પીએમ મોદીએ કહ્યું,’મહામિલાવટીઓ દેશનો વિકાસ નથી પચાવી શકતા એટલે નારાજ’

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. આજે વડાપ્રધાન મોદી તામિલનાડુના થેનીમાં પહોંત્યા છે, જ્યાં તેમણે એઆઈએડીએમકે સાથે સંયુક્ત રેલી યોજી હતી. રેલીમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું,’આજે ભારત વિશ્વમાં ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ ડીએમકે અને તેમના મહામિલાવટી મિત્રો આ સ્વીકાર કરી શકતા નથી એટેલે મારાથી નારાજ છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું મહાન એમજીઆર અને જયલલિતાને શ્રદ્ધાંજલી આપું છું. ભારતને આ બંને નેતાઓ પર ગર્વ છે. આજે હું અહીંયા તમને મારા કામનો હિસાબ આપવા આવ્યો છું. આ સાથે જ મહામિલાવટના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવા માટે આવ્યો છું. આજે ભારત વિશ્વમાં ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ- ડીએમ કે અને તેમના મહામિલાવટી મિત્રો આ બાબતનો સ્વીકાર કરી શકતા નથી. એટલે તેઓ મારાથી નારાજ છે.”
વડાપ્રધાન મોદીએ વધુમાં સ્થાનિક રાજકારણ વિશે કહ્યું,“થોડા દિવસો પહેલાં ડીએમકેના અધ્યક્ષે નામદારને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ કોઈ તેમને પીએમ કેન્ડિડેટ માનવા તૈયાર નથી. તેમના મહામિલાવટી મિત્રો પણ તેમને પીએમ કેન્ડિડેટ માનવા તૈયાર નથી કારણ કે એ બધા જ પીએમ બનવા માંગે છે.” વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટકમાં પણ પ્રચાર કરશે.
તેમણે વધુમાં કહ્યું,’મધ્યપ્રદેશ સરકાર કોંગ્રેસનું એટીએમ મશીન બની ગયું છે. એ લોકોએ ગરીબો અને બાળકો માટે કેન્દ્ર સરકારે ફાળવેલા પૈસા ચૂંટણીમાં ડાયવર્ટ કર્યા છે. આ તુગલક રોડ સ્કેન્ડલ બની ગયું છે. આખા દેશને ખબર છે તુગલક રોડ પર કોણ રહે છે. હું કોંગ્રેસને પૂછવા માંગું છું કે વર્ષ 1984માં થયેલા શિખ રમખાણોના પીડિતોને, ભોપાલ ગેસ કાંડના પીડિતોને કોણ ન્યાય અપાવશે ?”