રાજકોટ : દિવ્યાંગ સંસ્થાઓનું સન્માન, સાધન સહાય વિતરણ સાથે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ ની ઉજવણી.

રાજકોટ શહેરમાં દિવ્યાંગ સંસ્થાઓનું સન્માન, સાધન સહાય વિતરણ સાથે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ ની ઉજવણી.
રાજકોટ : દુનિયાભરમાં ૩ ડિસેમ્બર ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવાય છે, રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગ તથા જીલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થાઓનું સન્માન, દિવ્યાંગ મતદાતા જાગૃતિ તથા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ નો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે દિવ્યાંગ જાગૃતિ રેલી યોજાઈ હતી. જેને જીલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પ્રસ્થાન કરાવ્યું હતું. કાલાવડ રોડ પર આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, “દિવ્યાંગો માટે કામ કરતા સ્પેશિયલ ટીચર્સ અને સંસ્થાઓ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેઓ નિસ્વાર્થ ભાવથી સમાજમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપી રહ્યા છે, જે બદલ તેઓને અભિનંદન.” જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ.પ્રાર્થના શેરસિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ સાથે વિશ્વ વિકલાંગ દિવસની ભૂમિકા અને મહત્વ સમજાવ્યું હતું. દિવ્યાંગોને કોઈ ખામી ભલે હોય પણ તેની સાથે ઈશ્વરે તેમને કોઈ વિશેષ શક્તિ આપી હોય છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને ઉજાગર કરવા પ્રેરણા આપી હતી. દિવ્યાંગ નાગરિકો મતદાન માટે પ્રેરાય અને દિવ્યાંગ બાળકોને મતદાન પ્રક્રિયા અંગે જાણકારી મળે તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી શાખાના મામલતદાર એમ.ડી.દવેએ ભારતના ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી મતદાર યાદી સુધારણાથી લઈને ચૂંટણીકાર્ડ નીકળવા સુધીની પ્રક્રિયા સમજાવી હતી. લોકશાહીમાં દરેક નાગરિકને મતાધિકાર છે અને મતદાન વખતે દિવ્યાંગોને કેવી સવલતો અપાય છે, તેની સમજ આપતું નાટક વિરાણી બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ પ્રભાવશાળી રીતે રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટમાં દિવ્યાંગોના કલ્યાણ માટે કામ કરતી વિરાણી બહેરા મુંગા શાળા, વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, એકરંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન, અંધજન કલ્યાણ મંડળ, મિશનરી ઓફ મધર ટેરેસા, નવશક્તિ વિદ્યાલય, સચ્ચિદાનંદ એજયુ. ટ્રસ્ટ બહેરા મુંગા શાળા-જેતપુર, યુનિક વિકલાંગ ટ્રસ્ટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, સ્નેહ નિર્ઝર સંસ્થા, રામકૃષ્ણ આશ્રમ તેમજ દિવ્યાંગ ઓલિમ્પિકમાં વિશ્વસ્તરે ગુજરાતનું નામ ઉજાગર કરનાર રમતવીર રામભાઈ બાંભવાનું સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો આત્મનિર્ભર બનીને સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે માટે રાજ્ય સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતગર્ત વિવિધ દિવ્યાંગોને રોજગારી સાધન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વી.ડી.પારેખ અંધ ગૃહની બહેનો દ્વારા પ્રાર્થના ગીત જ્યારે એકરંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની બહેનોએ મહેમાનોનું સ્વાગત કરતું મનોહર નૃત્ય રજૂ કર્યું હતું. જેને ઉપસ્થિત મહેમાનોએ હર્ષ સાથે વધાવી લીધી હતી. સમગ્ર કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોની શિસ્ત બધાના હ્રદયને સ્પર્શી ગઈ હતી.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300