જીવનનું અંતિમ સત્યઃમૃત્યુ

જીવનનું અંતિમ સત્યઃમૃત્યુ
મૃત્યુના વિશે અનેક વિદ્વાનોની અનેક ધારણાઓ છે.કેટલાક મૃત્યુને જીવનયાત્રાનો અંત માને છે,તો કેટલાક તેને નવા જન્મનો આરંભ માને છે,કેટલાક તેને કપડાં બદલવા સમાન માને છે,તો કોઇક તેને તમામ ઝઘડાઓનો અંત સમજે છે.મૃત્યુનું રૂ૫ ભલે ગમે તે હોય પરંતુ તેનું જીવનમાં ઘણું જ મહત્વ છે.ભલે બધા વિદ્વાનો અને દાર્શનિકો મૃત્યુના વિષયમાં અલગ અલગ વિચારો કરતા હોય અથવા મૃત્યુના વિશે અનભિજ્ઞ હોય તેમ છતાં પ્રત્યેકનો અંત નિશ્ચિંત છે.
કેટલાક મહાત્માઓએ મૃત્યુની પ્રસંશા કરી છે.મહાત્મા ગાંધીજીનું કથન છે કે મૃત્યુના સમાન નિશ્ચિત બીજી કોઇ ચીજ નથી.મૃત્યુની સાથે જ તમામ ઝઘડાઓનો અંત આવી જાય છે.સ્વામી રામતીર્થનો મત છે કે આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.જેને પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન થઇ જાય છે,આ સંસારની સત્તા અને વાસ્તવિકતાની ખબર પડી જાય છે તેમના માટે મૃત્યું આનંદની સ્થિતિ છે,મુક્તિનું ચિહ્ન છે.
મૃત્યુ વિશે કબીરજી કહે છે કે જિસ મરનેસે જગ ડરે મેરો મન આનંદ,મરનેસે હી પાઇએ પૂરણ પરમાનંદ. કઠોપનિષદમાં લખ્યું છે કે જે અહી નાનત્વ જુવે છે તે એક મૃત્યુથી અન્ય મૃત્યુને પ્રાપ્ત થતો રહે છે અને આ નાનત્વની સ્થિતિ ત્યાં સુધી બનેલી રહે છે કે જ્યાં સુધી પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત ના થાય અને પ્રભુ પરમાત્માનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ મળી જાય.આનો અર્થ એ થયો કે સદગુરૂ મળવાથી મનુષ્ય મૃત્યુ ઉ૫ર વિજય પ્રાપ્ત કરી શકે છે.
બ્રહ્મજ્ઞાનીના માટે મૃત્યુ નામની કોઇ ચીજ આ સંસારમાં રહેતી જ નથી કારણ કે એક ૫રમાત્માના સિવાય તેમને બીજું કાંઇ નજર જ આવતું નથી.સંસારના તમામ દુઃખોનું મૂળ સુખની ઇચ્છા છે.સુખની પ્રાપ્તિ ના માટે કોઇ ઇચ્છા જ ના હોય તો દુઃખ થતું જ નથી.મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટો થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કે તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.
દેહધારી મનુષ્ય શરીરમાં જેવી રીતે બાળપણ-યુવાની અને વૃધ્ધાવસ્થા થાય છે તેવી રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે આ બાબતમાં ધીર મનુષ્યને મોહ થતો નથી.શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી,એમાં ૫રીવર્તન થતું રહે છે.શરીર અને આત્મા ભિન્ન છે.શરીર દ્રશ્ય છે અને આત્મા દ્રષ્ટ્રા છે.આથી શરીરમાં બાળપણ યુવાની વૃધ્ધાવસ્થા વગેરેનું જે પરીવર્તન છે તે પરીવર્તન આત્મામાં નથી.જેવી રીતે શરીરની અવસ્થાઓ બદલાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.
મનુષ્ય જેવી રીતે જુનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે દેહી જુનાં શરીરોનો ત્યાગ કરીને બીજાં નવાં શરીરોમાં ચાલ્યો જાય છે.જ્યાં સુધી પ્રકૃતિની સાથે સબંધ રહે છે ત્યાં સુધી આ દેહી જુનાં શરીરોને છોડીને કર્માનુસાર અથવા અંતકાળના ચિન્તન અનુસાર નવાં નવાં શરીરોને પ્રાપ્ત થતો રહે છે.જ્યાં સુધી શરીરી(આત્મા)ને પોતાના વાસ્તવિક સ્વરૂ૫નું યથાર્થ જ્ઞાન થતું નથી ત્યાં સુધી તે અનંત કાળ સુધી શરીરો ધારણ કરતો જ રહે છે. દેહી(આત્મા) સર્વત્ર વ્યાપેલો,નિત્ય,સર્વગત અને સ્થિર સ્વભાવવાળો છે.
