મનુષ્ય ના બંધન અને મોક્ષનું કારણ મન છે.

મનુષ્ય ના બંધન અને મોક્ષનું કારણ મન છે.
Spread the love

બોધકથા..
મનુષ્ય ના બંધન અને મોક્ષનું કારણ મન છે.

એકવાર સત્સંગ દરમ્યાન એક વ્યક્તિ ઉભા થઇને મહારાજને વિનંતી કરતાં પોતાના દ્વારા થયેલી ભૂલની માંગતો હતો.પોતાની દીનતા બતાવવા તેને પોતાના ગળામાં પગરખાંની માળા પહેરી હતી તે જોઇને મહારાજે પુછ્યું કે શરીરને સજા આપવાથી શું ફાયદો? અસલ ગૂનેગાર તો મન છે અને તે આઝાદ ફરી રહ્યું છે? પોતાની વાતને સ્પષ્ટ કરતાં મહારાજે એક વાર્તા સંભળાવી..

એક સ્ત્રીએ એક બકરો અને એક વાનર પાળ્યો હતો અને આ બંન્નેને તેણે ઘરના ચોકમાં જ બાંધ્યા હતા.એક દિવસ આ સ્ત્રીએ પરીવારના માટે ઘણા જ પ્રેમથી ભોજન બનાવ્યું અને દહી લેવા માટે બજારમાં જાય છે.વાંદરાએ પોતાના હાથોથી ગળામાં બાંધેલ રસ્સી ખોલીને બધી જ રોટલી ખાઇ ગયો અને ત્યાર પછી પોતાના ગળામાં રસ્સી બાંધી દે છે અને બકરાના ગળાની રસ્સી ખોલી નાખે છે.જ્યારે તે સ્ત્રી દહી લઇને પાછી આવે છે અને જુવે છે તો તમામ રોટલીઓ ગાયબ છે અને બહાર આવીને જુવે તો બકરાના ગળામાંની રસ્સી ખુલ્લી છે,તેથી બકરો જ રોટલી ખાઇ ગયો છે તેમ માનીને બકરાને મારવા લાગે છે.આ દ્રશ્ય દૂરથી એક સજ્જન જોઇ રહ્યા હતા તેમને આવીને તે સ્ત્રીને કહ્યું કે આ બકરો નિર્દોષ છે,ગુનેગાર તો આ વાંદરો છે.

આવી જ રીતે પોતાની કામના પુરી કરવા માટે આ મનરૂપી વાંદરો જ બધું કરે છે.સાચો ગુનેગાર તો આ મન હોય છે પરંતુ સજા બિચારા આ શરીરને ભોગવવી પડે છે.આ મન લજ્જતનું આશિક હોય છે જ્યારે તેને પહેલાં કરતાં કોઇ ચીજવસ્તુ કે વ્યક્તિ મળી જાય તો તે પહેલી ચીજને છોડી દે છે અને બીજાની પાછળ પડે છે.આ મનને દુનિયાની કરોડો સુખ સુવિધાઓ આપો તો પણ મન વશમાં આવતું નથી.

સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે,એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી.

એક બોધ કથા છે કેઃએક વ્યક્તિ રૂમમાં બેસીને દિવાલ ઉ૫ર લટકાવેલ ઘડીયાળમાંથી નિરંતર આવતો ટક ટક અવાજ અવાજ સાંભળી રહ્યો હતો,એટલામાં ફળીયામાંથી જ જોરશોરથી બેન્ડ વાજાંનો અવાજ કાને પડ્યો.જેથી તેમની ઘડીયાળની ટક ટક સંભળાવવાની બંધ થઇ ગઇ.ભયભીત થઇને તેમને નોકરને બોલાવીને પૂછ્યું કેઃઆ ઘડીયાળની ટક ટક સંભળાતી બંધ કેમ થઇ ગઇ છે? તપાસ કરો કે તે ચાલુ છે કે બંધ પડી ગઇ છે? નોકરે ધ્યાનથી ઘડીયાળ તરફ જોઇને કહ્યું કેઃ ઘડીયાળ તો ચાલુ છે પરંતુ બહાર ઘણો જ ઘોઘાટ હોવાથી ઘડીયાળની ટક ટક તમોને સંભળાતી નથી.

