તમે આખો પરિવાર સાથે જમવા બેસો છો કે અલગઅલગ જમો છો?

આપણે ત્યાં વરસોથી ભોજન સાથે કરવાનો મહિમા છે હવે આપણે ત્યાં બાળકો બપોરે ઘરે હોતા નથી. પિતા પણ બપોરે દુકાને કે ઓફિસે હોય છે. એટલે કદાચ બપોરે આખો પરિવાર સાથે બેસીને ભોજન કરતું હોય એ દ્રશ્ય હવે ખાસ જોવા મળતું નથી. રાતે બાળકો ઘરમાં હોય છે પિતા પણ લગભગ ઘરે આવી ગયા હોય છે. એટલે રાતે આખો પરિવાર સાથે બેસીને ભોજન લેતું હોય એ બની શકે છે. રાતનું ભોજન બધાએ સાથે મળીને જ કરવું જોઈએ.
સૌથી પહેલા તો ભોજન કરવા બેસો તે પહેલા બધા સભ્યોએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરીને સાઈડ પર મુકી દેવા જોઈએ. કારણકે બાળકો મોબાઈલ જોતા જોતા જમે છે એને કારણે કેટલીક અગત્યની વાતો શીખવાથી વંચિત રહી જાય છે. જીવનના ઘણા પાઠો શીખવાના બાળકો ચુકી જાય છે. આખો પરિવાર સાથે બેસીને જમે એ ખરેખર ખુબ જ આનંદ ઉલ્લાસની વાત છે પરિવારના નાના મોટા એક સાથે અર્ધો કલાક બેસે અને નિરાંતે હળવાશભર્યા વાતાવરણમાં જમે એના અનેક ફાયદાઓ છે.
સાંજના ભોજનમાં ફાસ્ટ ફૂડની સાથે આપણી ટ્રેડિશનલ વાનગી પણ બનેલી હોય છે જો બાળકો એકલા જમવા બેઠા હોય તો ફટાફટ ફાસ્ટફૂડ ખાશે.પરંતુ જો બાળકો દાદા દાદી કે માતાપિતા સાથે જમવા બેસશે તો થોડું હેલ્દી ટ્રેડીશનલ ભોજન પણ લેશે. એમના ટેસ્ટમાં વેવિધ્યતા આવશે બાળકો દેખાદેખીમાં સલાડ અને ફ્રૂટ પણ ખાશે..બધાની હાજરીમા હેલ્ધી ખોરાક ખાવાનું કહેવામાં આવશે તો બાળકો ટાળી શકશે નહીં. બાળકો પરિવાર સાથે જમશે તો અલકમલકની વાતો સાંભળશે એમાંથી બાળકોને અવનવી વાતો શીખવા અને જાણવા મળશે.
આપણી નવી પેઢીના બાળકો માતૃભાષાથી દુર થતા જાય છે ત્યારે બાળકોને માતાપિતા પાસેથી અનેક શબ્દો સાંભળવા જાણવા મળશે..બાળકોને કહેવતો રૂઢીપ્રયોગો સમાનાર્થી શબ્દો સાંભળવા જાણવા મળશે સાથે સાથે તર્કબધ્ધ વાતો પણ શીખશે. ફેમિલી ડીનર લેવાથી બાળકો સલામતી અનુભવે છે એક પ્રકારની માનસિક શાંતિ અનુભવે છે પોતાની વાત રજુ કરવાનો આત્મવિશ્વાસ વધે છે.જેનાથી તેઓ અભ્યાસ વધુ એકાગ્રતાથી કરે છે અને પરિણામ સારુ લાવી શકે છે. ફેમિલી ભોજન બાળકોની ઇમોશનલ હેલ્થ માટે પણ બહુ ફાયદાકારક છે.જે બાળકો ફેમિલી સાથે જમે છે એ બાળકો આલ્કોહોલ ડિસ્પ્રેશન અને ડ્રગ્સથી બચી જાય છે. આ એક ખુબ અગત્યની વાત છે બાળકોને પરિવારની હૂંફ અને મમતા સ્નેહ મળે તો બાળકો વ્યસનોથી બચી જાય છે.
જમતી વખતે બાળકો મોટેભાગે માતાપિતાની કાળજી દરકાર જુવે છે જેમકે બાળકો બરાબર જમે છે કે નહી તે માટેના પ્રયાસો કરવા બાળકો જમતી વખતે દાઝે નહી એનું ધ્યાન રાખવું, માતાપિતા ડાયરેક્ટ કોઈ સલાહ આપે તો એ બાળકોને ગમતું નથી. પણ જમતી વખતે માતાપિતા બાળકોને જે કહેવું હોય તે ઈનડાયરેક્ટલી કહી શકે છે. જે બાળકો પરિવાર સાથે જમે છે એ બાળકોના માતાપિતા અને ભાઈબહેન સાથેના સંબધો વધુ મજબુત બને છે. આજથી પરિવારના બધા સભ્યો સાથે બેસીને જમવાની શરૂઆત કરી દો. તમને અને બાળકોને અઢળક અને મબલખ ફાયદાઓ થશે.
અબ્બાસભાઈ કૌકાવાલા