હવે પ્રશ્ન થાય કે અનાદિકાળથી જે જન્મ-મરણ ચાલતું આવી રહ્યું છે એનું કારણ શું..? કર્મોની દ્રષ્ટ્રિએ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ-મરણ થાય છે..જ્ઞાનની દ્રષ્ટ્રિ એ અજ્ઞાનના કારણે જન્મ-મરણ થાય છે અને ભક્તની દ્રષ્ટ્રિએ ભગવાનની વિમુખતાના કારણે જન્મ-મરણ થાય છે.આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કે ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદ્ઉ૫યોગ કરવાથી જન્મ-મરણ દૂર થશે.પોતાના સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હીતના માટે કર્મ કરવાથી જન્મ-મરણ દૂર થશે.પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે.ભગવાનથી વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે નહી.
શરીરમાં “હું” અને “મારાપણા” નો ભાવ હોવાથી જીવવાની ઇચ્છા અને મૃત્યુનો ભય થાય છે કારણ કે શરીર તો નાશવાન છે પરંતુ આત્મા અમર(અવિનાશી) છે તેનો કોઇ વિનાશ કરી શકતું નથી.શરીરમાં છ વિકારો છેઃઉત્પન્ન થવું,અસ્તિત્વ દેખાવું,બદલાવું,વધવું,ઘટવું અને નષ્ટા થવું.આત્મા આ છ વિકારોથી રહિત છે. શરીર તો પ્રતિક્ષણ મરતું રહે છે.એક ક્ષણ પણ ટકતું નથી.જ્યારે આત્મા નિત્ય નિરંતર જેવો છે તેવો જ રહે છે.જીવવાની ઇચ્છા અને મૃત્યુનો ભય શરીર કે આત્માને થતો નથી પરંતુ તેને થાય છે કે જેને પોતે અવિનાશી હોવા છતાં નાશવાન શરીરને પોતાનું સ્વરૂપ (હું અને મારૂં) માની લીધું છે.શરીરને પોતાનું સ્વરૂ૫ માનવું એ જ “અવિવેક” છે,પ્રમાદ છે અને પ્રમાદ એ જ મૃત્યુ છે.
જેવી રીતે અકસ્માતમાં મોટર અને ડ્રાઇવર બંન્નેનો હાથ હોય છે.ક્રિયા થવામાં તો ફક્ત મોટરની જ પ્રધાનતા રહે છે પરંતુ ર્દુઘટનાનું ફળ(દંડ) મોટર સાથે પોતાનો સબંધ જોડવાવાળા ડ્રાઇવર(કર્તા) ને જ ભોગવવો ૫ડે છે.તેવી જ રીતે સાંસારીક કાર્યો કરવામાં પ્રકૃતિ અને પુરૂષ બંન્નેનો હાથ રહે છે.ક્રિયાઓ થવામાં તો ફક્ત શરીરની જ પ્રધાનતા રહે છે પરંતુ સુખ દુઃખરૂપી ફળ શરીર સાથે પોતાનો સબંધ જોડવાવાળા પુરૂષ(કર્તા)ને જ ભોગવવું ૫ડે છે.જો તે શરીરની સાથે પોતાનો સબંધ ના જોડે અને તમામ ક્રિયાઓને પ્રકૃતિ દ્વારા જ થતી રહેલી માને તો તે ક્રિયાઓનું ફળ ભોગવવાવાળો બનતો નથી..
શરીરમાં જેટલું વધુ “હું” અને “મારાપણું” હોય છે,મૃત્યુંના સમયે એટલું જ વધારે કષ્ટ પડે છે. મૃત્યુના સમયે એક પીડા થાય છે અને એક દુઃખ થાય છે.પીડા શરીરમાં અને દુઃખ મનમાં થાય છે.દેહમાં આસક્ત મનુષ્યને જેવી ભયંકર પીડાનો અનુભવ થાય છે તેવો અનુભવ વૈરાગ્યવાન મનુષ્યને થતો નથી.
આલેખન : વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300