આ બોધકથામાંનું રૂમ એ આપણું મન છે, તેની અંદર પરમાત્માની ધ્વનિ નિરંતર ચાલુ જ છે,પરંતુ તે ધ્વનિને બહારની ઇચ્છાઓ અને વાસનાઓના વાજાંના અવાજે દબાવી દીધી છે.અંદરનાં ૫ટ ત્યારે જ ખુલે છે કે જ્યારે બહારના પટ બંધ થાય છે.બહારના પટનો અર્થ છેઃ વિષયોનો પરીત્યાગ,ઇચ્છા રહિત જીવન કે જે સહજમાં પ્રાપ્ત થતું નથી,કારણ કે,આ ઇચ્છાઓનો સબંધ અનેક વાસનાઓની સાથે છે.આ વાસનાઓ જ કર્મનું મૂળ છે.

અમે સંસારમાં રહીએ પરંતુ સંસાર અમારા મનમાં ના રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.વિષયાસક્ત મન બધ્ધ અને નિર્વિષય મન જ મુક્ત માનવામાં આવે છે.જેને મનને જીતી લીધું છે તેને જગતને જીતી લીધું.મનનો પૂર્ણ નિરોધ કરવામાં વિષયવિહિન મન જ સમર્થ હોય છે.મનની શક્તિ વિશ્રામ નહી,પરંતુ અભ્યાસ છે.જેવી રીતે પ્રાતઃકાળ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઇ જાય છે,તેવી જ રીતે મનની પ્રસન્નતાથી તમામ બાધાઓ શાંત થઇ જાય છે.

મનના બે પ્રકારના દોષ માનવામાં આવે છેઃ સ્થાઇ અને આવેગ જન્ય..લોભ-મોહ-આસક્તિ અને માન મેળવવાની ઇચ્છા એ સ્થાઇ દોષ છે.તે નિરંતર મનમાં રહેલા હોય છે.વિવેક-વેરાગ્ય અને સત્સંગના દ્વારા તેને દૂર કરી શકાય છે.

મન અત્યંત ચંચળ છે.આ ક્ષણે તે જે વિચાર કરે છે, બીજી જ ક્ષણે તે બદલાઇ જાય છે, એટલે જે ક્ષણે સારો વિચાર આવે તેને તે જ ક્ષણે કાર્યરુ૫ આપી સં૫ન્ન કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરવો જોઇએ.મનની ચંચળતા અને જીવનની ક્ષણભંગુરતા સમજીને સત્સંકલ્પને તત્કાળ જ પૂરો કરી દેવો,કારણ કેઃ કાલનો કોઇ ભરોસો નથી.મૃત્યુની સાથે જેને મિત્રતા કરી લીધી છે અને જેને અમૃતપાન કરીને અમરતા પ્રાપ્ત કરી લીધી છે તે જ કહી શકે છે કેઃ આ કામ હું કાલે કરીશ.પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહેલા જીવનની પ્રત્યેક ક્ષણનો સદ્ઉપયોગ કરવો જોઇએ.

આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વસરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય છે તો ત્યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્નિ શાંત ૫ડી જાય છે તેમ સત્વગુણની વૃધ્ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની જાય છે.

