાય છે તો તમામ સંશયો નષ્ટો થઇ જાય છે.જ્ઞાનદ્દષ્ટિથી સંસારની દોરને ધારણ કરનાર સૂત્રધારનાં દર્શન કરી લેવાથી મનુષ્યસને સમજ આવી જાય છે કે કરનકરાવનહાર તો પ્રભુ ૫રમાત્મા છે.
અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાંસુધી કર્મ ચાલુ રહે છે.કર્મોને સમાપ્તર કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ આવશે,કર્મનું અભિમાન નહિ રહે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મુખ્ય મુદ્દો એ છે કે અર્જુન જ્યારે કર્મ છોડીને ભાગવાની વાત કરવા લાગ્યો તો ભગવાને સમજાવ્યું કે ગૃહસ્થનો,કર્મક્ષેત્ર (કુરૂક્ષેત્ર) તો તારે જીતવું જ ૫ડશે અને ૫રમ તત્વને જાણીને જીવન્મુક્તિ પ્રાપ્ત્ કરવી એ ૫ણ તારૂં કર્તવ્ય છે.ગૃહસ્થાશ્રમમાં રહીને જ ભગવાને અર્જુનને નિરાકાર બ્રહ્મનું જ્ઞાન આપીને મુક્તિ અને પ્રથમ સંસારથી અનાસક્ત કરી દીધો હતો.
સાધારણ નિયમ એવો છે કે ભગવાન કર્મ પ્રમાણે જીવને ફળ આપે છે તે ન્યાયાધીશ જેવું કામ કરે છે પણ સદગુરૂ પ્રારબ્ધ પર મેખ મારે છે અને શિષ્યનું કલ્યાણ કરે છે.જગતમાં અનેક સંતો છે પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે નથી પણ આપણે જો કોઈને ગુરૂ બનાવીએ તો આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300