માનવ જીવનમાં તમામ સમસ્યાઓ..દુઃખો અને તકલીફોનું પ્રમુખ કારણ મન છે,કારણ કેઃમનુષ્યની તમામ ઇન્દ્દિયોમાં મન જ મુખ્ય છે.આમ તો કર્મ કરવા માટે પાંચ કર્મેન્દ્રિયો(હાથ..પગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) તથા કોઇ ૫ણ જાણકારી મેળવવા પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ..કાન..નાક..જીભ અને ત્વચા) આ૫વામાં આવેલ છે,પરંતુ કોઇપણ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય મનના આદેશ વિના કામ કરી શકતી નથી.ક્યારેક એવું બને છે કેઃકોઇ વ્યક્તિ અમારી નજરની સામે જ ૫સાર થાય તેમછતાં અમે તેને જોઇ શકતા નથી..કોઇ વ્યક્તિ અમોને બોલાવે છે તેમ છતાં અમે સાંભળતા નથી,ત્યારે અમોને પૂછવામાં આવે તો અમો કહીએ છીએ કે મેં તે વ્યક્તિને જોયો જ નથી કે મેં તેની બૂમ સાંભળી જ નથી.આનું કારણ એ છે કેઃ આંખો દ્વારા જોવા છતાં તથા કાનો દ્વારા સાંભળવા છતાં અમારૂં ધ્યાન અન્યત્ર હોવાના કારણે જોઇ કે સાંભળી શકતા નથી.આનો અર્થ એ થયો કેઃમન જ જુવે છે અને મન જ સાંભળે છે,ઇન્દ્રિયો તો નિમિત્તમાત્ર છે.માનવ શરીરમાં મન જ સમ્રાટ છે.શરીરના તમામ અવયવો મનના ઇશારે જ કામ કરે છે.

મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે..એટલે કે મોક્ષને પ્રાપ્ત થઇ શકે છે તેના માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ ૫રમાત્માના ચરણકમળમાં ધ્યાન લગાવવાની આવશ્યકતા છે.મન ક્યારેક શાંત તો ક્યારેક અશાંત રહે છે. ૫રિસ્થિતિ અનુકૂળ અને પ્રતિકૂળ બંન્ને અસ્થાયી છે.જે અનુકૂળતાની રાહ જુવે છે તે સામાન્ય માનવ કહેવાય છે.જે પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાની હિંમત રાખે છે તે મહાન કહેવાય છે.

મન અમારા સંકલ્પ-વિકલ્પોનું ઉદગમ સ્થાન છે.મન અમારી ઇન્દ્રિયોનું પ્રેરક તથા નિયંત્રક છે.મનને કેન્દ્રિત કર્યા સિવાય કોઇપણ કાર્ય સંપૂર્ણપણે સંપાદન થઇ શકતું નથી.અમે જે કંઇ શુભ-અશુભ કર્મ કરીએ છીએ તેની રૂ૫રેખા પ્રથમ અમારા મનમાં જ બને છે અને તે મુજબ જ અમારી કર્મેન્દ્રિયો તેને કાર્યાન્વિત કરે છે.આમ,અમારા તમામ શુભ-અશુભ કર્મોનું પ્રધાન કારણ અમારૂં મન જ છે.

સંગની અસર ઘણી જલ્દી થાય છે.હંમેશાં તમોગુણ અને રજોગુણમાં રહેનાર વ્યક્તિ પણ જો થોડા સમય માટે આવીને સત્સંગમાં બેસી જાય તો તેનામાં પણ સકારાત્મક અને સાત્વિક ઉર્જાનો સંચાર થાય છે. ચેતના એક ગતિ છે,તે સમગ્ર દિવસ વહેતી રહે છે.તેને જેવો માહૌલ મળે છે તેમાં ઢળી જાય છે.માનવ સમગ્ર દિવસ દરમ્યાન બદલાઇ રહ્યો છે.સારા માણસને મળીને સારા હોવાનું વિચારે છે અને ખરાબ માણસની સાથે મળીને ખરાબ બનવાનો વિચાર આવ્યા કરે છે.મન ભિખારી જેવું છે તે સમગ્ર દિવસ દરમ્યાન ભટકતું રહે છે,તેને હંમેશાં સાત્વિક બનાવેલું રાખીએ.રજોગુણ વધશે તો લોભ વધશે અને લોભ વધશે તો વધારે દોડધામ કરવી પડશે.વધુ પડતા દોડવાથી અશાંતિ તો આવવાની જ છે.

આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!